World

અમેરિકન જજોએ 4,400 કેસમાં આઇસીઇની ધરપકડ ગેરકાયદે ઠેરવી

By GS TEAM
15 Feb 20262 mins read
અમેરિકન જજોએ 4,400 કેસમાં આઇસીઇની ધરપકડ ગેરકાયદે ઠેરવી

- જજોની આકરી ટીકા છતાં આઇસીઇની કામગીરી યથાવત

- કેટલાક એક્ટિવિસ્ટ જજો ટ્રમ્પના માસ ડિપોર્ટેશનના પ્રોગ્રામને અવરોધી રહ્યા છેઃ હોમલેન્ડ વિભાગનો દાવો

વોશિંગ્ટન: અમેરિકામાં આઇસીઇ એજન્ટ્સ જાણે સુપરકોપ હોય તે રીતે વર્તી રહ્યા છે અને સંખ્યાબંધ જજોએ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ૪,૪૦૦થી વધુ વખત  ટ્રમ્પ તંત્રને આ પ્રકારે કાર્યવાહી કરવાનું અટકાવવાનું કહ્યુ હોવા છતાં આ એજન્ટ્સની કાયદાવિહીન પ્રક્રિયા બંધ થઈ નથી. આના કારણે જ ડેમોક્રેટ્સે હોમલેન્ડ વિભાગનું ફંડ અટકાવવા સુધી જવાની ફરજ પડી છે. 

અમેરિકામાં ઇમિગ્રેશનને લગતા કુલ ૨૦ હજારથી પણ વધુ કેસ થયા અને ૬૮૦૦૦થી વધુ અટકાયતમાં

હાલમાં અમેરિકન કોર્ટમાં ઇમિગ્રેશનને લગતાં ૨૦ હજારથી પણ વધુ કેસ ચાલી રહ્યા છે. ટ્રમ્પ તંત્ર ઇમિગ્રેશન પર જે રીતે ત્રાટક્યુ છે તેની કોર્ટ વારંવાર ઝાટકણી કાઢતી રહી છે. આમ છતાં આઇસીઇ એજન્ટ્સે જાણે કોર્ટના આદેશોને સાવ વિસારે પાડી દીધા હોય તેમ વોરંટ વગર ઘરમાં ઘૂસવું અને વોરંટ વગર ધરપકડ કરવી, વોરંટ વગર કોઈને ઉઠાવી જેવા કૃત્યો ચાલુ રાખ્યા છે.

લગભગ બધી કોર્ટોનો આદેશ હતો કે ટ્રમ્પ તંત્રએ ત્રણ દાયકા જૂનો ફેડરલ કાયદાને જ ઘોળીને પી ગઈ છે કે અમેરિકામાં રહેતા કોઈપણ ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવે તો તેને બોન્ડ પર છોડી શકાય છે.

ટ્રમ્પના નેજા હેઠળ આ મહિનાના અંતે આઇસીઇ અટકાયતીઓની સંખ્યા ૬૮,૦૦૦ પર પહોંચી છે, જે ગયા વર્ષે ટ્રમ્પે ઓફિસ સંભાળી તેની તુલનાએ ૭૫ ટકાનો વધારો દર્શાવે છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના પ્રવક્તાનો દાવો છે કે કેટલાક એક્ટિવિસ્ટ જજો અમેરિકન પ્રમુખ ટ્રમ્પના માસ ડિપોર્ટેશનન ધ્યેયને ખોરવવા માંગે છે, જેના માટે અમેરિકન પ્રમુખને જનાદેશ આપવામાં આવ્યો છે. કુલ ૪,૪૨૧ કેસોમાં ૪૦૦થી પણ વધારે ફેડરલ જજોએ આદેશ આપ્યો છે કે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ વિભાગ લોકોની ગેરકાયદેસર રીતે ધરપકડ કરે છે.