US-Israel Iran War: મધ્ય-પૂર્વમાં જંગ છેડાઈ ત્યારે અમેરિકા જેવું મહારથી ઈરાનને ઝડપથી ઘૂંટણિયે પાડી દેશે એવી ધારણા વ્યક્ત કરાઈ હતી. હવે સંકેત મળી રહ્યા છે કે આ યુદ્ધ શરૂઆતના અંદાજ કરતાં ઘણું લાંબું ચાલી શકે એમ છે. અમેરિકન સૈન્યએ પેન્ટાગોન પાસે વધારાના ગુપ્તચર અધિકારીઓ અને સહાયક કર્મચારીઓની માંગ કરી છે. આ સહાય ઓછામાં ઓછા 100 દિવસ સુધી ચાલે એ રીતે માગવામાં આવી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હવે લાંબી લશ્કરી ઝુંબેશ માટે તૈયારી કરી રહ્યું છે.
પેન્ટાગોન પાસે વધારાના ગુપ્તચર અધિકારીઓની માંગ
અમેરિકન સમાચાર વેબસાઇટ Politicoના અહેવાલ મુજબ, United States Central Command (CENTCOM)એ પેન્ટાગોનને ફ્લોરિડામાં આવેલા તેના મુખ્ય મથકમાં વધુ ગુપ્તચર અધિકારીઓ મોકલવા વિનંતી કરી છે. ગુપ્તચર અધિકારીઓનું મુખ્ય કામ ઈરાનની લશ્કરી ગતિવિધિ, મિસાઈલ લોન્ચ, ડ્રોન હુમલા અને પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ વિશે સતત માહિતી એકત્રિત કરવાનું હોય છે. યુદ્ધ વખતે આ માહિતી અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે કારણ કે, તેના આધારે જ હુમલા અથવા રક્ષણની વ્યૂહરચના તૈયાર કરાય છે. આ વધારાના સ્ટાફની માંગ એમ સૂચવે છે કે આગામી કેટલાક મહિના સુધી અમેરિકાનું સૈન્ય અભિયાન ચાલુ રહેશે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ ઝુંબેશ સપ્ટેમ્બર, 2026 સુધી પણ લંબાઈ શકે છે.
ટ્રમ્પના શરૂઆતના દાવાથી અલગ સ્થિતિ
યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ લશ્કરી કાર્યવાહી કદાચ 4 સપ્તાહ કે તેથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિ એ દાવાથી ઘણી અલગ દેખાઈ રહી છે. ઈરાન તરફથી થઈ રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ મધ્ય-પૂર્વમાં વધુ એર ડિફેન્સ સિસ્ટમ્સ તૈનાત કરવાની તૈયારી શરૂ કરી છે.
‘ઓપરેશન એપિક ફ્યુરી’ શું છે?
અમેરિકા અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ આ અભિયાનને ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નામ અપાયું છે. આ કામગીરી 28 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. ઓપરેશનના પ્રથમ જ દિવસે ઈરાનની રાજધાની તેહરાનમાં આક્રમક હુમલા કરાયા હતા. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા. એ પછી યુદ્ધ વધારે ભીષણ થઈ ગયું અને તેની અસર ઈરાન સુધી મર્યાદિત ના રહી. ઈરાને આકરી જવાબી કાર્યવાહી કરીને ઈઝરાયલ ઉપરાંત યુએઈ, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, જોર્ડન અને ઈરાક જેવા દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી દીધા છે. જો કે, આ હુમલાનો હેતુ અમેરિકાના મિલિટરી બેઝને નુકસાન પહોંચાડવાનો હતો.
અમેરિકન રાજદ્વારી કર્મચારીઓનું સ્થળાંતર
આ યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાએ મધ્ય-પૂર્વમાં આવેલા તેના રાજદ્વારી મિશનોની સુરક્ષા વધારી દીધી છે. અમેરિકાએ આ વિસ્તારમાં કાર્યરત રાજદ્વારી કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સ્થળાંતર કામગીરીને ઝડપી બનાવવા માટે વધારાના સંસાધનો ફાળવાયા છે. આ પગલાંને લીધે પણ યુદ્ધ લાંબુ ચાલવાની શક્યતા વધી ગઈ છે.
લાંબા યુદ્ધોમાં ફસાવાનો અમેરિકાનો ઈતિહાસ
આ કંઈ પહેલીવારનું નથી કે અમેરિકા શરૂઆતમાં ટૂંકા લાગતા યુદ્ધમાં લાંબા સમય માટે ફસાઈ ગયું હોય. ભૂતકાળમાં આવા ઘણા સંઘર્ષો થઈ ચૂક્યા છે, જેણે અમેરિકાને ધાર્યા કરતા વધુ હંફાવ્યું હોય. એક નજર આવા યુદ્ધો પર નાંખીએ.
1. વિયેતનામ યુદ્ધ
વિયેતનામ યુદ્ધ 1955થી 1975 સુધી લગભગ 20 વર્ષ ચાલ્યું હતું, જેમાં અમેરિકાએ 58,220 સૈનિકો ગુમાવ્યા હતા. આ યુદ્ધ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વિવાદાસ્પદ રહ્યું છે કારણ કે, તેમાં લાખો નાગરિકો અને સૈનિકો માર્યા ગયા હતા તથા અમેરિકન સમાજમાં જ મોટા વિખવાદ સર્જાયા હતા.
2. અફઘાનિસ્તાન યુદ્ધ
અફઘાનિસ્તાન યુદ્ધ 2001થી 2021 સુધી લગભગ 20 વર્ષ ચાલ્યું, જે અમેરિકાનું સૌથી લાંબું યુદ્ધ બન્યું અને તેમાં 2,400થી વધુ અમેરિકન સૈનિકોના મૃત્યુ થયા. એ યુદ્ધનો ખર્ચ 2.3 ટ્રિલિયન ડૉલર જેટલો થયો. 2021માં અમેરિકી સૈન્ય પાછું ખેંચાતા તાલિબાન ફરી સત્તામાં આવી ગયું અને દેશમાં અસ્થિરતા વધી ગઈ.
3. ઇરાક યુદ્ધ
ઇરાક યુદ્ધ 2003માં શરૂ થયું, જેની મુખ્ય લશ્કરી કામગીરી 2003-2011 સુધી ચાલી (લગભગ 8 વર્ષ), પરંતુ ISISના ઉદયને કારણે 2014થી 2017 સુધીના સમયગાળામાં વધુ તીવ્ર સંઘર્ષ ચાલુ રહ્યો. આ યુદ્ધે ઇરાક અને આખા મધ્ય પૂર્વમાં ભારે અસ્થિરતા અને હિંસા ફેલાવી, જેના કારણે લાખો લોકો માર્યા ગયા અને કરોડો વિસ્થાપિત થયા.
શું ઈરાન યુદ્ધ પણ લાંબું ચાલશે?
હાલની સ્થિતિ જોતા ઘણાં લશ્કરી નિષ્ણાતો માને છે કે ઈરાન સામેનું યુદ્ધ ઝડપથી સમાપ્ત થવું મુશ્કેલ બની શકે છે. ઈરાન પાસે મિસાઈલ, ડ્રોન અને પ્રાદેશિક મિલિશિયા (નિયમિત લશ્કર નહીં એવા સશસ્ત્ર દળો)નું વિશાળ નેટવર્ક છે, જે યુદ્ધને લાંબું ખેંચી શકે છે. જો આ સંઘર્ષ લંબાય તો તેની અસર માત્ર મધ્ય-પૂર્વ સુધી મર્યાદિત નહીં રહે. વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટ, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વિશ્વ સુરક્ષા પર પણ તેની ગંભીર અને લાંબા ગાળાની અસરો પડી શકે છે.


