Get The App

ખાડીના દેશો યુદ્ધની ઝપેટમાં! ભારત પર સંભવિત તેલ સંકટ આવશે તો સૌથી જૂનો મિત્ર દેશ મદદ માટે તૈયાર

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ખાડીના દેશો યુદ્ધની ઝપેટમાં! ભારત પર સંભવિત તેલ સંકટ આવશે તો સૌથી જૂનો મિત્ર દેશ મદદ માટે તૈયાર 1 - image

US Israel Iran War: ઈરાન પર અમેરિકા અને ઈરાઝરાયલના હુમલા બાદ ઈરાનની જવાબી કાર્યવાહીથી ખાડીના દેશો યુદ્ધની આગમાં ભડકે બળી રહ્યા છે. ભારત પાસે માત્ર 50 દિવસ સુધી ચાલે તેટલો જ કાચા તેલ અને પેટ્રોલિયમનો જથ્થો ઉપલબ્ધ છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ભારતને ક્રૂડ સંકટનો સામનો કરવો પડી શકે તેમ છે. તેવામાં સૌથી જૂનો દોસ્ત દેશ રશિયા ભારતની પડખે આવ્યો છે. 

રશિયાએ કહ્યું, ભારતની મદદ માટે તૈયાર

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે, રશિયાએ સંકેત આપ્યો છે કે જો ખાડી ક્ષેત્રમાં તણાવને કારણે વૈશ્વિક તેલ હેરફેરમાં અડચણો ઉભી થશે તો તે ભારતને ઉર્જા પૂરી પાડવામાં સહયોગ આપવા તૈયાર છે. આ મદદ એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે એનર્જી માર્કેટમાં અસ્થિરતા આવતા હાહાકાર મચ્યો છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવતા તેલના જહાજોને રોકી દીધા છે. આ એ જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી ભારત અને ચીન સહિત અનેક દેશોમાં તેલ અને ગેસ વેપારનો મોટા ભાગનો કારોબાર થાય છે. 

કુલ 50 દિવસનો ભંડાર!

સૂત્ર પ્રમાણે ભારત પાસે આ સમયે કાચા તેલ અને રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનો કુલ 50 દિવસનો ભંડાર છે. જેમાં 25 દિવસનો કાચો તેલનો તો 25 દિવસના પેટ્રોલિયમ ઉત્પાદનો સામેલ છે. ભવિષ્યના સંકટને જોતાં ભારતે અત્યારથી જ કાચા તેલની માગને પહોંચી વળવા અન્ય દેશો સાથે સોગઠાં ગોઠવાની તૈયારી દર્શાવી છે. 

પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું?

સરકારી સૂત્રોનું એ પણ કહેવું છે કે ભારત પાસે પેટ્રોલ અને ડીઝલ અને અન્ય ઈંધણની ધરેલું માગ પૂર્ણ કરવા માટે છ થી આઠ સપ્તાહ સુધી ચાલે તેટલો જથ્થો છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરીએ કહ્યું છે કે હાલની ભૂ-રાજનૈતિક સ્થિતિઓને કારણે જો કાચા તેલ અને ગેસની આયાતમાં મુશ્કેલી પડશે તો ભારત અન્ય વિકલ્પો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

આ પણ વાંચો: ઈરાનના હુમલાથી કતર સંકટમાં, વિશ્વભરને સપ્લાય કરતો ગેસ પ્લાન્ટ બંધ કર્યો, ભારતને પણ મોટી અસર

મહત્વનું છે કે ભારત દુનિયાના ત્રીજો સૌથી મોટો કાચા તેલની આયાત કરતો દેશ છે. તે સાથે જ રિફાઈનિંગ ક્ષમતામાં ચોથા તો પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં પાંચમા સ્થાને છે. એ પણ છે કે ભારત પાસે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ચિંતાનું કોઈ કારણ નથી પણ જો યુદ્ધ લાંબુ ખેંચાય તો ભારત પર પણ ચિંતાના વાદળો ઘેરાઈ શકે છે.