'આપણે યુદ્ધમાં છીએ..', ઈરાને અમેરિકન ફાઈટર જેટ તોડી પાડયા બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran War: મધ્ય પૂર્વમાં અમેરિકન લડાયક વિમાનો ઈરાન દ્વારા તોડી પાડવા આવ્યા છે, ત્યારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ઘટનાઓની ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર પડશે નહીં. NBC ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, 'આ ઘટનાઓની રાજદ્વારી સંબંધો અને વાતચીત પર કોઈ અસર નહીં પડે, બિલકુલ નહીં. આ યુદ્ધ છે. આપણે યુદ્ધમાં છીએ.' તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.
રેસ્ક્યૂ ઓપરેશન અંગે ચર્ચા નહીં કરું: ટ્રમ્પ
ઈન્ટરવ્યૂ દરમિયાન, ટ્રમ્પે દુર્ઘટનાગ્રસ્ત અમેરિકન વિમાનો સંબંધિત સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન વિશે ચર્ચા કરવાનો ઈનકાર કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ જટિલ અને સંવેદનશીલ છે, તેથી તેઓ ચાલી રહેલા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન વિશે વિગતવાર કંઈ કહેશે નહીં. તેમણે વિમાનોના ક્રેશ થયા બાદ મીડિયા કવરેજ અંગે પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ એક સક્રિય સૈન્ય અભિયાન છે, જેને સમજવાની જરૂર છે.
એક જ દિવસમાં બે અમેરિકન વિમાન ક્રેશ
મધ્ય પૂર્વમાં શુક્રવારે અમેરિકન વાયુસેના સાથે જોડાયેલા બે અલગ-અલગ વિમાન ઈરાને ધ્વસ્ત કર્યાનો દાવો કર્યો હતો, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. સૌથી પહેલા, અમેરિકાનું એક F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન ઈરાનના એરસ્પેસમાં તૂટી પડ્યું હતું. ઈરાને દાવો કર્યો છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે આ અમેરિકી વિમાનને તોડી પાડ્યું છે. આ વિમાનમાં પાયલટની સાથે એક વેપન સિસ્ટમ ઓફિસર પણ હતો. અમેરિકાએ તેમાંથી એકને સુરક્ષિત બચાવી લેવાનો દાવો કર્યો છે, જ્યારે બીજાની શોધખોળ હજુ ચાલુ છે.
અન્ય એક યુદ્ધ વિમાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ક્રેશ
બીજું એક અમેરિકન લડાયક વિમાન A-10 થંડરબોલ્ટ II સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સે એક અમેરિકન અધિકારીને ટાંકીને વિમાનના ક્રેશ થવાની પુષ્ટિ કરી છે. જો કે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે વિમાન અકસ્માતે ક્રેશ થયું છે કે તેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટના અંગે ઈરાન તરફથી હજુ સુધી કોઈ દાવો કરવામાં આવ્યો નથી. વિમાનના પાયલટ અંગે પણ કોઈ માહિતી સામે આવી નથી. NYTના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાએ પાયલટને રેસ્ક્યુ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે.
US-ઈરાન વચ્ચેની વાટાઘાટો અટકી: WSJ
ટ્રમ્પના દાવાઓથી વિરુદ્ધ અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ રોકવા માટે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે યુદ્ધવિરામની કોશિશો હાલમાં ઠપ્પ થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સહિત અનેક પ્રાદેશિક દેશોની મધ્યસ્થતા છતાં કોઈ નક્કર પ્રગતિ થઈ શકી નથી. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે આગામી દિવસોમાં ઈસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓને મળવા તૈયાર નથી અને તેણે અમેરિકાની માંગણીઓને અસ્વીકાર્ય ગણાવી છે.









