World

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા અને ઈરાન ફરી આમને-સામને: એકબીજા પર ઘાતક હુમલા

By GS Team
6 Jun 20263 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલો તણાવ હવે વધુ વિસ્ફોટક સપાટીએ પહોંચી ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) નજીક અમેરિકા અને ઈરાનની સેનાઓ વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા અને ફાયરિંગના જવાબમાં અમેરિકન સેનાએ આક્રમક વળતો પ્રહાર કરીને ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી સીઝફાયર (યુદ્ધવિરામ) ની મંત્રણાઓ પર જોખમ ઊભું થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા અને ઈરાન ફરી આમને-સામને: એકબીજા પર ઘાતક હુમલા

Iran USA War Updates : મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલો તણાવ હવે વધુ વિસ્ફોટક સપાટીએ પહોંચી ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) નજીક અમેરિકા અને ઈરાનની સેનાઓ વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ શરૂ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા અને ફાયરિંગના જવાબમાં અમેરિકન સેનાએ આક્રમક વળતો પ્રહાર કરીને ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલી સીઝફાયર (યુદ્ધવિરામ) ની મંત્રણાઓ પર જોખમ ઊભું થયું છે.

ઈરાનની 'ચેતવણી' અને અમેરિકાનો વળતો પ્રહાર

ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી 'મેહર' ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ પ્રદેશ નજીક અમેરિકન નૌકાદળના જહાજોની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા ઈરાને 'ચેતવણી' ના ભાગરૂપે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ વ્યૂહાત્મક બંદર શહેર 'બંદર અબ્બાસ' ના દરિયાકાંઠાથી થોડે દૂર આવેલા લારેક દ્વીપ નજીક કરવામાં આવ્યું હતું.



બીજી તરફ, અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ તરફ અનેક એટેક ડ્રોન લોન્ચ કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, પ્રાદેશિક દરિયાઈ વાહનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકન સેનાએ ઈરાનના 4 હુમલાખોર ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. એટલું જ નહીં, ભવિષ્યના હુમલા અટકાવવા માટે આત્મરક્ષામાં અમેરિકાએ ગોરુક અને કેશમ દ્વીપ પર સ્થિત ઈરાની તટીય દેખરેખ રડાર સાઇટ્સ (Coastal Surveillance Radar Sites) પર બોમ્બમારો કરીને તેને તબાહ કરી દીધી છે. જોકે, ઈરાની મીડિયાએ બંદર અબ્બાસ પર હુમલાના દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.

'ઈરાન પાસે હવે માત્ર 21-22% મિસાઈલ બચી' : ડોનાલ્ડ ટ્રમ્પ

આ સૈન્ય અથડામણની થોડી જ ક્ષણો પહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે લાંબા સંઘર્ષના કારણે ઈરાનની સૈન્ય તાકાત નબળી પડી છે અને હવે તેની પાસે માત્ર 21% થી 22% જેટલી જ મિસાઈલો બચી છે. કુવૈતના મુખ્ય એરપોર્ટ પર ઈરાની ડ્રોન દ્વારા તાજેતરમાં કરાયેલા હુમલા અને આ તાજા ઘટનાક્રમ છતાં ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે તેમનું વહીવટીતંત્ર આ વિવાદનો સફળતાપૂર્વક અંત લાવશે. તેમણે પત્રકારોને દૃઢતાપૂર્વક કહ્યું કે, "આપણે ગમે તે રીતે જીતીશું".

લેબેનોન-ઈઝરાયલ વિવાદે વધારી ચિંતા

બીજી તરફ ઈઝરાયલ અને લેબેનોન સરહદે પણ સ્થિતિ વણસી છે. ટ્રમ્પ પ્રશાસને દાવો કર્યો હતો કે લેબેનોન સરકાર અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર થઈ ગયો છે, પરંતુ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકી સંગઠને આ કરારને ફગાવી દઈને ફરીથી હુમલા શરૂ કરી દીધા છે. ઈરાને શરત મૂકી છે કે જ્યાં સુધી લેબેનોન પર ઈઝરાયલના હુમલા સંપૂર્ણપણે બંધ નહીં થાય, ત્યાં સુધી હોર્મુઝ જળમાર્ગ ખોલવા કે સીઝફાયર કરવા અંગે કોઈ સંમતિ બનશે નહીં. લેબેનોનમાં ચાલી રહેલી આ લડાઈ હવે વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલના વેપાર માટે જીવનરેખા સમાન હોર્મુઝ સ્ટ્રેટ માટે મોટો ખતરો બની ગઈ છે.