પાકિસ્તાનની ફરી 'ઈન્ટરનેશનલ ફજેતી', લેબેનોનમાં યુદ્ધવિરામ અંગે અમેરિકાએ હાથ ઊંચા કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran Ceasefire: અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન સાથે થયેલા યુદ્ધવિરામ કરારમાં લેબેનોનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલે લેબેનોનમાં ભીષણ હુમલા કર્યા છે. ખાસ વાત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે યુદ્ધવિરામ સમજૂતીમાં લેબેનોન પણ સામેલ છે, જ્યારે ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ તેનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આ પહેલા અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નકારી ચૂક્યા છે કે આ ડીલમાં લેબેનોન સામેલ નથી.
અમેરિકાએ હાથ અધ્ધર કર્યા
હંગેરીની રાજધાની બુડાપેસ્ટ પહોંચેલા અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સે લેબેનોનના યુદ્ધવિરામમાં સામેલ હોવાનો ઈનકાર કર્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે કોઈ ગેરસમજ થઈ છે. મને લાગે છે કે ઈરાનીઓ એવું માની રહ્યા હતા કે યુદ્ધવિરામમાં લેબેનોન પણ સામેલ છે, જ્યારે એવું નથી.' તેમણે ઉમેર્યું કે અમેરિકાનો મત છે કે યુદ્ધવિરામ ઈરાન અને અમેરિકાના સાથી દેશો પર કેન્દ્રિત હશે, જેમાં ઈઝરાયલ અને આરબ દેશોનો સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે લેબેનોનને યુદ્ધવિરામ કરારમાં 'હિઝબુલ્લાહના કારણે' સામેલ કરવામાં આવ્યું નથી. ટ્રમ્પે પીબીએસ ન્યૂઝ અવર સાથેની વાતચીતમાં કહ્યું, 'તેમને કરારમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે. બધું બરાબર છે.' જ્યારે તેમને લેબેનોનમાં ઈઝરાયલ દ્વારા સતત કરવામાં આવતા હુમલાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'આ સમજૂતીનો ભાગ છે - આ તો બધા જાણે છે. આ એક અલગ સંઘર્ષ છે.'
પાકિસ્તાનની ફજેતી
પાકિસ્તાનના PM શરીફે બુધવારે કહ્યું હતું કે, 'મને આ જાહેર કરતા ખૂબ આનંદ થાય છે કે ઈરાન અને અમેરિકા, તેમના સાથી દેશો સાથે, લેબેનોન અને અન્ય તમામ સ્થળોએ તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ નિર્ણય અત્યારથી જ પ્રભાવી છે.'
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'હું આ સમજદારીભર્યા નિર્ણયનું ઉષ્માભર્યું સ્વાગત કરું છું અને બંને દેશોના નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. હું તેમના પ્રતિનિધિમંડળોને શુક્રવાર, 10 એપ્રિલ 2026ના રોજ ઈસ્લામાબાદમાં આમંત્રિત કરું છું, જેથી તમામ વિવાદોના ઉકેલ માટે નિર્ણાયક કરાર પર આગળની વાતચીત થઈ શકે.' તેમણે એમ પણ લખ્યું હતું કે બંને પક્ષોએ શાંતિ અને સ્થિરતાના હેતુ માટે સમજદારી બતાવી છે અને તેઓ આશા રાખે છે કે 'ઈસ્લામાબાદ વાર્તા' કાયમી શાંતિ લાવવામાં સફળ રહેશે.
ઈઝરાયલે કરી દીધો હતો ઈનકાર
નેતન્યાહુએ ઈરાન પર હુમલા રોકવાના અમેરિકાના નિર્ણયનું સમર્થન કર્યું છે, પરંતુ કહ્યું કે બે સપ્તાહનો આ યુદ્ધવિરામ લેબેનોનમાં ઈઝરાયલના ચાલુ સૈન્ય અભિયાનો પર લાગુ થશે નહીં. યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ જ ઈઝરાયલે લેબેનોનમાં હુમલા શરૂ કરી દીધા હતા. ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ હુમલાઓમાં ઓછામાં ઓછા 89 લોકો માર્યા ગયા છે અને 700 થી વધુ ઘાયલ થયા છે. ઈઝરાયલે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથે થયેલ યુદ્ધવિરામ કરાર લેબેનોનમાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ સાથેની તેની લડાઈ પર લાગુ પડતો નથી.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરાયું
લેબેનોનમાં ઈઝરાયલના હુમલા બાદ ઈરાને બુધવારે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. અમેરિકાએ તેને ખોલવાની માંગ કરી છે. લેબેનોન પર ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાનની આ કાર્યવાહીથી હવે એવી શંકા જન્મી છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલો આ નાજુક યુદ્ધવિરામ કરાર લાંબો સમય ટકી શકશે કે નહીં.








