અમેરિકામાં ‘સરકારી શટડાઉન’નો ભય, ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેની તણાવભરી સ્થિતિ
US Government Shutdown Fear : અમેરિકામાં જરૂરી સેવાઓ સ્થગિત થઈ જવાનો ભય સર્જાયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે આરોગ્ય સંભાળ, સરકારી ખર્ચમાં કપાત અને ભંડોળની પ્રાથમિકતાઓને લઈને તીવ્ર મતભેદ ઊભા સર્જાયા છે. 30 સપ્ટેમ્બરની પૂર્વનિર્ધારિત અંતિમ તારીખ નજીક આવતા, લાખો સરકારી કર્મચારીઓની નોકરી જોખમમાં મૂકાઈ રહી છે. જો છેલ્લી ક્ષણે કોઈ સમજૂતી ન થઈ તો દેશભરમાં જરૂરી સેવા એટલે કે ગવર્મેન્ટ સર્વિસ રાતોરાત બંધ થઈ જશે.
મુખ્ય બે પક્ષની ખેંચતાણ રાજકીય અવરોધમાં પરિણમી
આ સમસ્યાનું મૂળ કારણ એ છે કે સરકારનું નવું નાણાકીય વર્ષ 1 ઑક્ટોબરથી શરુ થાય છે. આ માટે અમેરિકાની સંસદે સપ્ટેમ્બરના અંત સુધીમાં ભંડોળ બિલ પસાર કરવું જરૂરી છે. પરંતુ હાલ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે ભારે મતભેદ છે. રિપબ્લિકન-નિયંત્રિત હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે એક બિલ પસાર કર્યું છે, જ્યારે ડેમોક્રેટ-બહુમતી ધરાવતી સેનેટે તેને નકારી કાઢ્યું છે. આ સ્થિતિમાં સરકારી કામકાજ અવરોધાઈ ગયું છે.
બંને પક્ષ ટકરાતા વાટાઘાટો પણ સ્થગિત
તાજેતરમાં ટ્રમ્પે ડેમોક્રેટ નેતાઓ સાથેની મહત્ત્વની બેઠક રદ કરતાં આ તણાવ વધુ ગંભીર બન્યો છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ડેમોક્રેટ્સ ‘અગત્યની ન હોય એવી’ માંગ કરી રહ્યા છે. તેના જવાબમાં ડેમોક્રેટ્સનો આક્ષેપ છે કે, ટ્રમ્પ અને રિપબ્લિકન્સ ઇરાદાપૂર્વક સરકારને બંધ તરફ ધકેલી રહ્યા છે.
મતભેદના મુદ્દા કયા કયા છે?
આ સંકટના કેન્દ્રમાં બંને પક્ષોની વિરોધી પ્રાથમિકતા રહેલી છે, જે નીચે મુજબ છે.
- ડેમોક્રેટ્સ ઇચ્છે છે કે લાખો અમેરિકનોના આરોગ્ય વીમા ખર્ચમાં સહાય કરતી સબસિડી ચાલુ રહે.
- તેઓ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી મેડિકેડ કપાતને પણ પાછી ખેંચવા માંગે છે.
- જાહેર મીડિયા માટેનું ભંડોળ પણ તેમની માંગનો ભાગ છે.
રિપબ્લિકન્સ આ માંગને ‘અવાસ્તવિક અને ગેરવાજબી’ ગણાવીને નકારી ચૂક્યા છે. તેઓ દલીલ કરે છે કે આ મુદ્દાને સરકાર ચલાવવા સાથે સીધો સંબંધ નથી.
લાખો સરકારી કર્મચારીઓ નોકરી ગુમાવશે
આ તણાવભરી પરિસ્થિતિ સરકારી કર્મચારીઓ માટે ચિંતાનો વિષય બની રહી છે. ટ્રમ્પ સરકાર ફેડરલ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની વ્યાપક યોજના બનાવી રહ્યું છે. મુલતવી રાખેલા રાજીનામા કાર્યક્રમ હેઠળ 1,00,000થી વધુ કર્મચારી રાજીનામું આપવા તૈયાર છે. આ ઉપરાંત હજારો કર્મચારીઓને સીધેસીધા કાઢી મૂકાશે. અંદાજ છે કે આ વર્ષે કુલ 2,75,000 કર્મચારીની સંખ્યા ઘટશે, જે 1940ના દાયકા પછીનો સૌથી મોટો ઘટાડો ગણાય છે.
કઈ સેવા કેટલી પ્રભાવિત થશે?
જો સરકારી સેવા બંધ થાય તો તેની અસર વ્યાપક અને તાત્કાલિક હશે.
- લાખો સરકારી કર્મચારીઓને પગાર વિના રજા પર ઉતારી દેવાશે.
- હેલ્થ કેર અને લશ્કરી કામગીરી જેવી જરૂરી સેવાઓ તો ચાલુ રહેશે, પરંતુ એના કર્મચારીઓ ઓછા હોવાથી કામમાં વિલંબ થશે.
- રાષ્ટ્રીય ઉદ્યાનો અને સંગ્રહાલયો સંપૂર્ણ બંધ થઈ શકે છે.
- ખાદ્ય સુરક્ષા નિરીક્ષણ અને ઇમિગ્રેશન સુનવણીઓ મુલતવી રહેશે.
અગાઉનો બંધ કેવો હતો?
આ કંઈ પહેલીવારનું નથી જ્યારે ટ્રમ્પના રાજમાં સરકારી સેવાઓ સ્થગિત થવા જઈ રહી હોય. અગાઉ 2018માં ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં થયેલો 34 દિવસનો સરકારી બંધ આધુનિક ઇતિહાસમાં સૌથી લાંબો બંધ ગણાય છે. એના કારણે 8 લાખ કર્મચારીને અસર થઈ હતી.
ટ્રમ્પ સમાધાન કરશે કે નહીં?
સરકારી બંધની રાજકીય કિંમત ચૂકવવી પડતી હોય છે, કેમ કે આવી પરિસ્થિતિ માટે જવાબદાર ગણાતા નેતાઓને મતદારો આગામી ચૂંટણીઓમાં સજા કરવાનું વલણ ધરાવે છે. જોકે, પોતાના પક્ષ રિપબ્લિકનનું આધારભૂત સમર્થન હોવાને કારણે ટ્રમ્પ આ મુદ્દે સમાધાન કરવાના મૂડમાં હોય એવું લાગતું નથી.
અમેરિકાની વ્યાપક રાજકીય લડાઈ
શટડાઉનનો આ મુદ્દો એક વિસ્તૃત રાજકીય સંઘર્ષનો ભાગ છે. ટ્રમ્પે તાજેતરમાં અન્ય વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે. જેમ કે ઓરેગોનમાં ફેડરલ સૈનિકોની તહેનાતી, જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં દખલગીરી અને જન્મજાત નાગરિકત્વને પડકારવા જેવા પગલાં. જેને લીધે આ બધું એક વ્યાપક રાજકીય લડાઈનો ભાગ લાગે છે.