અમેરિકન સરકારે એચ-1બી વિઝાના દૂરુપયોગના 175 કેસની તપાસ શરૂ કરી

- અમેરિકન વર્કરના હિતોનું રક્ષણ કરવાનું તંત્રનું ધ્યેય
- અમેરિકનોને પણ ઓછા પગારે કામ કરવાની ફરજ પડાતી હોવાનો તંત્રનો દાવો
વોશિંગ્ટન: ટ્રમ્પ વહીવટીતંત્રએ એચ૧-બી વિઝાના દૂરુપયોગના ૧૭૫ કેસની તપાસ શરૂ કરી છે. તેમા નીચું વેતન, કામકાજના સ્થળનું અસ્તિત્વ જ ન હોવું અને કર્મચારીઓને બેન્ચિંગ પર રાખવાની પ્રણાલિનો સમાવેશ થાય છે. અમેરિકાના શ્રમવિભાગના જણાવ્યા મુજબ અમેરિકન જોબ્સનું રક્ષણ કરવાના વ્યાપક ધ્યેયના સંદર્ભમાં આ પગલું લેવાયું છે. અમેરિકન વર્કરના હિતોને પ્રાધાન્ય આપવાનો તેનો હેતુ છે.
કેસોની તપાસમાં ઓછો પગાર અને કામકાજના સ્થળનું અસ્તિત્વ જ ન હોવા સહિતની બાબતો સામેલ
શ્રમપ્રધાન લોરી ચાવેઝ ડીરેમેરે જણાવ્યું હતું કે એજન્સી અમેરિકન કામદારોના હિતોને અસર કરનારાઓ સામે પગલાં લેવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકન જોબનું રક્ષણ કરવા અને એચ-૧બીનો દૂરુપયોગ રોકવા માટે જે પણ સંસાધનનો ઉપયોગ કરવો પડે તે કરીશું. અમે અમારા કામદારોમાં રોકાણ કરવાનું જારી રાખીશું અને હાઈ સ્કીલ્ડ જોબ્સ અમેરિકન વર્કરોને સૌપહેલા મળે તે સુનિશ્ચિત કરીશું. ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-૧બીના દૂરુપયોગને રોકવા માટે તેના પર મોટાપાયા પર ત્રાટક્યું છે.તેનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી કંપનીઓ વિદેશી કામદારોને રોજગારી પૂરી પાડવા કરે છે. ભારતીય પ્રોફેશનલ્સમાં મુખ્યત્વે ટેકનોલોજી વર્કરો અને ફિઝિશિયન્સ એચ-૧બી વિઝાનો નોંધપાત્ર હિસ્સો મેળવે છે.
સ્થાનિક પ્રસારમાધ્યમે જણાવ્યું હતું કે શ્રમવિભાગે આ ૧૭૫ કેસ કયા છે તેની વિગત આપી નથી. કામદારોને ચૂકવાતા વેતનના સંદર્ભમાં જોઈએ તો આ કુલ ૧.૫ કરોડ ડોલરનો મામલો કહી શકાય. ફેડરલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક એડવાન્સ ડિગ્રી ધરાવતા વિદેશી કામદારોને પણ તેમની ક્ષમતા કરતાં ઓછું વળતર ચૂકવવામાં આવતું હતું. શ્રમવિભાગે જણાવ્યું હતું કે આ રીતરસમોનો ઉપયોગ કરીને એચ-૧બી વિઝાધારકની સાથે-સાથે અમેરિકન કર્મચારીનો પણ વેતન દર નીચે લાવવા થતા હતો. તેના લીધે અમેરિકન કર્મચારીએ પણ સ્પર્ધામાં ટકી રહેવા નીચા વેતને કામ કરવાની ફરજ પડતી હતી.
તેમણે જણાવ્યું હતું કે કેટલાક ઉદાહરણ તો એવા છે કે કંપનીએ એચ-૧બી વર્કરની જોબ પૂરી કરી તેના પછી સરકારી વિભાગને તેના અંગે જાણ કરવાની તસ્દી પણ લીધી ન હતી.

