ભારતને ધમકી આપતું અમેરિકા ચીનથી ડરી ગયું? ટેરિફ પર સમય સીમા 90 દિવસ લંબાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Tariffs on China: અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ 2018થી ચાલી રહ્યા છે. આ વિવાદ બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન, ટૅક્નોલૉજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક નીતિઓમાં મૂળ ધરાવે છે. એપ્રિલમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની વસ્તુઓ પર 145 ટકા ટેરિફ વધાર્યો, જેનો જવાબ ચીને અમેરિકાની આયાત પર 125% ટેરિફ લગાવ્યો હતો. આનાથી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બંને દેશોનું અર્થતંત્ર દબાણ હેઠળ આવી ગયું હતું. જૂનમાં જીનીવામાં વાટાઘાટો અને લંડનમાં બેઠકો પછી બંને પક્ષો ટેરિફને અસ્થાયી રૂપે ઘટાડવા સંમત થયા. જો કે, આ રાહત અલ્પજીવી સાબિત થઈ, કારણ કે ઑગસ્ટમાં ફરીથી ઊંચા ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવી રહી હતી.
વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વાતચીત ચાલુ છે
અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નો ટાળ્યાના થોડા કલાકો પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રમ્પને પૂછ્યું હતું કે 'શું તેઓ 12 ઑગસ્ટની સમયમર્યાદા લંબાવશે?' જવાબમાં ટ્રમ્પે કહ્યું, 'અમે જોઈશું કે શું થાય છે.' આ સૂચવે છે કે વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વાતચીત હજુ પણ ચાલુ છે અને બંને પક્ષો કાયમી ઉકેલ શોધી રહ્યા છે.
આ પણ વાંચો: સોના પર ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ભાવ પર પડશે સીધી અસર
વર્તમાન ટેરિફ અને આર્થિક અસર
હાલમાં ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર 30 ટકા ટેરિફ લાદવામાં આવે છે, જેમાં 10 ટકા બેઝ રેટ અને વધારાના 20 ટકા ફેન્ટાનાઇલ-સંબંધિત ટેરિફનો સમાવેશ થાય છે. આ ટેરિફ ફેબ્રુઆરી અને માર્ચમાં અમેરિકા દ્વારા લાદવામાં આવ્યા હતા. બીજી તરફ, ચીને અમેરિકા આયાત પરનો દર ઘટાડીને 10 ટકા કર્યો છે. નિષ્ણાતો માને છે કે ટેરિફ વિસ્તરણ ફક્ત બંને દેશોના GDP પર અસર કરશે નહીં, પરંતુ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા પણ વધારશે. રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવશે, જ્યારે આયાત-નિકાસ પર નિર્ભર કંપનીઓના ખર્ચમાં વધારો થઈ શકે છે.
ટ્રેડ વોર 2.0ની શરુઆત થઈ શકે છે!
જો આગામી 90 દિવસમાં કોઈ નક્કર ડીલ ન થાય, તો ટેરિફ દર ફરીથી વધી શકે છે, જેના કારણે વૈશ્વિક વેપારમાં મોટો ઘટાડો થઈ શકે છે. અમેરિકાના મુખ્ય વેપારી ભાગીદારો અને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઈઝેશન (WTO) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ વિવાદનો અંત લાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે આ સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય એક વ્યૂહાત્મક વિરામ છે, જે બંને દેશોને વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવાની તક આપશે, પરંતુ જો કોઈ કરાર ન થાય તો તે "ટ્રેડ વોર 2.0"ની શરુઆત થઈ શકે છે.









