એપ્રિલ-જૂનમાં અમેરિકન અર્થતંત્રમાં વિક્રમજનક ૩૩ ટકાનો ઘટાડો
ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં કોરોના લોકડાઉનથી બિઝનેસ ઠપ
આ અગઉ ૧૯૫૮ના એક કવાર્ટરમાં ં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૩૦
એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં અમેરિકન અર્થતંત્રમાં વિક્રમજનક ૩૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના ઇતિહાસમાં આ કવાર્ટર સૌથી ખરાબ પુરવાર થયું છે. ઉલ્લેખનીય છે કે આ કવાર્ટરમાં કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાતને પગલે મોટા ભાગના બિઝનેસ બંધ રહ્યાં હોવાથી અર્થતંત્રને મોટા પ્રમાણમાં આંચકો લાગ્યો છે.
અમેરિકાના વાણિજય વિભાગ દ્વારા આજે બીજા કવાર્ટરના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. બીજા કવાર્ટરમાં અર્થતંત્રમાં ૩૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જે ૧૯૪૭થી અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે ૧૯૪૭થી જ આર્થિક વિકાસના આંકડાઓનો રેકોર્ડ રાખવાની શરૃઆત કરવામાં આવી હતી.
આ અગઉ ૧૯૫૮ના એક કવાર્ટરમાં અમેરિકાના અર્થતંત્રમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરીથી માર્ચ સુધીના કવાર્ટરમાં અર્થતંત્રમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો.
એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ખર્ચમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ખર્ચની પર ૭૦ ટકા અસર પડે છે. એપ્રિલથી જૂન સુધીના કવાર્ટરમાં ગ્રાહકોના ખર્ચમાં ૩૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
છેલ્લા કવાર્ટરમાં બિઝનેસ રોકાણ અને રેસિડેન્સિયલ હાઉસિંગમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યોે છે. આ કવાર્ટરમાં લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. નોકરી ગુમાવનારા ૧૦ લાખથી વધુ લોકોએ સતત ૧૮ સપ્તાહ સુધી બેકારી ભથ્થાની માગ કરી હતી. જો કે બેકાર બનેલા કર્મચારીઓ પૈકી ત્રીજા ભાગના કર્મચારીઓને ફરીથી નોકરી મળી ગઇ છે. કોરોનાનું સંક્રમણ યથાવત હોવા છતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રાજ્ય સરકારોને બિઝનેસ શરૃ કરવા દબાણ કરી રહ્યાં છે.