'અમેરિકા પર વિશ્વાસ ન કરતા, BRICS સાથે જોડાઓ..', અમેરિકન અર્થશાસ્ત્રીની ભારતને સલાહ
US India Trade Tension: યુએસ-ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના અર્થશાસ્ત્રી જેફરી સાસે ભારતને અમેરિકા પરથી નિર્ભરતા ઘટાડવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટનની સાથે સુરક્ષા સમાધાન કારગર સાબિત નહીં થાય. તેથી ભારતને બ્રિક્સ સાથે જોડાવા સલાહ છે. આમ કહેવા પાછળનું કારણ આપતાં જેફરીએ કહ્યું કે, અમેરિકા હવે ભારત પાસેથી એટલી મોટી નિકાસનો સ્વીકાર નહીં કરે, જેટલી તેણે ચીન પાસેથી ખરીદી કરી હતી.
જેફરીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર રશિયન ક્રૂડની આયાત બદલ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના વલણ પર જણાવ્યું કે, ટ્રમ્પ તાર્કિક કે વ્યૂહાત્મક વ્યક્તિ નથી. તે આવેશમાં આવીને કામ કરે છે. તેમણે વિચાર્યુ હતું કે, ભારત તેમની માગ પર તુરંત સહમત થઈ જશે, પરંતુ ભારતે તેમની ધમકીઓ આગળ ઝૂકવાનો ઈનકાર કરી દીધો.
અમેરિકા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં
જેફરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ કોઈ સમજી-વિચારીને હાથ ધરાયેલી રણનીતિ નથી. ટ્રમ્પ જે પણ કરે છે, તે આવેશમાં લીધેલા નિર્ણયો છે. ભારતે તેનાથી સતર્ક રહેવાની જરૂર છે. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે, ભારતે પોતાના મુખ્ય પાર્ટનર તરીકે અમેરિકા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. ભારતે પોતાની સ્વતંત્ર વિદેશ નીતિનું અનુસરણ કરવાની જરૂર છે. અમેરિકાના નિવેદનો અને કાર્યવાહી મુદ્દે સાવચેત રહેવુ જોઈએ.
આ પણ વાંચોઃ ગણતરીના કલાકોમાં ક્લિયર થશે ચેક, જાણો RBI એ રજૂ કરેલી નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે?
ચીનનું સ્થાન નહીં લઈ શકે ભારત
અમુક લોકોનું માનવુ હતું કે, ભારત અમેરિકાનો એક ગાઢ આર્થિક ભાગીદાર બનશે. જે ચીનના વેપારનું સ્થાન લેશે. પરંતુ તે અજ્ઞાનતા છે. અમેરિકા ભારત પાસેથી એટલા મોટાપાયે આયાતને મંજૂરી નહીં આપે. ભારત પર ટેરિફ રશિયન ક્રૂડ ખરીદવા બદલ લાદવામાં આવ્યું છે, જ્યારે ચીન તો રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ખરીદે છે. તેમ છતાં તેના પર ટેરિફમાં વધારો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે શરૂઆતમાં ચીન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેનો ચીને આકરો જવાબ આપ્યો હતો. રેર અર્થની નિકાસ અટકાવી દીધી હતી. જવાબી ટેરિફ પણ લાદ્યો હતો. જેથી અમેરિકા પાછી પાની કરવા મજબૂર બન્યું હતું.
અમેરિકા પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે
અર્થશાસ્ત્રીના મતે અમેરિકા ઈચ્છે છે કે, ભારત અમેરિકાને આધિન રહે, રશિયા અમેરિકાને આધિન રહે. ચીન પણ અમેરિકાને આધિન રહે. તે તમામ દેશો પર પોતાનું વર્ચસ્વ જમાવવા માગે છે. બ્રિક્સનું નામો-નિશાન હટાવવા માગે છે. બ્રિક્સમાં રશિયા, ભારત, ચીન, યુએસએ જેવા મહાસત્તા સામેલ છે.
ભારતને આપી આ સલાહ
સાસે ભારતને આગ્રહ કર્યો હતો કે, તે એક સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખે અને અમેરિકા પર નિર્ભર રહેવાના બદલે અન્ય દેશો સાથે સંબંધમાં વધારો કરે. વધુમાં ભારતે અમેરિકાની ગતિવિધિઓ પર નજર રાખતાં સાવચેતી જાળવવી જોઈએ. ભારતે પાયાના સિદ્ધાંત પર બ્રિક્સ સાથે જોડાવુ જોઈએ અને અમેરિકાના દબાણમાં આવવુ જોઈએ નહીં.