World

ઓઇલ સંકટ વચ્ચે અમેરિકાની જાહેરાતથી ભારતને મોટો ફાયદો! ગાઢ મિત્ર રાષ્ટ્ર પાસેથી ખરીદી શકાશે ક્રૂડ

By GS Team
19 May 20263 mins read
TukuTouch Logo
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓઇલ સંકટ વચ્ચે અમેરિકાની જાહેરાતથી ભારતને મોટો ફાયદો! ગાઢ મિત્ર રાષ્ટ્ર પાસેથી ખરીદી શકાશે ક્રૂડ

US Eases Russian Oil Sanctions: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.

અમેરિકાએ કઈ શરતો સાથે આપી છૂટ?

અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજો પર લોડ થઈ ચૂક્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે ઊભા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે. નોંધનીય છે કે હાલના યુદ્ધ બાદ આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજોને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.

ભારતને આ નિર્ણયથી કેવી રીતે થશે ફાયદો?

ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઓઇલની સપ્લાય માટેના સૌથી મહત્ત્વના ગણાતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ પરથી જહાજોની અવરજવર બંધ હોવાના કારણે ઓઇલ અને LPG જેવા ઇંધણનો પુરવઠો બરાબર પ્રભાવિત થયો છે. આના કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ઇંધણની તંગી અને મોંઘવારી આસમાન આંબી રહી છે. આવા કપરા સમયમાં અમેરિકા તરફથી મળેલી 30 દિવસની મહોલત ભારતીય રિફાઇનરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ કોઈપણ અમેરિકન પ્રતિબંધના ડર વગર સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોમાંથી ઓઇલની આયાત કરી શકશે. 

આ પણ વાંચો: આજે ઈરાન પર મોટો હુમલો કરવાનું હતું અમેરિકા! 'ગુપ્ત પત્ર' મળતા જ ટ્રમ્પે છેલ્લી ઘડીએ પ્લાન બદલ્યો

આનાથી દેશમાં ઓઇલની સપ્લાય ચેઇન સુધરશે અને વૈશ્વિક ઊર્જા ખર્ચમાં થઈ રહેલા વધારા સામે સ્થાનિક રિફાઇનરીઓને મોટી મદદ મળશે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ ભારત, પહેલાથી જ સસ્તા ભાવનો લાભ લેવા રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યો છે અને માર્ચ 2026માં ભારતે રશિયા પાસેથી રૅકોર્ડ 22.5 લાખ બેરલ પ્રતિ દિન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું.

અમેરિકન પ્રતિબંધો વચ્ચે ભારતનું વલણ સ્પષ્ટ

આ તમામ સ્થિતિ વચ્ચે ભારતે સોમવારે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જણાવ્યું છે કે અમેરિકા તરફથી પ્રતિબંધોમાં છૂટ મળે કે ન મળે, તે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ ખરીદવાનું ચાલુ જ રાખશે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રશિયા પર અમેરિકન છૂટના સંબંધમાં તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે ભારત છૂટ પહેલા પણ, છૂટ દરમિયાન પણ અને હવે પછી પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. તેમણે ઉમેર્યું કે ભારત દ્વારા ક્રૂડ ઓઇલ ખરીદવાનો નિર્ણય મુખ્યત્વે વ્યાવસાયિક દૃષ્ટિકોણ અને પુરવઠાની ઉપલબ્ધતા પર આધારિત હોય છે. હાલમાં દેશમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી અને વિવિધ કરારો હેઠળ પૂરતો સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.