ન્યૂયોર્ક,૯ ઓકટોબર,૨૦૨૫,ગુરુવાર
અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના દેશમાં એક રાજનીતિજ્ઞને ચીની મહિલા સાથે પ્રેમસંબંધ રાખવા બદલ હાંકી કાઢયા છે. બરખાસ્ત કરવામાં આવેલા યુએસ રાજકારણી પર ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની મહિલા સાથે યૌન સંબંધ બાંધવાનો આરોપ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષ બાયડેન પ્રશાસન દ્વારા અમેરિકી કર્મચારીઓને ચીની નાગરિકો સાથે વ્યકિતગત સંબંધો બાંધવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધ મુકાયા પછી કોઇ પણ અમેરિકી ડિપ્લોમેટ પર કાર્યવાહી થવાની પ્રથમ ઘટના છે. જો બાયડેનના પ્રેસિડેન્ટ તરીકેના કાર્યકાળના અંતિમ દિવસોમાં આ પ્રતિબંધ લાગુ પાડવામાં આવ્યો હતો.વિદેશ મંત્રાલયના પ્રવકતા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર સંબંધિત રાજકારણીને બરતરફ કરવામાં આવ્યો છે. વધુમાં કહયું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશમંત્રી માર્કો રુબિયો દ્વારા સમગ્ર બનાવની સમિક્ષા કરીને નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકી રાજનીતિજ્ઞો ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની મહિલા સાથે રોમાન્ટિક સંબંધો હોવાની વાતને છુપાવી રાખી હતી.
પિગોટે કહયું હતું કે વિદેશમંત્રી રુબિયોના નેતૃત્વમાં આ પ્રકારના માણસોને સાંખી લેવામાં આવશે નહી આ અંગે હજુ પણ કડક નીતિ અપનાવવામાં આવશે. બરખાસ્ત કરવામાં આવેલા અમેરિકીનું નામ બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ દક્ષિણપંથી કાર્યકર્તા જેમ્સ ઓ કીફ દ્વારા ઓનલાઇન શેર કરવામાં આવેલા વીડિયોમાં રાજનીતિજ્ઞા અને ચીની મહિલા મિત્ર દેખાતા હતા. આ અંગે બેઇજિંગમાં ચીન સરકારના પ્રવકતા ગુઓ જિયાકુને કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કરીને અમેરિકાનો આંતરિક મામલો ગણાવ્યો હતો. જો કે વૈચારિક મતભેદોના કારણે ચીનને બદનામ કરવાના હેતુસરની આવી કાર્યવાહી ના થવી જોઇએ એવી ટકોર પણ કરી હતી. (તસ્વીર પ્રતિકાત્મક)


