Get The App

TRFને આતંકી સંગઠન જાહેર કરવામાં 6 વર્ષ લાગ્યા, પાકિસ્તાનનો ઉલ્લેખ પણ નહીં, અમેરિકાનું બેવડું વલણ

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
TRFને આતંકી સંગઠન જાહેર કરવામાં 6 વર્ષ લાગ્યા, પાકિસ્તાનનો ઉલ્લેખ પણ નહીં, અમેરિકાનું બેવડું વલણ 1 - image
Representative image

US Sanctions TRF: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરનાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો હોવા છતાં, ભારત અમેરિકાને TRFને આતંકવાદી સંગઠન જાહેર કરાવવામાં સફળ રહ્યું છે. નોંધનીય છે કે, ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કરવામાં અમેરિકાને 6 વર્ષ કેમ લાગ્યા તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ નિવેદનમાં પાકિસ્તાનનું નામ કેમ નથી લીધું તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમેરિકાએ ટીઆરએફને આતંકી સંગઠન કેમ જાહેર કર્યું?

ટીઆરએફ એ લશ્કર-એ-તૈયબાનો એક મોરચો છે જેણે ભારત પર ઘણાં હુમલા કર્યા છે. ભારતે તેને પહેલાથી જ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે પરંતુ પાકિસ્તાન સતત તેનું રક્ષણ કરી રહ્યું છે. હવે અમેરિકાએ ટીઆરએફને ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન (FTO) અને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) તરીકે પણ જાહેર કર્યું છે.

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, 'ટીઆરએફએ 22મી એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. વર્ષ 2008ના મુંબઈ હુમલા પછી આ ભારત પરનો સૌથી મોટો આતંકી હુમલો હતો. ટીઆરએફએ ભારતીય સુરક્ષા દળો પરના ઘણાં હુમલાઓની જવાબદારી પણ લીધી છે.' નોંધનીય છે કે, અમેરિકાનું આ નિર્ણય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વચનને પૂર્ણ કરે છે જેમાં તેમણે પીડિતોને ન્યાય આપવા કહ્યું હતું.

પહલગામ હુમલા બાદ ટીઆરએફની ઓળખ સામે આવી

22મી એપ્રિલના રોજ ટીઆરએફના આતંકીઓએ પહલગામ પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર, પાકિસ્તાની આતંકી અને પાકિસ્તાનના વિશેષ દળોના લોકો પણ આ હુમલામાં સામેલ હતા. આ હુમલા પછી ટીઆરએફએ જવાબદારી લીધી અને કહ્યું કે, 'ભારત સરકાર કાશ્મીરમાં મુસ્લિમોને લઘુમતી બનાવી રહી છે.' પરંતુ 26મી એપ્રિલના રોજ ટીઆરએફએ આ નિવેદન પાછું ખેંચી લીધું હતું.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના આ રાજ્યમાં ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા

વિદેશ મંત્રી એસ. જયશંકરની પ્રતિક્રિયા

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અમેરિકાના વિદેશ મંત્રીનો આભાર માન્યો અને લખ્યું, 'ભારત અને અમેરિકા વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ મજબૂત થયો છે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ.'



ટીઆરએફની શરૂઆત ક્યારે થઈ?

અહેવાલો અનુસાર, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી વર્ષ 2019માં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ટીઆરએફની સ્થાપના કરવામાં આવી હતી. તેનો હેતુ એ બતાવવાનો હતો કે આ સંગઠન કાશ્મીરમાં ભારતીય નિર્ણયો વિરુદ્ધ રચાયું હતું. તેની શરૂઆત મુહમ્મદ અબ્બાસ શેખ દ્વારા કરવામાં આવી હતી, જે હવે માર્યા ગયા છે. હવે તેના નેતા શેખ સજ્જાદ ગુલ છે અને ઓપરેશનલ ચીફ અહેમદ ખાલિદ છે. ભારતે 2023 માં UAPA હેઠળ તેને આતંકી સંગઠન જાહેર કર્યું.

ટીઆરએફ દ્વારા કરાયેલા મોટા હુમલા

•22મી એપ્રિલ 2025: પહલગામ હુમલો, 26 લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત.

•નવીમી જૂન 2024: રિયાસીમાં શિવખોડી જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર હુમલો, નવ લોકોના મોત, 33ઈજાગ્રસ્ત.

•20મી ઓક્ટોબર 2024: ગાંદરબલમાં સ્થળાંતરિત મજૂરો પર હુમલો, સાતના લોકોના મોત.

•13મી સપ્ટેમ્બર 2023: અનંતનાગમાં સેના અને પોલીસ પર હુમલો, કર્નલ, મેજર અને DSP શહીદ થયા.

•આઠમી જુલાઈ 2020: બાંદીપોરામાં ભાજપ નેતાના ઘર પર હુમલો, 3 લોકોના મોત.

Tags :