સૌથી મોટું અર્થતંત્ર અમેરિકા પર 37 ટ્રિલિયન ડૉલરનું દેવું, દર 5 મહિને કેટલું ભારણ વધે છે?
Donald Trump and USA Economy News : અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને અહીંના પ્રમુખ ટ્રમ્પ વિશ્વના તમામ દેશો પર મનસ્વી ટેરિફ નાખી રહ્યાં છે ત્યારે અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે.
અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં અમેરિકાના દેવા અંગે રજૂ કરવામાં આવેલા આંકડા અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું હોવાનું દર્શાવી રહ્યાં છે.
આ રિપોર્ટ અનુસાર અમેરિકન સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડોલરને પાર થઇ ગયું છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના દેવામાં દર પાંચ મહિને એક ટ્રિલિયન ડોલરનો વધારો થઇ રહ્યો છે.
રિપોર્ટ અનુસાર જાન્યુઆરી, 2024માં અમેરિકાનું દેવું 34 ટ્રિલિયન ડોલર હતું. જે જુલાઇ, 2024 માં વધીને 35 ટ્રિલિયન ડોલર, નવેમ્બર, 2024માં વધીને 36 ટ્રિલિયન ડોલર થઇ ગયું હતું. હવે તે 37 ટ્રિલિયન ડોલરને પાર થઇ ગયું છે.
રિપોર્ટ અનુસાર અમેરિકા પર દેવાંનો 37 ટ્રિલિયન ડોલરનો આ આંકડો રેકોર્ડ સ્તરે છે. જે અગાઉ મૂકવામાં આવેલા અંદાજથી ઘણું વધારે છે. જે ઝડપથી અમેરિકાનું દેવું વધી રહ્યું છે તેનાથી જૂના તમામ અંદાજ ખોટા પડયા છે.
વાસ્તવમાં રાષ્ટ્રીય દેવું કોરોના મહામારીથી પહેલા દર્શાવવામાં આવેલા અંદાજોની સરખામણીમાં ઘણા વર્ષો પહેલા જ 37 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે.
ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ કાર્યાલયના જાન્યુઆરી, 2020ના અંદાજમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાનું દેવું નાણાકીય વર્ષ 2030 પછી 37 ટ્રિલિયન ડોલરને પાર થઇ જશે. અમેરિકાના દેવા અંગે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકન દેવામાં 2020માં શરૂ થયેલી કોવિડ-19 મહામારીને કારણે જોરદાર તેજી જોવા મળી છે. કોરોનામાં અમેરિકાના અર્થતંત્રને સ્થિર રાખવા અને તેમાં સુધાર કરવાના ઉદ્દેશથી ટ્રમ્પ અને ત્યારબાદ બાઇડેન સરકારે મોટી રકમ ઉધાર લીધી હતી.
ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતમાં જ ટેક્સમાં ઘટાડોે અને ખર્ચ વિધેયક પર સહી કરી વધારે સરકારી ખર્ચને મંજૂરી આપી હતી. આ અંગે કોંગ્રેસના બજેટ કાર્યાલયનો અંદાજ છે કે આ કાયદાથી આગામી દાયકામાં અમેરિકાના રાષ્ટ્રીય દેવામાં ૪.૧ ટ્રિલિયન ડોલર વધારો થઇ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકાના દેવામાં સતત વધારાથી પોલિટી રેટ પર દબાણ વધે છે. જેના કારણે લોન મોંઘી થાય છે અને તેનાથી ખાનગી રોકાણ ઘટી જાય છે. નિષ્ણાતોના મતે અમેરિકન દેવાની ઝડપ હાલમાં છેલ્લા ૨૫ વર્ષોના સરેરાશ દરથી બેગણાથી પણ વધારે જોવા મળી રહી છે.