America Russia Clash: અમેરિકાએ બુધવારે 7 જાન્યુઆરીના રોજ રશિયન ઓઈલ ટેન્કર 'મરીનેરા'ને ઝડપ્યું છે, અમેરિકાનો દાવો છે કે આ ટેન્કર વેનેઝુએલાનું છે જ્યારે રશિયા કહી રહ્યું છે કે તે સત્તાવાર રીતે મરીનેરા નામે રશિયાના તાબા હેઠળ નોંધાયેલું છે. બંને દેશ વચ્ચે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે તેવામાં અમેરિકાએ ઝડપેલા જહાજમાં ત્રણ ભારતીય નાગરિક પણ હોવાનો દાવો થઈ રહ્યો છે.
28 ક્રૂમાં 3 ભારતીય અને 2 રશિયન નાગરિકો
એક રિપોર્ટ અનુસાર, મરીનેરા જહાજ પર 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં તેમાં 17 યુક્રેનિયન, 6 જ્યોર્જિયન, 3 ભારતીય અને 2 રશિયન નાગરિકો હતા. એમરીકાનો આરોપ છે કે આ જહાજ વેનેઝુએલાથી તેલ લઈને જઈ રહ્યું હતું તેમજ એમરીકાએ લગાવેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય ક્રૂ સભ્યોની સલામતી અંગે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. યુએસ અધિકારીઓ હાલમાં જહાજની માલિકીની તપાસ કરી રહ્યા છે, જે દરિયાઈ અને પ્રતિબંધોના કાયદાઓ સાથે જોડાયેલા છે.
પરમાણુ હથિયારોનો ઉપયોગ કરો: રશિયાના સાંસદ
બીજી તરફ રશિયન જહાજ પર USએ કરેલી કાર્યવાહી બાદ, રશિયાના સાંસદ એલેક્સી ઝુઝુરાવલેવે ક્હ્યું કે રાષ્ટ્ર પ્રમુખ પુતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી હુમલો કરવો જોઈએ, અમેરિકાના કોસ્ટ ગાર્ડના જહાજો ડૂબાડી દેવા જોઈએ. તેમણે ચેતવણી આપતા કહ્યું કે રશિયન લશ્કરી નીતિ આવી પરિસ્થિતિમાં પરમાણુ હથિયારોના ઉપયોગને મંજૂરી આપે છે.
‘જહાજના સભ્યોએ કોસ્ટ ગાર્ડનો આદેશ ન માન્યો’
અમેરિકન એટોર્ની જનરલએ એમ પણ કહ્યું કે, ‘જહાજના સભ્યોએ કોસ્ટ ગાર્ડનો આદેશ માન્યો ન હતો. જહાજની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને તમામ દોષિતો વિરુદ્ધ ગુનાહિત કેસ નોંધવામાં આવશે. કોસ્ટ ગાર્ડની ટીમ અન્ય જહાજો પર પણ નજર રાખી રહી છે. કોઈપણ જહાજ કે કોઈપણ વ્યક્તિ કોસ્ટ ગાર્ડ, અન્ય સંઘીય અધિકારીઓના આદેશનું પાલન નહીં કરે તો તેમની તપાસ કરવામાં આવશે અને કાયદા મુજબ તેઓ પર કેસ દાખલ કરવામાં આવશે.’
'21 દેશોમાં યાત્રા ન કરો..': US
મહત્વનું છે કે મધદરિયે અમેરિકાએ રશિયાના ઓઈલ ટેન્કર પર કબજો કરતાં હતા બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે. તેવામાં અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકન નાગરિકોને 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. જેમાં રશિયા, યુક્રેન, લિબિયા અને ઈરાન, ઈરાક યુક્રેન, વેનેઝુએલા, યમન જેવા 21 દેશોનો સમાવેશ થયા છે. જો કે તેમાં ભારત-પાકિસ્તાન-ચીનનું નામ નથી. રશિયન નેતાની પરમાણુ ધમકી બાદ ટ્રમ્પ સરકારે 21 દેશોની યાત્રા ટાળી દેવાનો નિર્ણય લીધો છે. રશિયાએ અમેરિકાની કાર્યવાહીને સમૃદ્રમાં લૂંટ ગણાવી હતી. જ્યારે રશિયાના સંરક્ષણ રાજ્ય સમિતિના ઉપાધ્યક્ષ એલેક્સી ઝુરાવલેવે અમેરિકાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી.
રશિયાના પરિવહન મંત્રાલયે કરી પુષ્ટિ
રશિયાના પરિવહન મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, યુએસ ફોર્સે બુધવારે સવારે 7 વાગ્યે જહાજને કબજે કર્યું હતું અને પછી તેનો સંપર્ક તૂટી ગયો હતો. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, તેમણે યુએસની વિનંતી પર જપ્તી કાર્યવાહીમાં મદદ કરી હતી.
ટેન્કર જપ્ત કરવાથી રશિયા ગુસ્સે થયું?
રશિયાએ બેલા-1ની જપ્તીની સખત નિંદા કરી છે. જહાજમાં કેટલાક રશિયન નાગરિકો પણ હતા, જેનાથી રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન નારાજ થયા છે. તેમણે નાગરિકોને પરત કરવાની માગ કરી છે. રશિયન પરિવહન મંત્રાલયે દલીલ કરી હતી કે, 1982ના સમુદ્રના કાયદા પરના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન હેઠળ, "કોઈપણ દેશને બીજા દેશના અધિકારક્ષેત્રમાં નોંધાયેલા જહાજો સામે બળનો ઉપયોગ કરવાનો અધિકાર નથી." યુનાઇટેડ સ્ટેટ્સે આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી.


