ટેરિફ વિવાદનો અંત ક્યારે? ભારત-અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ
India US Trade Deal Talks: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ પર ચાલી રહેલી વાતચીતને ફરી ગતિ મળી રહી છે, કારણ કે અમેરિકાના ચીફ ટ્રેડ નેગોશીએટર બ્રેન્ડન લિંચ આજે ભારત આવી રહ્યા છે. તેઓ ભારતીય સમકક્ષ રાજેશ અગ્રવાલ સાથે દિલ્હીમાં ટ્રેડ ડીલ પર ચર્ચા કરશે. ગયા મહિને ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે બંને દેશ કેટલાક મુખ્ય મુદ્દાઓ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો
લિંચના નેતૃત્વમાં એક ટીમ ગયા મહિને ભારત આવવાની હતી, પરંતુ ટ્રમ્પના પ્રતિબંધોને કારણે મુલાકાત મુલતવી રહી. જોકે, હવે ફરી વાતચીત શરૂ થઈ છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું કે વેપારના મુદ્દાઓ પર સકારાત્મક માહોલ છે અને બંને દેશો વચ્ચે સમજૂતી સુધી પહોંચવાનો પ્રયાસ ચાલુ છે. રાજેશ અગ્રવાલે કહ્યું કે આ સત્તાવાર વાતચીતનો રાઉન્ડ નથી. પરંતુ, વેપાર વાટાઘાટો પર ચર્ચા થશે. ભારત અને અમેરિકા વચ્ચે એક સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.
લિંચની મુલાકાત: ટ્રમ્પના નિવેદન બાદ આશા જીવંત
લિંચની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત અને યુએસ વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા અંગે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ આવનારા અઠવાડિયામાં પીએમ મોદી સાથે વાત કરશે. નોંધનીય છે કે, બંને નેતાઓએ આ વર્ષની શરૂઆતમાં દ્વિપક્ષીય વેપાર સમજૂતી માટે સપ્ટેમ્બર-ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી હતી.
યુએસએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે
વેપાર વાટાઘાટો શરૂઆતમાં સારી ચાલી રહી હતી, પરંતુ ભારતે ડેરી, મકાઈ અને સોયાબીન જેવા કૃષિ ઉત્પાદનો પર આયાત શુલ્ક ઘટાડવા અને જીનેટિકલી મોડિફાઇડ ખાદ્ય પદાર્થોની મંજૂરી આપવા અંગે ચિંતા વ્યક્ત કરી. આ વાટાઘાટો ચાલી રહી હતી ત્યારે ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની તેલ અને સંરક્ષણ ખરીદીનો મુદ્દો ઉઠાવ્યો, જેના પરિણામે ઓગસ્ટમાં 25% અને બાદમાં 50% સુધીનો ટેરિફ લગાવવામાં આવ્યો.
બંને દેશો વચ્ચે વાટાઘાટોનો દોર ચાલુ
છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પ તરફથી સકારાત્મક સંકેતો મળ્યા છે. પરંતુ, તેમના સહયોગીઓ હજુ પણ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી, સરકાર સાવચેત વલણ અપનાવી રહી છે અને પોતાની શરતો પર અડગ છે. સોમવારે પણ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારત પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે નવી દિલ્હી એક ડીલ કરવાનો પ્રયાસ કરી રહી છે. કુલ મળીને, માહોલ થોડો તણાવપૂર્ણ છે, પરંતુ વાતચીતની આશા હજુ પણ જીવંત છે. બંને દેશોના નેતાઓ એક સમજૂતી કરવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર હજુ પણ સહમતિ બનાવવાની બાકી છે.