પ્રમુખને કોંગ્રેસના કાયદાનું ઉલ્લંઘન કરવાની સત્તા નથી
વિઝા ફી વધારાથી કુશળ પ્રતિભાઓ પર નિર્ભર નાના વ્યાવસાયિકોને જ વધુ નુકસાન થવાની દલીલ
ચેમ્બરના દાવામાં કેટલાક ગેર-પ્રવાસી કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ શીર્ષકવાળી જાહેરાતને પડકારવામાં આવી છે. એમાં દાવો કરાયો છે કે આ નવી નીતિ, વિઝા નિયમોને એકતરફી રીતે પરિભાષિત કરી રહી છે અને દેશના ઈમિગ્રેશન તેમજ રાષ્ટ્રીયતાના કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે જેના પર માત્ર કોંગ્રેસનું જ નિયંત્રણ છે.
ચેમ્બરના દાવામાં ક્રિસ્ટી એલ.નોએમ અને માર્કો રુબિયોના નેતૃત્વવાળા ગૃહ સુરક્ષા અને વિદેશ વિભાગને પ્રતિવાદી બનાવાયા છે. ચેમ્બરના જણાવ્યા મુજબ નવો નિયમ એચ-૧બી વિઝા કાર્યક્રમના મૂળ હેતુને જ નબળો બનાવી દેશે, જેને કોંગ્રેસે અમેરિકી વ્યાવસાયિકોના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી કામદારો નિયુક્ત કરવામાં સહાયરૂપ થવા બનાવ્યો હતો.
અમેરિકી ચેમ્બરના કાર્યકારી ઉપાધ્યક્ષ અને મુખ્ય નીતિ અધિકારી નીલ બ્રેડલીએ જણાવ્યું કે હાલના સરેરાશ ૩,૬૦૦ અમેરિકી ડોલરથી અનેક ગણા વધુ આ શુલ્કથી નાના વ્યાવસાયિકો માટે એચ-૧બી કાર્યક્રમ પહોંચની બહાર બની જશે. તેમણે જણાવ્યું કે સ્ટાર્ટઅપ અને નાના ઉદ્યોગો, જે વિશેષ પ્રતિભાઓ પર નિર્ભર રહેતા હોય છે, તેઓ સૌથી વધુ પ્રભાવિત થશે. ચેમ્બરની ફરિયાદમાં વધુ જણાવાયું છે કે બિન-નાગરિકોના પ્રવેશ પર પ્રમુખનો અધિકાર સીમિત છે અને તેઓ કોંગ્રેસના બનાવેલા સ્થાપિત કાયદાનું ઉલ્લંઘન નથી કરી શકતા. ચેમ્બરે વધુમાં જણાવ્યું કે વિઝા ફીની નવી નીતિ કોંગ્રેસના એચ-૧બી કાર્યક્રમને ૮૫ હજાર વાર્ષિક સ્લોટ સુધી સીમિત રાખવાના નિર્ણયનું પણ ઉલ્લંઘન કરે છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર કુશલ કામદારોના નિરંતર પ્રવાહને સુનિશ્ચિત કરી શકાતો હતો.
દાવામાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે આ નીતિ અન્ય દેશો, ખાસ કરીને ચીનને વ્યૂહાત્મક લાભ આપી શકે છે, જેણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાાન અને પ્રૌદ્યોગિકી પ્રતિભા આકર્ષિત કરવા પોતાનો નવો કે-૧ વિઝા રજૂ કર્યો છે. ચેમ્બરે નિષ્કર્ષ કર્યો છે કે આ વિઝા ફી વધારાની નીતિ અમેરિકી વ્યાવસાયિકોને નુકસાન પહોંચાડવા ઉપરાંત વૈશ્વિક પ્રતિભાઓ અને ઈનોવેશનને પણ અમેરિકાથી દૂર કરશે.


