કારકાસ,૨૧ ઓગસ્ટ,૨૦૨૫,ગુરુવાર
લેટિન દેશ વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા વર્ષોથી ચડાવ ઉતાર ભરેલા રહયા છે. ટ્રમ્પ શાસનમાં સંબંધો ખૂબ વણસી જતા અમેરિકાએ પોતાના યુધ્ધ જહાજો અને સબમરીન વેનેઝુએલાના કાંઠા નજીક ગોઠવવાની ફરજ પડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માડૂરો વિરુધ અભિયાન શરુ કર્યુ છે તેના ભાગરુપે તણાવ વધી રહયો છે. અમેરિકાનો આક્ષેપ છે કે વેનઝુએલામાંથી નશીલા પદાર્થો મોકલવામાં આવે છે આથી માડુરો માટે નારાજગી વધતી જાય છે. અમેરિકાએ નિકોલસ માડૂરોને નાર્કો ટેરરિસ્ટ ગણાવ્યા છે.
માડૂરો આજકાલ નહી વર્ષ ૨૦૨૦થી માદક પદાર્થોની તસ્કરીના આરોપમાં ભાગેડુ જાહેર કરાયેલા છે. અમેરિકાએ માડૂરોની ધરપકડ માટે ૧.૫ કરોડ ડોલરનું ઇનામ રાખ્યું હતું. આ ઇનામની રકમ વધારીને ૨.૫ કરોડ ડોલર અને ગત મહિને વધારીને ૫ કરોડ ડોલર કરવામાં આવી છે. ૨૦૨૦માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ બિરાજમાન હતા ત્યારે ન્યૂયોર્કની એક સંઘીય અદાલતમાં માડૂરો પર મહાભિયોગ ચલાવ્યું હતું. માડૂરો અને તેમના નજીકના સહયોગીઓ સહિત ૧૪ અન્ય પર નાર્કો આતંકવાદ અને કોલંબિયાઇ એફએઆરકે (ફાર્ક) વિદ્વોહી સમૂહ સાથે કોકીન આયાત કરીને ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો હતો.

આ પુષ્ઠભૂમિ અંર્તગત ટ્રમ્પનું વેનઝુએલા વિરુધનું નવેસરનું અભિયાન નવા જૂનીના એંધાણ આપે છે. ધ વૉર જોન ના અહેવાલ અનુસાર ટ્રમ્પે છેલ્લા એક સપ્તાહથી યુધ્ધ જહાજો અને શસ્ત્ર સરંજામ વેનેઝુએલા ભણી આગળ વધારવાનો આદેશ આપી દીધો છે. વિનાશક સરંજામ ઉપરાંત એક એમ્ફીબિયસ રેડી ગુ્રપમાં ૪૦૦૦ મરીન સૈનિકો પણ તૈનાત કરવામાં આવી રહયા છે. અમેરિકા અને માડૂરો વચ્ચે તણાવનો ઇતિહાસ જુનો છે જેને ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં આગળ વધાર્યો છે. વાઇટ હાઉસે વેનેઝુએલાને દોષિત ગણાવીને ડ્રગ્સ સામેની લડાઇને પ્રાથમિકતા આપી છે.
વાઇટ હાઉસની પ્રવકતા કેરોલિન લેવિટે નશીલા પદાર્થો માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે તમામ પગલા ભરવામાં આવશે એ સંકલ્પને ફરી દોહરાવ્યો છે. લેવિટે તો માદૂરો શાસનને વેનેઝુએલાની ગેરકાયદેસર સરકાર ગણાવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે માડુરોને ટ્રમ્પ સરકાર ગેર કાયદેસર રાષ્ટ્રપતિ માને છે પરંતુ અમેરિકા તેમના વિરુધ કાર્યવાહીની બ્લૂ પ્રિન્ટ શું છે તે સ્પષ્ટ થયું નથી. અમેરિકી અધિકારીઓએ અમેરિકાના સમાચાર માધ્યમને જણાવ્યું હતું કે માદક પદાર્થોની તસ્કરી કરનારા સમૂહોને નશ્યત કરીને ભય ઓછો કરવા નેવી એકશન લેવાઇ શકે છે.


