અમેરિકામાં 12 જોખમી દેશના નાગરિકોની પ્રવેશબંધી
- ટ્રમ્પે અગાઉ 7 મુસ્લિમ દેશો પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે 12 દેશો પર તવાઈ
- પાકિસ્તાન સિવાય ઇરાન, અફઘાનિસ્તાન, મ્યાંમાર, હૈતિ અને લિબિયા સહિતના દેશોને 'નો-એન્ટ્રી'
- વિઝા પૂરા થયા પછી પણ રહેતા હોય તેવા દેશો પર આંશિક પ્રતિબંધ મૂકાયો : વ્હાઈટ હાઉસ
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અફઘાનિસ્તાન સહિત ૧૨ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધા છે. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાઓનું કારણ આપીને નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશોમાં મુસ્લિમ દેશોની સાથે મ્યાંમારનો પણ સમાવેશ થાય છે. જોકે, ટ્રમ્પે દુનિયામાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાનના નાગરિકો પર પ્રતિબંધ નહીં મૂકાત વૈશ્વિક સ્તરે નિષ્ણાતોને આશ્ચર્ય થયું છે. ટ્રમ્પે અન્ય સાત દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધોની પણ જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પહેલા કાર્યકાળમાં પણ સત્તા પર આવતા જ ઈરાન સહિત સાત મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૨ દેશો પર પ્રતિબંધ અંગે જણાવ્યું કે, કોલોરાડોમાં યહુદીઓના વિરોધ પ્રદર્શન પર એક વ્યક્તિએ ફ્લેમથ્રોવર હુમલો કર્યા પછી આ પગલું ઉઠાવાયું છે. અમેરિકન અધિકારીઓએ હુમલાખોર અંગે કહ્યું હતું કે, તે અમેરિકામાં ગેરકાયદેરૂપે રહેતો હતો. અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે તે દેશોમાં ઈરાન, અફઘાનિસ્તાન, મ્યાંમાર, ચાડ, કાંગો ગણરાજ્ય, ઈક્વેટોરિયલ ગિની, ઈરીટ્રિયા, હૈતી, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે કોઈપણ એવા દેશમાંથી મુક્તપણે પ્રવાસની મંજૂરી આપી શકીએ નહીં, જ્યાં અમે સુરક્ષિત અને વિશ્વસનીય રીતે તપાસ અને સ્ક્રિનિંગ નથી કરી શકતા. આ જ કારણે આ જે હું યમન, સોમાલિયા સહિત ૧૨ દેશોના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યો છું. આ સિવાય ટ્રમ્પે સાત દેશો બુરુંડી, ક્યૂબા, લાઓસ, સિએરા લિયોન, ટોગ, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાના પ્રવાસીઓ પર આંશિક પ્રતિબંધ મૂક્યો છે, જેમાં વિઝાની મુદત પૂરી થવા છતાં ત્યાં રોકાઈ જાય છે, ઈમિગ્રેશન એજન્સીને સહયોગ કરતા ના હોય તેવા દેશના નાગરિકોનો સમાવેશ થાય છે.
. ટ્રમ્પે કહ્યું કે, આ દેશોમાંથી આવતા નાગરિકો પર વિશેષ શરતો અને આકરી તપાસ લાગુ કરાશે. જોકે, અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૭માં તેમના પહેલા કાર્યકાળમાં પણ ઈરાન સહિત સાત મુસ્લિમ દેશો પર આ પ્રકારના પ્રવાસ પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં તેને રદ કરી દીધા હતા.
ટ્રમ્પે કહ્યું કે, અમે ફરીથી પ્રવાસ પ્રતિબંધો લાગુ કરશે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના હિતોના રક્ષણ માટે આ પગલું લેવાયું છે. કટ્ટરપંથી ઈસ્લામી આતંકીઓને દેશમાં આવતા રોકવા માટે આ પગલું લેવાયું છે. આ એવું પગલું છે જેને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ગણાવ્યું હતું.
વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ એક્સ પર કહ્યું કે, પ્રમુખટ્રમ્પ પોતાના ચૂંટણી વચનોનો અમલ કરી રહ્યા છે. તેઓ ખતરનાક વિદેશી તત્વોથી અમેરિકનોનું રક્ષણ કરશે. ટ્રમ્પે ફરી એક વખત પોતાના પ્રવાસ પ્રતિબંધોની નીતિનો અમલ કરતા આ વખતે પ્રતિબંધોને વધુ વ્યાપક બનાવી દીધા છે, જેમાં માત્ર ઈમિગ્રન્ટ જ નહીં પરંતુ નોન ઈમિગ્રન્ટ વિઝા જેમ કે, બી-૧ (બિઝનેસ), બી-૨ (પ્રવાસન), એફ (વિદ્યાર્થી), એમ (વોકેશનલ) અને જે (એક્સચેન્જ પ્રોગ્રામ) પર પણ લાગુ થાય છે.
તાલિબાનો સામે લડવામાં મદદ કર્યાની યાદ અપાવી
અફઘાનોની ટ્રમ્પને પ્રવાસ પ્રતિબંધમાંથી મુક્તિની માગ
ઈસ્લામાબાદ : અફગાનિસ્તાનમાં તાલિબાનો સામે યુદ્ધ લડવામાં અમેરિકાને મદદ કરનારા અફઘાનોએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રવાસ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા માગ કરી છે. અફઘાનોએ દાવો કર્યો કે તેમને મુક્તિ નહીં અપાય તો તેના પર અફઘાનિસ્તાનમાં હકાલપટ્ટીનું જોખમ તોળાશે, જ્યાં તાલિબાનો તેમને દેહાંતદંડની સજા આપી શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન સહિત ૧૨ દેશો પર પ્રવાસ પ્રતિબંધ મૂક્યાના કલાકોમાં જ અફઘાનોએ ટ્રમ્પને વિનંતી કરી છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરતા ત્યાં તાલિબાનોનું શાસન આવી ગયું હતું. આ સમયે તાલિબાનો વિરુદ્ધ અમેરિકન સરકાર સાથે કામ કરતા હજારો અફઘાન નાગરિકો પાકિસ્તાન અને કતાર સહિતના દેશોમાં ભાગી છૂટયા હતા. અમેરિકન સરકારે તેમના પુનર્વસનનો કાર્યક્રમ હાથ ધર્યો હતો, પરંતુ ટ્રમ્પે જાન્યુઆરીમાં સત્તા પર આવતા જ આ કાર્યક્રમ બંધ કરી દીધો હતો.