તાઈવાન વિવાદ પર અમેરિકાનું જાપાનને ખુલ્લુ સમર્થન, ચીન સામે સૈન્ય સુરક્ષાનો પણ વાયદો

China Japan Taiwan dispute : તાઈવાન મુદ્દે ચીન અને જાપાન વચ્ચે વિવાદ થયો છે. એવામાં હવે અમેરિકા પણ વચ્ચે કૂદ્યું છે અને સમગ્ર મામલે ખૂલીને જાપાનનું સમર્થન કર્યું છે. જાપાનના નવા વડાપ્રધાન સનાએ તાકાઈચીએ તાઇવાનને લઈને નિવેદન આપ્યું હતું જે બાદ ચીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.
કેમ શરૂ થયો વિવાદ અને અમેરિકા કેમ વચ્ચે પડ્યું?
જાપાનના વડાપ્રધાન તાકાઈચીએ 7 નવેમ્બરે સંસદમાં કહ્યું હતું કે જો ચીન તાઈવાન પર હુમલો કરે છે તો તે સ્થિતિ જાપાન માટે ખતરાની સ્થિતિ બનશે. અને એવામાં જાપાન આત્મરક્ષા માટે પ્રતિક્રિયા આપી શકે છે. આ નિવેદન બાદ ચીને ભારે વિરોધ નોંધાવ્યો અને જાપાન પર ક્ષેત્રીય અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો. એવામાં હવે જાપાનના વિદેશ મંત્રી સાથેની બેઠકમાં અમેરિકાના રાજદૂતે કહ્યું હતું કે ચીનની પ્રતિક્રિયા ઉશ્કેરણીજનક છે. ચીને તેના નાગરિકોને જાપાન ન જવાની સલાહ આપી છે તથા કેટલાક પ્રતિબંધ પણ લગાવ્યા છે.
આટલું જ નહીં અમેરિકાના રાજદૂતે વધુમાં કહ્યું કે જાપાન અને અમેરિકાની સૈન્ય ભાગીદારી અડીખમ રહેશે. અમે સેનકાકૂ દ્વીપની સુરક્ષાને પ્રાથમિકતા આપીશું. નોંધનીય છે કે આ ટાપુ હાલ જાપાનના નિયંત્રણમાં છે પરંતુ ચીન તેના પર અવાર નવાર દાવો કરતું રહ્યું છે.
ચીનનો શું જવાબ છે?
બીજી તરફ ચીને સ્પષ્ટ કર્યું છે કે તે તાઈવાનને પોતાનો અભિન્ન અંગ માને છે અને તેના એકીકરણ માટે કરતું રહેશે. ચીનનો એમ પણ આરોપ છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ જાપાન પર હથિયારમુક્ત રહેવાની શરત હતી પરંતુ જાપાન સતત પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે.

