અમેરિકાને કૃષિ-ડેરી સેક્ટરમાં મંજૂરી ભારત માટે ખોટનો વેપાર
- મિની ટ્રેડ ડીલ માટે વાટાઘાટો વચ્ચે એસબીઆઈનો ચોંકાવનારો રિપોર્ટ
- અમેરિકામાં ડેરી સેક્ટરને જંગી સબસિડી મળવાથી ૨.૫ કરોડ ટન દૂધની આયાત થાય તો ભારતને વર્ષે રૂ. એક લાખ કરોડના નુકસાનનો અંદાજ
- ભારત-અમેરિકાની મિની ટ્રેડ ડીલ માટે પાંચમા તબક્કાની વાટાઘાટો પૂરી, ભારતીય ટીમ પાછી ફરશે
વોશિંગ્ટન/નવી દિલ્હી : ભારત અને અમેરિકાની ટીમોએ વોશિંગ્ટનમાં સૂચિત દ્વિપક્ષીય વેપાર સમજૂતી (બીટીએ) માટે પાંચમા તબક્કાની વાટાઘાટો પૂરી કરી લીધી છે. આ વાટાઘાટો વોશિંગ્ટનમાં ચાર દિવસ ચાલી હતી. બંને દેશની આ વાટાઘાટો વચ્ચે ભારતમાં સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈએ તેના રિપોર્ટમાં ડેરી સેક્ટર અંગે ચેતવણી આપતા ભારે હોબાળો મચાવ્યો છે. આ રિપોર્ટ મુજબ ભારત અમેરિકા માટે તેનું ડેરી સેક્ટર ખુલ્લું મુકશે તો અમેરિકામાંથી થનારી આયાતથી દેશના ૮ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧.૦૩ લાખ કરોડનું નુકસાન થશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશોને ૨૫થી ૫૦ ટકા સુધીના જંગી ટેરિફ અંગેના પત્રો મોકલવાના શરૂ કર્યા તે સમયે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદાની જાહેરાત થવાની અટકળો ચાલતી હતી, પરંતુ ટ્રમ્પે આ અંગે કોઈ જાહેરાત કરી નહોતી. પરિણામે ભારતના મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ રાજેસ અગ્રવાલની ટીમે ફરી એક વખત વોશિંગ્ટનનો પ્રવાસ ખેડયો હતો.
ભારતની ટીમે ૧૪થી ૧૭ જુલાઈ સુધીમાં અમેરિકા સાથે સૂચિત દ્વિપક્ષીય વેપાર કરાર (બીટીએ) માટે પાંચમા તબક્કાની વાટાઘાટો પૂરી કરી લીધી છે. હવે ભારતીય ટીમ વોશિંગ્ટનથી પાછી ફરી રહી છે. બંને દેશ ૧ ઑગસ્ટ પહેલા મિનિ ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપવા પર વિચાર કરી રહ્યા હોવાથી આ બેઠક ખૂબ જ મહત્વની હતી.
ટ્રમ્પે બે એપ્રિલે જાહેર કરેલા રેસિપ્રોકલ ટેરિફના ખૂબ જ ઊંચા દરોને પહેલા ૯૦ દિવસ માટે ૯ જુલાઈ સુધી અને પછી ૧ ઑગસ્ટ સુધી પાછા ઠેલવામાં આવ્યા છે. જોકે, બંને દેશો વચ્ચે વેપાર સોદામાં ભારતના કૃષિ અને ડેરી સેક્ટર હજુ પણ અવરોધરૂપ છે.
બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો માટે વાતચીત ચાલી રહી છે તેવા સમયે જ દેશની એસબીઆઈના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકન ડેરી ઉત્પાદનો માટે ભારતનું ડેરી સેક્ટર ખોલી નાંખવામાં આવશે તો ભારતના ૮ કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક અંદાજે રૂ. ૧.૦૩ લાખ કરોડનું નુકસાન થશે. રિપોર્ટ મુજબ અમેરિકન ડેરી સેક્ટરને જંગી સબસિડી મળે છે. ભારતમાં અમેરિકાથી આયાત શરૂ થશે તો નાના ડેરી ખેડૂતોની આજીવિકા પર ગંભીર વિપરિત અસર થશે. ભારતનો ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થતંત્રનો એકીકૃત ભાગ છે, જે રાષ્ટ્રીય ગ્રોસ વેલ્યુએડેડમાં ૨.૫થી ૩ ટકાનું યોગદાન આપે છે. વેલ્યુની દૃષ્ટિએ તે રૂ. ૭.૫થી ૯ લાખ કરોડ જેટલું થાય છે. જોકે, ભારત અને અમેરિકા વચ્ચે મિનિ વેપાર સોદામાં કૃષિ અને ડેરી સેક્ટર પર હજુ સુધી કોઈ સહમતી નથી બની. આ જ કારણે બંને દેશો વચ્ચે વેપાર સોદાને અંતિમરૂપ આપી શકાયું નથી. એસબીઆઈનું કહેવું છે કે અમેરિકામાં સબસિડીના કારણે ભારતમાં ત્યાંથી દર વર્ષે અંદાજે ૨.૫ કરોડ ટન દૂધની આયાત થશે. અમેરિકામાંથી આયાતના કારણે ભારતમાં દૂધના ભાવમાં ઓછામાં ઓછા ૧૫ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, ભારતે અમેરિકા માટે કૃષિ અને ડેરી સેક્ટર નહીં ખોલવાના નિર્ણય પર અડગ છે. ભારતે કોઈપણ દેશ સાથેના એફટીએમાં કૃષિ અને ડેરી સેક્ટરને ખુલ્લું મુક્યું નથી. દરમિયાન વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે શનિવારે ફરી એક વખત અમેરિકા સાથેના વેપાર સોદા મુદ્દે જણાવ્યું હતું કે, ભારત કોઈપણ આંતરરાષ્ટ્રીય સમજૂતી માટે ત્યારે જ રાજી થશે જ્યારે તે ભારતના હિતોને અનુરૂપ હશે. અમેરિકા સાથે વેપાર સોદા પર વાટાઘાટો ચાલુ છે. આ વેપાર સોદો ભારતના હિતમાં નહીં હોય તો અમારી સરકાર દ્વિપક્ષીય વેપાર સોદો નહીં કરે. ભારત હંમેશા દેશના હિતને સર્વોપરી રાખે છે.
વેપાર વાટાઘાટો વચ્ચે એસબીઆઈના રિપોર્ટમાં આશાવાદ
અમેરિકા સાથે વેપાર સોદો ના થાય તો પણ ભારત પાસે અનેક વિકલ્પ
- ભારતની સર્વિસ એક્સપોર્ટ 2024-25માં વધીને વિક્રમી 387.5 અબજ ડોલર થઈ હતી
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે પાંચમા તબક્કાની વાટાઘાટો પૂરી થઈ ગઈ છે. જુલાઈના અંત સુધીમાં બંને દેશ વચ્ચે વેપાર સોદાની જાહેરાત થઈ શકે છે. આવા સમયે એસબીઆઈના રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમેરિકા સાથે આ વેપાર સોદો ભારતની અપેક્ષા મુજબ ના થાય અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર વધારાનો ૧૦ ટકા ટેરિફ નાંખે તો પણ ભારત પાસે પોતાની નિકાસને ડાયવર્સીફાઈ કરવાના અનેક વિકલ્પ છે.
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સોદા માટે લાંબા સમયથી વાટાઘાટો ચાલે છે. બંને દેશ વચ્ચે પાંચમા તબક્કાની વાટાઘાટો પૂરી થઈ છે અને હવે ભારતીય ટીમ પાછી ફરવાની છે. જોકે, બંને દેશ વચ્ચે વેપાર વાટાઘાટોમાં કૃષિ, ડેરી ઉદ્યોગ, ઓટોમોબાઈલ જેવા મોટા વ્યાપારિક મુદ્દાઓનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી તેમ સૂત્રોનું કહેવું છે. આવા સમયે એસબીઆઈના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સોદો ના થાય તો પણ ભારતની નિકાસ પર કોઈ વિશેષ અસર નહીં થાય. ભારતની સર્વિસ એક્સપોર્ટ દર વર્ષે નવો રેકોર્ડ બનાવી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તે વધીને વિક્રમી ૩૮૭.૫ અબજ ડોલર થઈ ગઈ હતી, જેમાં આઈટી, ફાઈનાન્સિલ અને બિઝનેસ સર્વિસીસ જેવા સેક્ટર મુખ્ય હતા. એવામાં ભારતની કુલ નિકાસ પર કોઈ વિશેષ અસર થવાની શક્યતા નથી.
વધુમાં ભારતે આસિઆન દેશોમાં તેની નિકાસ વધારવાની જરૂર છે. ભારત આ દેશોમાં તેના કૃષિ ઉત્પાદનો, પશુધન અને તેના ઉત્પાદનો, કચરો અને ભંગાર વિશેષરૂપે ધાતુનો ભંગાર અને ચોક્કસ પ્રાણીઓ તથા શાકભાજીના ઉત્પાદનોની નિકાસ કરી શકે છે. આસિઆન-ભારત એફટીએની પણ પુનઃ સમીક્ષા કરવાની જરૂર છે. કેટલાક અન્ય દેશો મારફથ ચીનના માલનું ડમ્પિંગ ટાળવા માટે પણ પુનઃ સમીક્ષા જરૂરી છે. વર્ષ ૨૦૨૪-૨૫માં આસિઆન ભારતનું મહત્વનું ટ્રેડિંગ પાર્ટનર હતું. બંને પક્ષો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૨૩ અબજ ડોલરને પાર થઈ ગયો હતો. જોકે, વર્ષોથી આસિઆન દેશોમાં ભારતની નિકાસ ઘટી છે જ્યારે આયાત સ્થિર રહી છે. ભારતે આસિઆન દેશોમાં નિકાસ વધારવા અને ચીનમાંથી સામાનનું ડમ્પિંગ રોકવા પર ધ્યાન આપવું જોઈએ તેમ એસબીઆઈના રિપોર્ટમાં જણાવાયું છે.
આ રિપોર્ટ મુજબ અમેરિકાએ અત્યાર સુધીમાં ૨૩ દેશો પર ટેરિફ વધાર્યા છે, જેમાં મોટભાગના એશિયન દેશો પર ભારતની સરખામણીમાં વધુ ટેરિફ નાંખ્યા છે. એવામાં ભારત માટે અમેરિકામાં નિકાસ વધારવાની સારી તક ઉભી થઈ છે. અમેરિકા દ્વારા આયાત કરાતા ટોચના પાંચ ઉત્પાદનોમાંથી માત્ર રસાયણ એવું છે, જેમાં ભારતને તુલનાત્મક લાભ મળે છે. જોકે, આ કેટેગરીમાં અમેરિકામાં નિકાસમાં ચીન અને સિંગાપોરનો ભારત કરતાં વધુ હિસ્સો છે. ચીન પર ટ્રમ્પે જંગી ટેરિફ લાગુ કર્યા છે ત્યારે ભારત પાસે અમેરિકામાં રસાયણ અને ફાર્મા જેવા ઉત્પાદનોની નિકાસ વધારવાની તક છે.
ઈએફટીએ ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે
ભારત-ઈએફટીએ સંગઠન વચ્ચે પહેલી ઑક્ટો.થી મુક્ત વેપાર કરાર અમલમાં
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો ચાલી રહી છે. ભારતે બ્રિટન સહિત કેટલાક દેશો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) કરી લીધા છે. આવા સમયે ભારત અને યુરોપના ચાર દેશોના સમૂહ યુરોપીયન મુક્ત વેપાર સંઘ (ઈએફટીએ) વચ્ચે મુક્ત વેપાર કરાર ૧ ઑક્ટોબરથી લાગુ થશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે શનિવારે એક્સ પોસ્ટમાં કહ્યું કે, બંને પક્ષોએ ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (ટીઈપીએ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ ઈએફટીએમાં સામેલ દેશ આગામી ૧૫ વર્ષોમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે. સાથે જ સ્વિચ ઘડિયાળ, ચોકલેટ અને કટ તથા પોલિશ કરાયેલા હીરા જેવા ઉત્પાદનો ભારતમાં ઓછી અથવા શૂન્ય ડયુટી પર આયાત કરી શકાશે. ઈએફટીએમાં આઈસલેન્ડ, લિકટેંસ્ટીન, નોર્વે અને સ્વીટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. ઈએફટીએ દેશોનું રોકાણ ભારતમાં ૧૦ લાખ પ્રત્યક્ષ નોકરીઓના સર્જનમાં મદદરૂપ થશે. આ સમજૂતી હેઠળ આગામી ૧૦ વર્ષમાં ૫૦ અબજ ડોલર અને તેનાથી આગળના પાંચ વર્ષોમાં ૫૦ અબજ ડોલરનું રોકાણ કરાશે.