World

આ શું કરી નાખ્યું! યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે પડી તિરાડ, ઈરાનમાં સ્થિતિ બગડી

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ઈઝરાયલની પડખે ઉભેલું અમેરિકા હવે ઈઝરાયલની એક હરકતથી લાલઘૂમ થઈ ગયું છે. ઈરાનના ઓઇલ ડેપો પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ શું કરી નાખ્યું! યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે પડી તિરાડ, ઈરાનમાં સ્થિતિ બગડી

Iran vs Israel and USA War Updates : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ઈઝરાયલની પડખે ઉભેલું અમેરિકા હવે ઈઝરાયલની એક હરકતથી લાલઘૂમ થઈ ગયું છે. ઈરાનના ઓઇલ ડેપો પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે.



અમેરિકાની ભારે નારાજગી

ઈરાન પર 28 ફેબ્રુઆરીથી ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલા ચાલુ છે, પરંતુ તાજેતરમાં ઈઝરાયલે જે રીતે ઈરાનના તેલ ડેપો અને રિફાઇનરીઓને નિશાન બનાવી છે તેનાથી અમેરિકા નારાજ છે. અમેરિકાનું વહીવટીતંત્રનું કહેવું છે કે ઈઝરાયલ જંગને એ સ્તર સુધી ભડકાવી રહ્યું છે જે અસ્વીકાર્ય છે. આ પ્રકારના હુમલાથી સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.



હુમલા પાછળ ઈઝરાયલની દલીલ અને અમેરિકાની હેરાની

તેલ અવીવે (ઈઝરાયલ) અમેરિકાને જાણ કરી હતી કે તેમણે એવી ઓઇલ ફેસિલિટીઝ પર હુમલો કર્યો છે જેનો ઉપયોગ મિસાઇલ લોન્ચરમાં ઈંધણ ભરવા માટે થતો હતો. જોકે, અમેરિકાના અધિકારીઓ આ વાતથી ચોંકી ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે અમેરિકાને આ હુમલાની જાણ થઈ ત્યારે ત્યાંથી મેસેજ આવ્યો હતો કે - "તમે આ શું કરી નાખ્યું?" અમેરિકાને આટલા ભીષણ હુમલાની અપેક્ષા નહોતી.

તેહરાન બન્યું નરક: ઝેરી હવા અને ઓઇલનો વરસાદ

ઈઝરાયલના આ હુમલા બાદ તેહરાનના આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. આસપાસની ઇમારતો પર તેલની જાડી પરત જામી ગઈ છે. સૌથી ભયાનક બાબત એ છે કે આકાશમાં જામેલો ધુમાડો હવે કાળા ટીપાં સ્વરૂપે નીચે ટપકી રહ્યો છે, જેના કારણે તેહરાનની હવા ઝેરી બની ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ડેપોમાં આગ લાગી ત્યારે એવું લાગતું હતું કે જાણે આગની નદી વહી રહી હોય.

લોકોને ઘરમાં પુરાઈ રહેવા આદેશ

તેહરાનમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા અને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ હુમલાને કારણે માનવીય કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.