Get The App

ઈરાનમાં ઈસ્લામિક શાસન સામે બળવો, લાખો લોકો રસ્તા પર, સુપ્રીમ લીડર ખામેનેઈ સામે રોષ

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ઈરાનમાં ઈસ્લામિક શાસન સામે બળવો, લાખો લોકો રસ્તા પર, સુપ્રીમ લીડર ખામેનેઈ સામે રોષ 1 - image


- આર્થિક પતન, સામાજિક શોષણના વિરોધમાં સુપ્રીમ લીડર ખામેનેઈ સામે રોષ ભભૂક્યો

- મુલ્લાઓ દેશ છોડો અને તાનાશાહી મુર્દાબાદાના સૂત્રોચ્ચાર થયા: મહિલા-સગીરાઓએ બુરખા હટાવતા વીડિયો શૅર કર્યા

- ઈરાન પર વધુ વિનાશક હુમલાની ટ્રમ્પની ચેતવણી, કોઈપણ આક્રમણનો વળતો જવાબ આપવાનો પ્રમુખ પેઝેશકિયનનો દાવો

Iran protest news : ઈરાનમાં દાયકાઓથી અમેરિકાના આર્થિક પ્રતિબંધો, આ વર્ષે ઈઝરાયેલ તથા અમેરિકાના હુમલાના પગલે અર્થતંત્ર તળીયે જઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનેઈના કટ્ટરવાદી ઈસ્લામિક શાસન વિરુદ્ધ લોકોનો રોષ ભડકી ઊઠયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનના અનેક શહેરોમાં ખામેનેઈના નેતૃત્વના ધાર્મિક શાસન વિરુદ્ધ સૌથી મોટો બળવો થયો છે. બીજીબાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન પર વધુ ભયાનક હુમલા કરવાની ધમકી આપી છે. સામે છેડે પ્રમુખ પેઝેશકિયને પણ અમેરિકાને 'આકરો' જવાબ આપવાની ચેતવણી આપી છે.

ઈરાનમાં અમેરિકાના આર્થિક પ્રતિબંધો વચ્ચે અર્થતંત્ર પાયમાલ થઈ ગયું છે ત્યારે તાજેતરમાં ઈરાનના ચલણ રિયાલની કિંમત અમેરિકન ડોલરની સરખામણીમાં વિક્રમી નીચા સ્તરે પહોંચી ગઈ છે. મોંઘવારીનો દર 42.2 ટકા થઈ ગયો છે, જેમાં ખાદ્ય પદાર્થોના ભાવ 72 ટકા વધી ગયા છે. આર્થિક ભીંસ વચ્ચે સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના નેતૃત્ત્વના ધાર્મિક શાસનના સામાજિક અને જાહેર પ્રતિબંધોના કારણે ઈસ્લામિક શાસન વિરુદ્ધ લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે.

તેહરાનના ગ્રાન્ડ બજારથી શરૂ થયેલા દેખાવો હવે મશહદ, ઈસ્ફહાન, શિરાજ, હમદાન સહિત અનેક શહેરોમાં ફેલાયા છે. ઈરાની -અમેરિકન પત્રકાર મસીહ અલીનેઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ઈરાનથી આવી રહેલા અનેક વીડિયોમાં લોકો એક સ્વરે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે, મુલ્લાઓએ ઈરાન છોડવું પડશે અને તાનાશાહી મુર્દાબાદ. આ એ જનતાનો અવાજ છે, જે હવે ઈસ્લામિક રિપબ્લિક નથી ઈચ્છતી. અનેક સૂત્રોએ એવો પણ દાવો કર્યો કે આ દેખાવોમાં ખામેનેઈ વિરુદ્ધ સૂત્રોચ્ચારની સાથે પૂર્વ રાજા શાહના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર થયો હતો.

આ દેખાવો ઓછા હોય તેમ ઈરાનમાં મહિલાઓ અને સગીરાઓએ જાહેરમાં બુરખા પહેરી ચહેરો ઢાંકી રાખવાના ઈસ્લામિક નિયમો સામે અવાજ ઉઠાવ્યો છે. લોકોના બળવા વચ્ચે સગીરાઓ બુરખા કાઢીને પોતાનો ચહેરો ખુલ્લો કરીને તથા વાળ આગળની બાજુ રાખીને વિરોધ નોંધાવી રહી છે.

ઈરાની પ્રવાસીઓ દ્વારા શૅર કરવામાં આવેલી એક તસવીરમાં તહેરાનના એક હાઈવે પર એક વ્યક્તિ એકલી, શાંત બેઠેલી જોવા મળે છે જ્યારે મોટરસાઈકલ પર સવાલ સુરક્ષા દળના કર્મચારીઓ તેના તરફ આગળ વધી રહ્યા છે. યુનાઈટેડ અગેઈન્સ્ટ ન્યૂક્લિયર ઈરાનના પોલિસી ડિરેક્ટર જેસન બ્રોડસ્કીએ આ તસવીરની સરખામણી ૧૯૮૯ના તિયાનમેન સ્ક્વેર આંદોલનની પ્રખ્યાત તસવીર 'ટેંકમેન' સાથે કરી હતી.  સૂત્રોએ જણાવ્યું કે, ૯.૨ કરોડથી વધુ વસતીવાળા આ દેશમાં આર્થિક પાયમાલી અને કાયદો-વ્યવસ્થાની બગડતી સ્થિતિએ ખામેનેઈ શાસન માટે ગંભીર સંકટ ઊભું કરી દીધું છે. આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન પહેલાથી જ તેના પરમાણુ સ્થળો પર ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા તથા ટ્રમ્પની 'મહત્તમ દબાણ નીતિ'નો સામનો કરી રહ્યું છે.

દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાન તેના બેલિસ્ટિક મિસાઈલ અથવા પરમાણુ કાર્યક્રમને ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન કરશે તો અમેરિકા તેના વિરુદ્ધ વધુ એક સૈન્ય હુમલો કરશે તથા ઈઝરાયેલના હુમલાને પણ સમર્થન આપશે. ટ્રમ્પે કહ્યું કે, આ હુમલો અગાઉના હુમલાઓ કરતાં વધુ વિનાશક હશે તથા ઈરાન તેમાંથી બેઠું નહીં થઈ શકે. જોકે, ટ્રમ્પે ઈરાનમાં સત્તા ઉથલાવવાના સંદર્ભમાં કહ્યું કે, હું તે વિષે કશું કહેવા નથી માગતો. ઈરાનને ઘણા પ્રશ્નો છે. ત્યાં અસામાન્ય ફુગાવો છે. અર્થતંત્ર જરા પણ સારી સ્થિતિમાં નથી. લોકો ત્યાં અશાંત છે. વારંવાર ત્યાં રમખાણો થાય છે. જ્યારે કોઈ એક ગુ્રપ બનાવે, નાનું કે મોટું ગુ્રપ બનાવે તો તેઓ ઉપર ગોળીબાર કરવામાં આવે છે. તેઓ લોકોને મારી નાખે છે. હું વર્ષોથી તે જોતો આવ્યો છું ત્યાં અસામાન્ય અસંતોષ છે.

બીજીબાજુ ટ્રમ્પની ધમકીના કલાકોમાં જ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયને એક્સ પર કોઈનું પણ નામ લીધા વિના લખ્યું કે, 'હુમલાખોરોને તેના દુઃસાહસ બદલ પસ્તાવો થશે. કોઈપણ હુમલા પર ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો જવાબ વધુ આકરો હશે અને હુમલાખોરને તેનો પસ્તાવો થશે.ે'

ટ્રમ્પે નેતન્યાહુને યુદ્ધકાલીન વડાપ્રધાન ગણાવ્યા

નેતન્યાહુ ના હોત તો ઈઝરાયેલનું અસ્તિત્વ જ ના હોત: યુએસ પ્રમુખ

- હમાસનું નિઃશસ્ત્રીકરણ અત્યંત જરૂરી, ગાઝામાં શાંતિ યોજાનો વહેલી તકે અમલ થવો જોઈએ: ટ્રમ્પ

પામ બીચ (ફ્લોરિડા) : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું, નેતન્યાહુ ના હોત તો કદાચ ઈઝરાયેલનું અસ્તિત્વ જ ના રહ્યું હોત. નેતન્યાહુ યુદ્ધકાળના વડાપ્રધાન છે. ફ્લોરિડાના પામ બિચ ખાતે ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે કલાકો વાતચીત ચાલી હતી, જેમાં તેમણે ગાઝા શાંતિ યોજના પર ચર્ચા કરી હોવાનું મનાય છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિ નેતન્યાહુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ફ્લોરિડા પહોંચ્યા હતા. ટ્રમ્પે કહ્યું, નેતન્યાહુએ ખૂબ જ શાનદાર કામ કર્યું છે. તેમણે ઈઝરાયેલને આઘાતના એક ખૂબ જ મોટા આંચકામાંથી બહાર કાઢ્યું છે. તેમણે કહ્યું કે, ગાઝા સંઘર્ષ વિરામ યોજનાના બીજા તબક્કામાં સૌથી પહેલા હમાસે હથિયાર છોડવા પડશે. ગાઝા અંગે અમારી પાસે યોજના છે, અને તે વહેલામાં વહેલી તકે અમલી કરવી પડે તેમ છે. અમે ગાઝા અંગે સમજૂતી સાધવા માંગીએ છીએ તેથી તો આ મહાન વડાપ્રધાન અહીં આવ્યા છે. અમે ઘણી ઘણી વાતો કરી છે, તે પૈકી પાંચ મહત્વના મુદ્દાઓ વિષે ચર્ચા કરી હતી, તે પૈકી ગાઝા એક મહત્વનો મુદ્દો હતો.

નેતન્યાહુની ઓફિસે જણાવ્યું કે, પીએમ નેતન્યાહુએ ટ્રમ્પ સાથે વાતચીત પહેલા ફ્લોરિડામાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથની પણ મુલાકાત લીધી હતી. ઈઝરાયેલ સરકારનાં પ્રવક્તા શોશ બેડ્રોસિયને કહ્યું કે, નેતન્યાહુ ગાઝામાં શાંતિ સમજૂતીના બીજા તબક્કામાં હમાસને નિઃશસ્ત્ર કરવા અને ગાઝાને બિન સૈન્ય ક્ષેત્ર બનાવવાની કામગીરી પર ચર્ચા કરવા માટે ટ્રમ્પને મળ્યા હતા. બીજીબાજુ હમાસે ફરી એક વખત કહ્યું હતું કે, તેઓ પોતાના હથિયાર હેઠા નહીં મૂકે.