Boat accident News : મ્યાનમારથી સારી જિંદગીની આશામાં નીકળેલા રોહિંગ્યા શરણાર્થીઓ માટે દરિયો ફરી એકવાર કબ્રસ્તાન બન્યો છે. થાઈલેન્ડ-મલેશિયા સરહદ પાસે લગભગ 100 રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જઈ રહેલી એક બોટ ડૂબી ગઈ છે. મલેશિયન મેરીટાઇમ એજન્સીએ રવિવારે માહિતી આપી કે આ દુર્ઘટનામાં 7 લોકોના શબ મળી આવ્યા છે, જ્યારે 13 લોકોને બચાવી લેવાયા છે. બોટમાં સવાર અન્ય 80થી વધુ લોકો હજુ પણ લાપતા છે.
કઈ રીતે બની દુર્ઘટના?
મલેશિયાની સરકારી મીડિયા અનુસાર, આ શરણાર્થીઓ પહેલા મ્યાનમારના રખાઈન પ્રાંતમાંથી લગભગ 300 લોકો સાથે એક મોટા જહાજમાં રવાના થયા હતા. પરંતુ મલેશિયાની સરહદ નજીક પકડાઈ જવાથી બચવા માટે, તેમને ત્રણ નાની બોટમાં વહેંચી દેવામાં આવ્યા, જેમાં પ્રત્યેકમાં લગભગ 100 લોકો સવાર હતા. આ ત્રણમાંથી એક બોટ દુર્ઘટનાનો ભોગ બની હતી. ચિંતાની વાત એ છે કે અન્ય બે બોટ, જેમાં લગભગ 200 રોહિંગ્યા સવાર હતા, તે પણ લાપતા છે અને તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી. બચાવ દળ લંગકાવી દ્વીપ પાસે દરિયામાં તેમની શોધખોળ કરી રહ્યું છે.
જોખમી દરિયાઈ સફર અને ચોંકાવનારા આંકડા
મ્યાનમારમાં હિંસા અને બાંગ્લાદેશના શિબિરોમાં બદતર પરિસ્થિતિથી કંટાળીને, રોહિંગ્યા સમુદાયના લોકો નિયમિતપણે મલેશિયા પહોંચવા માટે આવા જોખમી દરિયાઈ માર્ગો અપનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR)ના આંકડા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બરની શરૂઆત સુધીમાં 5,100થી વધુ રોહિંગ્યાઓએ મ્યાનમાર અને બાંગ્લાદેશ છોડીને દરિયાઈ મુસાફરી કરી છે, જેમાંથી લગભગ 600 લોકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા લાપતા છે.
શું છે રોહિંગ્યા સંકટ?
રોહિંગ્યા બંગાળી મૂળના મુસ્લિમ છે જેઓ સદીઓથી મ્યાનમારના રખાઈન પ્રાંતમાં રહે છે. તેઓ પોતાને મ્યાનમારના મૂળ નિવાસી માને છે, પરંતુ મ્યાનમારની સૈન્ય સરકાર તેમને ઘૂસણખોર ગણે છે. 1982ના નાગરિકતા કાયદા હેઠળ તેમને નાગરિકતાથી વંચિત રાખવામાં આવ્યા છે, જેના પરિણામે તેઓ રાષ્ટ્રવિહીન છે. તેમની પાસે પાસપોર્ટ, મતદાનનો અધિકાર, શિક્ષણ કે આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ પણ નથી. 2017માં મ્યાનમાર સેનાની ક્રૂર કાર્યવાહી બાદ, લગભગ 13 લાખ રોહિંગ્યાઓએ પાડોશી દેશ બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાં આશરો લીધો છે, જ્યાં તેઓ અત્યંત દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે.


