- ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં તો ચારે તરફ તબાહી-તબાહીનું મંજર પાકિસ્તાનમાં દર વર્ષે પૂરો આવે છે : દર વર્ષે સેંકડો તણાઈ જાય છે
પેશાવર/ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં આજકાલ પૂરનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમના પ્રાંત ખૈબર-પખ્તુનવામાં આવેલા પૂરને લીધે આશરે ૧૦૦૦ના મોત થયા છે, ૯૦૦થી વધુ ઘાયલ થયા છે. પાકિસ્તાનના વડાપ્રધાનના કો-ઓર્ડીનેટર ઈખ્તિયાર વલી ખાને પૂરગ્રસ્ત પ્રદેશોની પરિસ્થિતિ હેલિકોપ્ટર દ્વારા જોઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે આ પૂરોને લીધે કેટલેક ઠેકાણે તો ગામનાં ગામ તણાઈ ગયા છે. તેઓ નકશા ઉપરથી ગૂમ થઈ ગયા છે. ચકરજી અને બશોની નામનાં ગામોનું તો નામો-નિશાન નથી રહ્યું. કુટુમ્બોનાં કુટુમ્બો એક ઝાટકે સાફ થઈ ગયા છે. એક હજારથી વધુનાં મોત થયા છે. સેંકડો હજી લાપત્તા છે. મલબા નીચે પણ હજી ઘણા દટાયેલા હોવા સંભવ છે.
ઈખ્તિયાર વલી ખાને પૂરગ્રસ્ત વિસ્તારો હેલિકોપ્ટર દ્વારા ઉપરથી જોયા પછી ઈસ્લામાબાદ પરત ફર્યા પછી પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પૂર એટલા પ્રચંડ હતાં કે પાણીના ધોધમાર પ્રવાહ સાથે મોટી મોટી શિલાઓ પણ ખેંચાઈ આવી હતી. તેમજ નદી કિનારે રહેલાં કેટલાક ગામો પણ નકશા ઉપરથી વિલાઈ ગયા છે.
ચકરજી અને બશોની ગામો તો તણાઈ જ ગયા છે. તે ઉપરાંત બુનેરમાં એક પોલીસ થાણું પણ પૂરમાં ખેંચાઈ ગયું છે. તેવામાં પાકિસ્તાનનાં હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે હજી પણ ભારે વરસાદનો ખતરો નથી ટળ્યો પરિણામે પૂરનો પણ ખતરો તોળાઈ રહ્યો છે.


