નેપાળમાં અનરાધાર વર્ષા : 14નાં મૃત્યુ અવિતર વર્ષાથી બચાવ કાર્ય મુશ્કેલ બન્યું

ભારતે તમામ સહાયની ખાતરી આપી
નેપાળ આર્મીના જવાનો બચાવ કાર્યમાં વ્યસ્ત, હેલિકોપ્ટરની સહાય લેવાઈ દેશના સાતે સાત પ્રાંતોમાં ભારે વર્ષા ઃ પાંચ પ્રાંતોમાં તો ખાના ખરાબી થઈ
નેપાળ આર્મીના જવાનો બચાવ કાર્યમાં લાગી પડયા છે. પરંતુ અવિરત વર્ષાને લીધે બચાવ કાર્યમાં પણ અવરોધ ઉભો થાય છે. અનેક સ્થળોએ જમીન ધસી પડવાથી બચાવ કાર્ય માટે જવાનો તત્કાળ પહોંચી પણ શકતા નથી.
ડીપાર્ટમેન્ટ ઓફ હાઈડ્રોલોજી એન્ડ પીટીઓરોલોજીએ બાગમતી, હનુમંતે, મનોહરા, ધોબી ખોળા, બિષ્ણુમતી, નાખ્ખુ અને બાલ્ખુ નદીઓ તો બે કાંઠે ધમધમી રહી છે. કાંઠા તોડીને તેમનાં જળ આસપાસમાં પ્રસરી રહ્યાં છે. માર્ગો જળમગ્ન બન્યા છે. વાસ્તવમાં માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે. માર્ગોને અડીને ઊભેલા ઘરોમાં પાણી પહોંચી ગયાં છે. નાગરિકોને અને મોટર ચાલકોને કે રિક્ષા વાળાઓને પણ નદી તરફ નહીં જવા કહેવાઈ ગયું છે.
હવામાન ખાતાનો વર્તારો હજી પણ વર્ષા ચાલુ રહેવાની ચેતવણી આપે છે.
આ વર્ષે સરેરાશ કરતાં વધુ વર્ષા થવાની તો હવામાન ખાતાંએ ચેતવણી આપી જ દીધી હતી આથી તેઓને તમામ તૈયારીઓ તો શરૂ કરી જ દીધી હતી. પરંતુ આ વર્ષે તો ધાર્યાં કરતાં ઘણો વધુ વરસાદ થયો હોવાથી બધી તૈયારીઓ ઓછી પડી છે.
ધી નેશનલ ડીઝાસ્ટર રિસ્ક રીડકશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે આ વરસાદ અને ભૂમિ ધસવાથી આશરે ૨૦ લાખ લોકોને અસર થઈ છે. ૪,૫૭,૧૪૫ કુટુંબોને મુશ્કેલી ઉભી થઈ છે.
ભારત સરકાર એક તરફ દેશમાં જ વરસાદે વેરેલા વિનાશમાં જનતાને મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે છતાં નેપાળને તમામ સહાય પહોંચાડવા ખાતરી આપી છે.
નેપાળની તમામ નદીઓ તો ગંગાને જ મળે છે તેથી ગંગામાં પૂર આવી રહ્યું છે. તો બીજી તરફ ઉ.પૂ. ભારતમાં પણ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યાં છે. બ્રહ્મપુત્રા છલોછલ વહે છે. ગંગા, બ્રહ્મપુત્રા બાંગ્લાદેશનાં ગોવાબંદો પાસે મળે છે. તેથી અત્યારે જ ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને બાંગ્લાદેશમાં તબાહી વેરાવાની પૂરી શક્યતા છે.








