US Attack On Venezuela : અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો તથા તેમની પત્નીની ધરપકડ બાદ વિશ્વભરમાં ખળભળાટ ચાલી રહ્યો છે. આ ઘટના બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા સોમવારે એક ઈમરજન્સી બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમાલિયાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામેના જોખમો અંગે ચર્ચા કરવામાં આવશે.
સોમાલિયા બેઠકની અધ્યક્ષતા કરશે
વર્તમાન સમયમાં સોમાલિયા સુરક્ષા પરિષદનું રોટેટિંગ પ્રેસિડેન્ટ છે. કુલ 15 સભ્ય દેશો ધરાવતી આ કાઉન્સિલમાં અમેરિકાના પગલાં સામે રણનીતિ ઘડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ આ હુમલાને વેનેઝુએલાની સાર્વભૌમત્વ અને લેટિન અમેરિકાની સુરક્ષા વિરુદ્ધ ગણાવીને ઈમરજન્સી બેઠકની માંગ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ દેશનો આંતરિક વિવાદ ત્યાંના લોકો દ્વારા જ ઉકેલાવો જોઈએ અને અમેરિકાની આ કાર્યવાહી UNના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
હથકડીમાં દેખાયા માદુરો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર માદુરોની એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ 'USS ઈયો જિમા' નામક વોરશિપ પર જોવા મળ્યા હતા. ત્યારબાદ વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં માદુરોને હથકડી પહેરાવેલી હાલતમાં ન્યાયિક પ્રક્રિયા માટે લઈ જવામાં આવતા બતાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ટ્રમ્પે વેનેઝુએલામાં અફઘાનિસ્તાન જેવી ભૂલ કરી ? આ પાંચ પડકારો વધારશે અમેરિકાનું ટેન્શન
યુએનના મહાસચિવની ચેતવણી
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઘટના પર ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, આ પ્રકારની કાર્યવાહી સમગ્ર પ્રદેશ માટે ગંભીર પરિણામો લાવી શકે છે. તેમના પ્રવક્તા સ્ટેફેન ડુજારિકે જણાવ્યું હતું કે, આ ઘટના એક ખતરનાક મિસાલ કાયમ કરે છે અને તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું પાલન કરવું જોઈએ.
વેનેઝુએલામાં સત્તા પરિવર્તન
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલામાં રાજકીય સ્થિતિ ઝડપથી બદલાઈ છે. દેશની સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગેઝને કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ માદુરો હાલમાં પોતાની જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ હોવાથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : ટ્રમ્પની ધમકી બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ટેન્શનમાં, શરૂ કરી કાર્યવાહી


