World

હિંસાના કારણે કાંગોમાં પરિસ્થિતિ ગંભીર, 1.36 લાખથી વધુ લોકો અન્ય દેશોમાં શરણ લેવા મજબૂર: યુનિસેફ

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ)એ જણાવ્યું છે કે, પૂર્વી કાંગોમાં વધતી હિંસાને કારણે આ વર્ષે જાન્યુઆરીથી 1.36 લાખથી વધુ લોકો પાડોસી દેશ બુરુન્ડી અને યુગાન્ડામાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંસાના કારણે કાંગોમાં પરિસ્થિતિ ગંભીર, 1.36 લાખથી વધુ લોકો અન્ય દેશોમાં શરણ લેવા મજબૂર: યુનિસેફ

Image Source: Twitter

Situation In Congo Critical Due To Violence: યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ)એ જણાવ્યું છે કે, પૂર્વી કાંગોમાં વધતી હિંસાને કારણે આ વર્ષે જાન્યુઆરીથી 1.36 લાખથી વધુ લોકો પાડોસી દેશ બુરુન્ડી અને યુગાન્ડામાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે. 

શરણાર્થીઓને ખોરાક, સ્વચ્છ પાણી, તબીબી સંભાળ અને સુરક્ષાની સખત જરૂર 

યુનિસેફના જણાવ્યા પ્રમાણે યુગાન્ડાએ પૂર્વી કાંગોમાંથી આવેલા લગભગ 67,000 શરણાર્થીઓને શરણ આપી છે. બીજી તરફ બુરુન્ડીમાં 70,000થી વધુ લોકો જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો શરણ લઈ ચૂક્યા છે. યુનિસેફે આ માનવતાવાદી સંકટને વિશ્વની સૌથી ગંભીર પરિસ્થિતિઓમાંની એક ગણાવી છે. યુનિસેફના રિપોર્ટ પ્રમાણે શરણાર્થીઓને ખોરાક, સ્વચ્છ પાણી, તબીબી સંભાળ અને સુરક્ષાની સખત જરૂર છે. યુગાન્ડા અને બુરુન્ડીમાં ટ્રાન્જિટ સેન્ટર પહેલેથી જ ભરાયેલા છે અને હવે વધારાના દબાણને સંભાળવામાં અસમર્થ છે. 

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વરસાદની ઋતુ શરૂ થતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. પૂર, ચેપી રોગો અને સ્થળાંતરનું જોખમ વધ્યું છે. બાળકોમાં કુપોષણ, કોલેરા અને ઓરી જેવા ગંભીર રોગોનો દર પણ વધી રહ્યો છે.

તાત્કાલિક સહાયની અપીલ 

યુનિસેફે રાહત કામગીરીને ઝડપી બનાવવા માટે 2.2 મિલિયન યુએસ ડોલર (લગભગ 183 કરોડ રૂપિયા)ની તાત્કાલિક સહાયની અપીલ કરી છે. એજન્સીએ ચેતવણી આપી છે કે જો આ નાણાં ટૂંક સમયમાં નહીં મળે તો આવશ્યક સેવાઓ ખોરવાઈ જશે અને લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે છે. પૂર્વી કાંગોમાં જાન્યુઆરીથી પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે, જ્યારથી M23 બળવાખોર જૂથ ફરીથી એક્ટિલ થયું. આ જૂથે ગોમા અને બુકાવુ જેવા વ્યૂહાત્મક શહેરો પર કબજો કર્યો, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. 

આ પણ વાંચો: સીઝફાયરની જાહેરાત બાદ ઇઝરાયલની પ્રથમ પ્રતિક્રિયા: ટ્રમ્પને કહ્યું થેન્કયુ, ઈરાનને આપી ચેતવણી

M23 બળવાખોર જૂથ પર કાંગો સરકાર રવાન્ડા દ્વારા સમર્થન મળવાનો આરોપ લગાવતી આવી છે. જો કે, રવાન્ડાએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને તેના બદલે કાંગોની સેના પર 1994ના નરસંહારમાં સામેલ જૂથો સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે.

પૂર્વી કાંગોમાં વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષે આ પ્રદેશને અસ્થિર બનાવી દીધો છે. M23 જેવા બળવાખોર જૂથોની પ્રવૃત્તિઓ, રાજકીય અસ્થિરતા અને બાહરી હસ્તક્ષેપના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.