પહલગામ મુદ્દે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, UNSCમાં મગરના આંસુ વહાવ્યા છતાં મળ્યો ઝટકો
UN Security Council Holds Closed-Door Meeting on India-Pakistan Conflict : પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં પાકિસ્તાનના અનુરોધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક ( ક્લોઝ ડોર મીટિંગ ) યોજાઇ હતી. જોકે બેઠક બાદ કોઈ નક્કર પરિણામ ન આવતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. દોઢ કલાક સુધી થયેલી મીટિંગમાં કોઈ જ સત્તાવાર પ્રસ્તાવ પસાર થયો નહીં. આટલું જ નહીં બેઠક બાદ કોઈ સત્તાવાર નિવેદન પણ જાહેર થયું નહીં. જે બાદ પાકિસ્તાનની ફરી આંતરરાષ્ટ્રીય ફજેતી થઈ છે. જોકે પાકિસ્તાનના પ્રતિનિધિનો દાવો છે કે આ બેઠક થઈ એ જ મોટી વાત કહેવાય!
સુરક્ષા પરિષદની બેઠકમાં પહલગામ હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી. આટલું જ નહીં પાકિસ્તાને ભારત પર એકતરફી કાર્યવાહી અને આક્રમકતા બતાવવાનો આરોપ લગાવ્યો. અન્ય દેશો સામે પાકિસ્તાને મગરના આંસુ વહાવી કહ્યું કે અમે સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરવા માટે તૈયાર છીએ. પાકિસ્તાને આ બેઠકમાં સિંધુ સંધિ અને કાશ્મીરનો મુદ્દો પણ ઉછાળ્યો હતો.
સૈન્ય સંઘર્ષથી પરિસ્થિતિ બેકાબૂ થઈ શકે: UN
પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ અને અણુબોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા ( સેક્રેટરી જનરલ ) એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સૈન્ય સંઘર્ષ ન કરવા સલાહ આપી છે. ગુટેરેસે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરતાં કહ્યું છે, કે 'ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘણા વર્ષો બાદ ફરી ચરમસીમા પર છે. હું પહલગામ હુમલાને વખોડું છું. નાગરિકો પર હુમલો ક્યારેય સાંખી ન લેવાય. કાયદાકીય રીતે ગુનેગારોને સજા આપવી જોઈએ. આ મહત્ત્વપૂર્ણ સમયે વિશેષ રૂપે બંને દેશોએ સૈન્ય સંઘર્ષથી બચવાની જરૂર છે. સૈન્ય સંઘર્ષથી પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે. બંને દેશો સાથેના સંવાદમાં નિરંતર મારો આ જ સંદેશો રહ્યો છે. ભૂલ ના કરતાં- સૈન્ય સંઘર્ષ કોઈ સમાધાન નથી. તણાવ ઘટાડવાની કોઈ પણ પહેલને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન રહેશે.