યુ.એન. મહામંત્રીએ એસ. જયશંકર અને શહબાઝ શરીફ સાથે ફોન ઉપર લંબાણપૂર્વક વાતચીત કરી
- એન્ટોનિયો ગુટ્ટેરસે બંનેને સંયમ રાખવા કહ્યું
- શહબાઝ શરીફે પહેલગાંવ ઘટના અંગે તટસ્થ અને પારદર્શી તપાસ પંચ યોજવા કહ્યું આ હુમલાના આયોજકો અને તેને પુષ્ટિ આપનારને ન્યાયાસન સમક્ષ લઈ જવા જયશંકરે કહ્યું
નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રો : પહેલગાંવ ઘટના અંગે વિશ્વભરમાંથી ફિટકાર વરસી રહ્યો છે ત્યારે યુ.એન.ના મહામંત્રી એન્ટોનિયો ગુટ્ટેર્રસે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે લંબાણપૂર્વક ફોન પર વાતચીત કરી હતી. આ પછી જયશંકરે 'ટ' પ્લેટફોર્મ પર જમ્મુ-કાશ્મીરમાં થયેલા ત્રાસવાદી હુમલા અંગે ગુટ્ટેર્રસે દર્શાવેલી સહાનુભૂતિ માટે તેઓનો આભાર માન્યો હતો. જ્યારે શહબાઝ શરીફે તે ઘટના અંગે તટસ્થ અને પારદર્શી તપાસપંચ યોજવા જણાવ્યું હતું.
એસ. જયશંકરે ગુટ્ટેર્રસનો તેમના ફોન બદલ આભાર માનતા કહ્યું હતું કે તે ઘટનાના આયોજકો, ઘટના કરનારા અને તેને પુષ્ટિ આપનારા સર્વેને 'ન્યાયાસન' સમક્ષ ખડા કરવા જ જોઈએ.
બીજી તરફ શરીફે યુ.એન.ના મહામંત્રીને ફોન પરની વાતચીતમાં કહ્યું હતું કે, 'પાકિસ્તાન કોઈપણ પ્રકારના ત્રાસવાદનું વિરોધી જ છે. સાથે તે માને છે કે તે ઘટનાની તટસ્થ અને પારદર્શી રીતે તપાસ થવી જોઈએ, ઉપરાંત કાશ્મીર વિવાદનો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના ઠરાવ અનુસાર ઉકેલ લાવવો જોઈએ.' પાકિસ્તાન શાંતિ માટે પ્રતિબદ્ધ જ છે. પરંતુ તેનાં સાર્વભૌમત્વ સામે પડકાર ઉપસ્થિત થશે તો તે પૂરી તાકાતથી લડી લેવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે પહેલગાંવ હુમલો કે જેમાં ૨૬ નિર્દોષ પર્યટકોની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી તેની જવાબદારી પહેલાં તો પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈય્યબાની જ શાખા 'ધી રેઝિસ્ટન્સ ફોર્સે' લીધી હતી પરંતુ પછીથી તેણે તેનાં વિધાનો પાછાં ખેંચી લીધાં હતાં.