| (IMAGE - IANS) |
UN report Gaza children: પેલેસ્ટાઈન ક્ષેત્ર પર સંયુક્ત રાષ્ટ્ર (UN)ના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચે જેનેવામાં UNHRC સમક્ષ એક અત્યંત ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. આ પંચના અધ્યક્ષ અને ઓડિશા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ. મુરલીધરે ખુલાસો કર્યો છે કે ઈઝરાયલ જાણીજોઈને પેલેસ્ટાઈનના માસૂમ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં એસ. મુરલીધરે જણાવ્યું કે, આ ગંભીર મામલે પંચે ઈઝરાયલ પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ તે આ તપાસમાં સહેજ પણ સહયોગ આપી રહ્યું નથી.
અહેવાલમાં સામે આવેલા આંકડા ખૂબ જ ભયાનક છે. 7 ઓક્ટોબર, 2023થી 7 ઓક્ટોબર, 2025ની વચ્ચે વેસ્ટ બેંક અને પૂર્વી જરુશલેમમાં 20,000થી વધુ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 44,000થી વધારે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ક્વોડકોપ્ટર અને સ્નાઈપર રાઈફલથી માસૂમ બાળકોનો શિકાર
જસ્ટિસ મુરલીધરે જણાવ્યું કે, બાળકોને બે અત્યંત ઘાતક અને ક્રૂર વ્યૂહનીતિ અંતર્ગત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ રીતમાં વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભારે ક્ષમતાવાળા બોમ્બ ફેંકીને વારંવાર હુમલા કરવામાં આવે છે. જ્યારે બીજી રીત એનાથી પણ વધુ ખૌફનાક છે, જેમાં ક્વોડકોપ્ટર (ડ્રોન) અને સ્નાઈપર રાઈફલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અત્યાધુનિક ડ્રોનમાં હાઈ-પ્રિસિઝન થર્મલ ઈમેજિંગ કેમેરા લાગેલા હોય છે, જે દૂર બેઠેલા ઓપરેટરને બાળકનું શરીર સ્પષ્ટપણે બતાવે છે. કેટલાક ઈઝરાયલી સૈનિકોએ કેમેરા સામે કબૂલાત પણ કરી છે કે, દૂર બેસીને આ રીતે માસૂમ બાળકોને મારવા એ તેમના માટે એક 'રમત' જેવું હતું.
સિંગલ-શોટ ગેંગ અને બાળકો પર અમાનુષી અત્યાચાર
રિપોર્ટ અનુસાર, બાળકોને કાયમી નુકસાન પહોંચાડવાના ઈરાદાથી તેમના માથા અથવા ગરદન પર સિંગલ-શોટ સ્નાઈપરથી ગોળીઓ મારવામાં આવે છે. એક કાળજું કંપાવી દેનારી ઘટનામાં, માતાનું દૂધ પીતા માત્ર 10 દિવસના નવજાત બાળકના માથામાં ગોળી મારવામાં આવી, જેના કારણે તે જીવનભર માટે દિવ્યાંગ બની ગયું. હાથમાં સફેદ ઝંડો લઈને ઉભેલા બાળકો, એમ્બ્યુલન્સો અને રેડ ક્રોસ તરફ જીવ બચાવવા ભાગી રહેલા સામાન્ય પરિવારોને પણ છોડવામાં આવી રહ્યા નથી.
સ્થિતિ એટલી ગંભીર છે કે હોસ્પિટલના ડોક્ટરોએ એક નવી કેટેગરી બનાવવી પડી છે, જેને 'WCNSF' (Wounded Child with No Survival Family - અર્થાત એવું ઘાયલ બાળક જેનો પરિવાર હવે જીવતો બચ્યો નથી) નામ આપવામાં આવ્યું છે. માત્ર બે મહિનામાં જ હોસ્પિટલોમાં આવા હજારો બાળકો લાવવામાં આવ્યા હતા, જેમના સમગ્ર પરિવારો આ યુદ્ધમાં હોમાઈ ગયા છે.
શિક્ષણ અને સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી
ઈઝરાયલી સેના દ્વારા ગાઝામાં અનાથાશ્રમો, શાળાઓ અને હોસ્પિટલોને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગાઝાની 97% શાળાઓ અને 32માંથી 27થી વધુ યુનિવર્સિટીઓ સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે, જેના કારણે બાળકો છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી શિક્ષણથી વંચિત છે. ત્યાંની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નાશ પામી છે.
સ્થિતિ એટલી ખરાબ છે કે ડોક્ટરોએ એનેસ્થેસિયા કે દર્દ નિવારક દવાઓ વિના જ બાળકોના હાથ-પગ કાપવા પડી રહ્યા છે. આ અસહ્ય પીડાને કારણે ઘણા બાળકો 'મ્યુટિઝમ' (મૌન)નો શિકાર બન્યા છે, જ્યાં તેઓ માત્ર શૂન્યમાં તાકી રહે છે અને કંઈ બોલી શકતા નથી. આ સિવાય, 10થી 15 વર્ષના કિશોર વયના છોકરાઓને આતંકવાદી ગણાવીને સીધી ગોળી મારી દેવામાં આવે છે. ગાઝામાં નરક જેવી સ્થિતિ છે, જ્યાં 700 લોકો વચ્ચે માત્ર એક જ સિંગલ ટોઇલેટ છે અને બાળકો ગંદા સીવેજના પાણીમાં રમવા માટે મજબૂર બન્યા છે.
ઈઝરાયલ પર કડક પ્રતિબંધો લાદવા વૈશ્વિક સમુદાયને અપીલ
એસ. મુરલીધરે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, પેલેસ્ટાઈનના લોકો વિરુદ્ધ નરસંહાર કરવો એ હવે જાણે ત્યાંની સરકારી નીતિ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બાળકોને જાણીજોઈને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ કોઈપણ સમાજનું ભવિષ્ય હોય છે. હવે માત્ર નિંદા કરવાનો સમય પૂરો થઈ ગયો છે અને વિશ્વના દેશોએ નક્કર પગલાં લેવાની જરૂર છે.
તેમણે સૂચન આપ્યું છે કે, જે દેશોના નાગરિકો ઈઝરાયલી સેના તરફથી યુદ્ધ લડી રહ્યા છે, તે દેશોએ સાર્વત્રિક અધિકારક્ષેત્ર હેઠળ પોતાના નાગરિકો સામે ગુનાહિત તપાસ કરવી જોઈએ. આ સાથે જ માસૂમ બાળકો પર થઈ રહેલા આ ભયાનક હુમલાઓને તાત્કાલિક રોકવા માટે ઈઝરાયલ પર કડક નાણાકીય અને વ્યાપારી પ્રતિબંધો લાદવામાં આવે તે અત્યંત મહત્ત્વનું છે.


