UN Chief Stargets Donald Trump US and China : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે અમેરિકા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધું નિશાન સાધ્યું છે. ગુટેરેસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કોઈ એક દેશના હુકમ ચલાવવાથી દુનિયા નથી ચાલતી અને તેના કારણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં. ગુટેરેસે આ દરમિયાન ચીનની પણ આડકતરી રીતે ઝાટકણી કાઢી હતી. UN ચીફે 'બહુધ્રુવીયતા'ની જરૂરિયાત પર ભાર આપતા તાજેતરમાં થયેલી ભારત-EU ડીલનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુટેરેસનો અંતિમ કાર્યકાળ
ગુટેરેસ તેમના કાર્યકાળના 10મા અને અંતિમ વર્ષની શરુઆતના પ્રસંગે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ આ વર્ષના અંતમાં તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરશે. પોતાના કાર્યકાળમાં અનેક યુદ્ધોની શરુઆત જોનારા ગુટેરેસે બદલાતા વૈશ્વિક પરિદૃશ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "વૈશ્વિક સમસ્યાઓ કોઈ એક શક્તિના હુકમથી ઉકેલી શકાતી નથી. બે શક્તિઓ દ્વારા વિશ્વને બે ભાગમાં વહેંચવાથી કશું પ્રાપ્ત નહીં થાય." અહીં તેમનો ઇશારો અમેરિકા અને ચીન તરફ હતો.
ભારત-EU FTAનો ઉલ્લેખ
ગુટેરેસે વધુમાં જણાવ્યું કે, "એવો વિચાર પ્રવર્તે છે કે બે ધ્રુવો છે - એક અમેરિકા કેન્દ્રિત અને બીજો ચીન કેન્દ્રિત. જો કે, જો આપણે એક સ્થિર અને શાંતિપૂર્ણ વિશ્વ ઇચ્છીએ છીએ, જેમાં સમાનતા અને વિકાસ હોય, તો આપણે બહુધ્રુવીયતાનું સમર્થન કરવું ખૂબ જ જરૂરી છે. હું હાલના વેપાર કરારોને ખૂબ જ હકારાત્મક આશા સાથે જોઈ રહ્યો છું, જે રીતે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે તાજેતરમાં સમજૂતી થઈ છે."
ટ્રમ્પને જડબાતોડ જવાબ
તાજેતરમાં વિશ્વના અનેક દેશોએ અમેરિકાના પ્રભુત્વ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. ગુટેરેસની આ ટિપ્પણી ટ્રમ્પ દ્વારા 'બોર્ડ ઓફ પીસ'ની રચનાના એક અઠવાડિયા બાદ આવી છે. ટ્રમ્પે તેને સંયુક્ત રાષ્ટ્રના વિકલ્પ તરીકે ગણાવ્યું હતું. ગુટેરેસે વળતો જવાબ આપતાં કહ્યું કે, "મારા મતે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની પ્રાથમિક જવાબદારી સંયુક્ત રાષ્ટ્ર અને સુરક્ષા પરિષદની જ છે."
આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન
ગુટેરેસે ખેદ વ્યક્ત કર્યો કે, આજના સમયમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓની મજાક ઉડાવાઈ રહી છે અને તેને કચડવામાં આવી રહ્યા છે. સહયોગ ઘટી રહ્યો છે અને બહુપક્ષીય સંસ્થાઓ પર અનેક મોરચે હુમલાઓ થઈ રહ્યા છે. આજે યુદ્ધ શરુ કરનારાઓને સજા નથી મળી રહી, જેનાથી તણાવ અને અવિશ્વાસ વધારનારા તત્ત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે. જો કે, તેમણે ખાતરી આપી કે સંયુક્ત રાષ્ટ્ર હાર નહીં માને અને શાંતિની સ્થાપના માટે સંપૂર્ણ પ્રયાસો ચાલુ રાખશે.


