યુક્રેન ટ્રમ્પ સાથે 100 અબજ ડોલરના હથિયારોની ખરીદીની ડીલ કરવા તૈયાર

- રશિયા સાથે 'સમજૂતી' પછી અમેરિકાની સુરક્ષાની ખાતરી માટે પ્રયાસ
- યુક્રેનની સુરક્ષા માટે યુરોપના ફન્ડિંગથી ઝેલેન્સ્કી અમેરિકા પાસેથી 10 પેટ્રિઅટ ડિફેન્સ સિસ્ટમ સહિતના મિસાઈલ ખરીદશે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા પહેલાં ૨૪ કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવાનું આપેલું વચન આખરે સાત મહિને પૂરું થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિનની વાટાઘાટો પછી વોશિંગ્ટનમાં ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના સાત નેતાઓ સાથે સોમવારે બેઠક થઈ હતી. હવે ટ્રમ્પ રશિયન પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે આમને-સામને બેઠકની તૈયારી કરી રહ્યા છે ત્યારે યુક્રેનની સુરક્ષા માટે ઝેલેન્સ્કીએ યુરોપના ફન્ડિંગની મદદથી અમેરિકા પાસેથી ૧૦૦ અબજ ડોલરના હથિયારો અને ૫૦ અબજ ડોલરના ડ્રોનની ખરીદીની દરખાસ્ત કરી છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સોમવારે યોજાયેલી બેઠકમાં ઝેલેન્સ્કીએ યુક્રેનમાં શાંતિની ઈચ્છા વ્યક્ત કરી અને તેના માટે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે સીધી વાટાઘાટોને જરૂરી ગણાવી હતી. ટ્રમ્પે પણ કહ્યું કે, પુતિન પણ યુદ્ધ ઈચ્છતા નથી. એટલે યુક્રેન યુદ્ધ ખતમ થવાની વ્યાપક સંભાવના છે.
યુરોપના નેતાઓ સાથે ચર્ચા વચ્ચે ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિન સાથે ફોન પર વાત કરી હોવાનું સૂત્રોનું કહેવું છે. આ સમયે પુતિને પણ ઝેલેન્સ્કી સાથે બેઠક કરવાની તૈયારી દર્શાવી છે. અમેરિકન વિદેશ મંત્રી માર્ક રુબિયોએ દાવો કર્યો હતે કે સાડા ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે ઝેલેન્સ્કી સાથે બેઠક માટે પુતિન તૈયાર થયા તે બહુ મોટી વાત છે. પુતિન-ઝેલેન્સ્કીની મુલાકાત પછી યુદ્ધ ખતમ થઈ જશે કે નહીં તે ખબર નથી, પરંતુ તેમની મુલાકાત થાય તો પણ તે મોટી વાત છે.
મીડિયા અહેવાલ મુજબ રશિયા સાથે એક વખત શાંતિ સમજૂતી થઈ જાય પછી ભવિષ્યમાં પુતિન ફરી યુક્રેન પર આક્રમણ ના કરે તે માટે અમેરિકાની સુરક્ષાની ખાતરી માટે ઝેલેન્સ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા સાથે ૧૫૦ અબજ ડોલરના મૂલ્યના સંરક્ષણ સોદાની દરખાસ્ત કરી છે. ઝેલેન્સ્કીએ યુદ્ધ પછી યુક્રેનની સુરક્ષા માટે અમેરિકાની ખાતરીના બદલામાં યુરોપના ફન્ડિંગની મદદથી યુક્રેન અમેરિકા પાસેથી ૧૦૦ અબજ ડોલરના હથિયારોની ખરીદીની ઓફર કરી છે.
ઝેલેન્સ્કીએ ટ્રમ્પને કરેલી દરખાસ્તમાં કયા હથિયારોની ખરીદી કરાશે તે અંગે વિગતવાર જણાવાયું નથી. પરંતુ શહેરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે યુક્રેન અમેરિકા પાસેથી ૧૦ યુએસ બનાવટની પેટ્રીઅટ એર ડિફેન્સ સિસ્ટમ તેમજ અન્ય મિસાઈલ સિસ્ટમ્સ અને ઈક્વિપમેન્ટ ખરીદે તેવી શક્યતા છે. પ્રમુખ ટ્રમ્પ સાથે સોમવારની મુલાકાત પહેલાં ઝેલેન્સ્કીએ આ દરખાસ્ત અંગે યુરોપીયન યુનિયનના નેતાઓ સાથે ચર્ચા પણ કરી હતી.
સૂત્રો મુજબ અમેરિકા પાસેથી ૧૦૦ અબજ ડોલરના હથિયારોની ખરીદીની સાથે ઝેલેન્સ્કીએ યુક્રેનમાં ડ્રોનના સંયુક્ત ઉત્પાદન માટે અમેરિકન કંપનીઓ સાથે ૫૦ અબજ ડોલરના કરારની પણ દરખાસ્ત કરી છે. જોકે, દસ્તાવેજોમાં ખરીદી અને રોકાણ વચ્ચે વિભાગન અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. યુક્રેનના અધિકારીઓનું માનવું છે કે તેમના સંરક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અમેરિકા સાથે આ ભાગીદારી ખૂબ જ જરૂરી છે.
આ સિવાય યુક્રેને પશ્ચિમી દેશોમાં રશિયાની જપ્ત કરાયેલી ૩૦૦ અબજ ડોલરની સંપત્તિ મારફત યુદ્ધ સમયના નુકસાનો માટે પૂર્ણ વળતરની પણ માગણી કરી છે. આ સિવાય રશિયા ભાવી શાંતિ કરારનું પાલન કરે તો જ તેને કોઈપણ પ્રતિબંધોમાંથી રાહત આપવી જોઈએ તેમ દસ્તાવેજોમાં જણાવાયું છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે બેઠક પછી ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના નેતાઓ સાત નેતાઓ ફ્રાન્સના ઈમેન્યુઅલ મૈક્રોં, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ફિનલેન્ડના પ્રમુખ એલેકઝાન્ડર સ્ટબ, યુરોપીયન સંઘના પ્રમુખ ઉર્સલા વાન ડેર લિએન અને નાટોના મહાસચિવ માર્ક રુટ સાથે બેઠક કરી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે ચર્ચા કરી હતી.








