Russia Ukraine War : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં જ વાતચીત થઈ હતી, જેમાં પુતિને યુદ્ધ બંધ કરાવ માટે ડોનેત્સ્ક શહેરની માંગણી કરી છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે યુક્રેને રશિયા પર ભયાનક હુમલો કર્યો છે. યુક્રેને રશિયન ઉર્જા સંસ્થા પર ડ્રોન હુમલો કરતા ભયાનક આગ લાગી છે.
રશિયન ગેસ પ્લાન્ટ પર ડ્રોન હુમલો
મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેનની સેનાએ દક્ષિણ રશિયાના ઓરેનબર્ગ ક્ષેત્રમાં સ્થિત ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ પ્લાન્ટ રશિયાની સરકારી ઉર્જા કંપની ગેઝપ્રોમના નિયંત્રણ હેઠળ છે અને આ પ્લાન્ટ દ્વારા વાર્ષિક 45 અબજ ઘન મીટર ગેસ પ્રોસેસિંગ થાય છે. સ્થાનિક ગવર્નરે કહ્યું કે, હુમલામાં પ્લાન્ટના એક વર્કશોપ વિભાગમાં આગ લાગી છે, જેના કારણે કેટલોક ભાગ નુકસાન પામ્યો છે. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.
યુક્રેનના 45 ડ્રોન તોડી પાડ્યાનો રશિયાનો દાવો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે, તેની એર ડિફેન્સ સિસ્ટમે રાતભરમાં કુલ 45 યુક્રેની ડ્રોનને તોડી પાડ્યા હતા, જેમાં એક ઓરેનબર્ગ ક્ષેત્રમાં જ્યારે 23 ડ્રોન સમરા અને સારાટોવ ક્ષેત્રોની ઉપર તોડી પાડવામાં આવ્યા હતા. મંત્રાલયે સુરક્ષા દળોની સમયસરની કાર્યવાહીની પ્રશંસા કરતાં કહ્યું કે તેના કારણે મોટું નુકસાન ટાળી શકાયું. જોકે, યુક્રેન તરફથી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ પણ વાંચો : યુક્રેનના ખજાના પર રશિયાની નજર! પુતિને યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ સમક્ષ મૂકી શરત: રિપોર્ટ
પુતિનને યુક્રેનનું ડોનેત્સ્ક શહેર જોઈએ
ટ્રમ્પ અને પુતિન વચ્ચે તાજેતરમાં ફોન પર વાતચીત થઈ છે. આ દરમિયાન પુતિને સ્પષ્ટ કહ્યું છે કે જો યુક્રેન ડોનેત્સ્ક વિસ્તાર રશિયાને સોંપી દે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ આ વાતચીતની માહિતી વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી. પુતિનના પ્રસ્તાવ પરથી લાગી રહ્યું છે કે, યુદ્ધમાં ડોનેત્સ્ક શહેર તબાહ થઈ ગયું છે છતાં પુતિનને આ શહેરમાં રસ કેમ છે? પુતિન (Russia President Vladimir Putin) છેલ્લા 11 વર્ષથી ડોનેત્સ્ક પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો યુક્રેનની સેના પણ દર વખતે રશિયન સેનાને પાછળ ધકેલી દે છે. આ વિસ્તાર યુક્રેન માટે ખાસ છે, કારણ કે ડોનેત્સ્કની એકતરફ રશિયા છે, તો બીજીતરફ યુક્રેનની રાજધાની કીવ આવેલું છે. આજ કારણે રશિયાને કીવ પહોંચતા પહેલા ડોનેત્સ્ક પાર કરવો એક મોટો પડકાર છે. જો ડોનેત્સ્ક રશિયાના કબજામાં જાય તો યુક્રેની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
પુતિનની શરત : ડોનેત્સ્ક આપો તો...
પુતિને શરત મુકી છે કે, જો યુક્રેન ડોનેત્સ્ક આપી દે તો અમે ઝાપોરીઝ્ઝિયા અને ખેરસન વિસ્તારોના કેટલાક ભાગો છોડી દઈશું. જોકે, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અગાઉ પણ આ માંગને નકારી ચૂક્યા છે. બીજીતરફ ટ્રમ્પે ડોનેત્સ્ક મુદ્દે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અને ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) વચ્ચે મુલાકાત થઈ હતી, ત્યારે પણ ડોનેત્સ્ક મુદ્દે કોઈ ચર્ચા થઈ ન હતી. ડોનેત્સ્ક ખજાનાથી ભરેલો વિસ્તાર હોવાના કારણે રશિયા અને યુક્રેન માટે તે ખૂબ જ મહત્ત્વનો છે. 2014 સુધી ડોનેત્સ્ક યુક્રેનનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર હતું. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો લગભગ 20 ટકા હિસ્સો આ જ ક્ષેત્રમાંથી આવતો હતો. આ વિસ્તાર યુરોપના ચોથા સૌથી મોટા કોલસાના ભંડાર માટે જાણીતો છે, જે રશિયાને ઊર્જા ક્ષેત્રે વધુ મજબૂત બનાવી શકે છે.
આ પણ વાંચો : ટ્રમ્પના વિરોધમાં કેમ રસ્તા પર ઉતર્યા લાખો લોકો? નેશનલ ગાર્ડ્સને સ્ટેન્ડ બાય રહેવા આદેશ


