Get The App

VIDEO: રશિયાના 4 એરબેઝ પર યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો, 40 વિમાન કર્યા નષ્ટ

Updated: Jun 1st, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: રશિયાના 4 એરબેઝ પર યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો, 40 વિમાન કર્યા નષ્ટ 1 - image


Ukraine Air Attack on Russia: યુક્રેને 'ઓપરેશન સ્પાઇડરવેબ' હેઠળ ખુબ ચાલાકીથી રશિયાના એરબેઝ પર હુમલો કર્યો, અને બોમ્બ વરસાવતા વિમાનોને નષ્ટ કરી દીધા. રશિયાને આ હુમલામાં 200 કરોડ ડોલરનું નુકસાન થયું છે. આ હુમલાનું પ્લાનિંગ એક-દોઢ વર્ષથી કરાયું, અને પછી સટીકતાથી તેને અંજામ અપાયો. ટ્રકોથી લોન્ચ કરાયેલા ડ્રોનથી ઓલેન્યા અને બેલાયા સહિતના 4 રશિયન એરબેઝ પર હુમલા કર્યા હતા. હુમલા બાદ અનેક રશિયન વિમાનો બળીને ખાક થયા. એરબેઝ પર મોટું નુકસાન થયું છે. યુક્રેનના ડ્રોન હુમલામાં 40થી વધુ વિમાનોને નુકસાન થયું. હુમલાના વીડિયો ફુટેજ સામે આવ્યા છે. યુક્રેની મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ હુમલો યુક્રેની સેનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. યુક્રેને ખાસ કરીને તે બેઝને નિશાન બનાવ્યા છે, જેનો ઉપયોગ રશિયા તેના પર બોમ્બ વરસાવવા માટે કરી રહ્યું હતું. યુક્રેનનું કહેવું છે કે, આ એ જ વિમાન છે જે યુક્રેન પર વારંવાર ઉડાન ભરે છે અને બોમ્બ ફેંકે છે. બીજી તરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી છે. રશિયાએ કહ્યું કે, તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.

ડ્રોન હુમલામાં રશિયાના ચાર એરબેઝને કરાયા ટાર્ગેટ

• બેલાયા એરબેઝ, ઇરકુત્સ્ક ઓબ્લાસ્ટ (યુક્રેનથી 4000 કિમી દૂર)

• ઓલેન્યા એરબેઝ, મુરમાંસ્ક ઓબ્લાસ્ટ

• ડિયાધિલેવ એરબેઝ, રિયાઝાન ઓબ્લાસ્ટ

• ઇવાનોવો એરબેઝ, ઇવાનોવો ઓબ્લાસ્ટ

VIDEO: રશિયાના 4 એરબેઝ પર યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો, 40 વિમાન કર્યા નષ્ટ 2 - image

યુક્રેનની સુરક્ષા સેવા (SBU)ના એક અધિકારીએ જણાવ્યું કે, તેના ડ્રોન રશિયન વિસ્તારમાં દૂર સુધી જઈને મોટા બોમ્બર્સ વિમાનો જેવા કે Tu-95, Tu-22 અને મોંઘા A-50 જાસૂસી વિમાનને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા.

SBUએ જણાવ્યું કે, હુમલો બેલાયા એરબેઝ પર થયો, જે રશિયામાં ઈર્કુત્સ્કના એક દૂરના વિસ્તારમાં આવેલું છે. આ સિવાય ઓલેન્યા એરબેઝ પર પણ આગ લાગવાના સમાચાર છે, પરંતુ તેની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ વિમાન રશિયા માટે ખુબ મહત્ત્વના છે. જેમ કે Tu-95 1950ના દાયકાનું જૂનું વિમાન છે, પરંતુ હજુ પણ આ કેટલાક ક્રૂઝ મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે, જે દૂરના શહેરોને નિશાન બનાવી શકે છે. જેમાં જેટ એન્જિનની જગ્યાએ મોટા ફરતા પ્રોપેલર લાગેલા હોય છે, અને આ લાંબા અંતર સુધી જઈ શકે છે.

Tu-22 એક હાઈ સ્પીડ વિમાન છે, જે ખાસ કરીને મિસાઈલ કેરી કરી શકે છે. આ વિમાનના હુમલા રોકવામાં યુક્રેન માટે આસાન નથી હોતા, જ્યાં સુધી તેઓ અમેરિકા કે યુરોપની અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમનો ઉપયોગ ન કરે. A-50 એક દુર્લભ અને મોંઘું જાસૂસી વિમાન છે. રશિયા પાસે લગભગ 10 એવા વિમાન છે, જેની કિંમત લગભગ 350 મિલિયન ડોલર પ્રતિ વિમાન છે.

Tu-160 જે દુનિયાનું સૌથી મોટું બોમ્બમારો કરનારું વિમાન છે, 1980ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ રશિયાની વાયુસેનાનું સૌથી ખતરનાક વિમાન માનવામાં આવે છે. આ કેટલીક શક્તિશાળી મિસાઈળ લઈ જવામાં સક્ષમ છે. યુક્રેને કહ્યું કે, તેના પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો, કારણ કે આ વિમાન લગભગ દરરોજ રાત્રે યુક્રેનના શહેરો પર બોમ્બમારો કરે છે. યુક્રેનને આશા છે કે મોટા પ્રમાણમાં થયેલા આ ડ્રોન હુમલાથી તેઓ બોમ્બમારો ઓછો કરી શકશે.

રશિયા કે અન્ય દેશો તરફથી હજુ આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, અને કેટલીક માહિતીઓ બદલાઈ પણ શકે છે, પરંતુ જો આ સાચું છે, તો આ યુક્રેનના રશિયાની વાયુ શક્તિ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવશે. યુક્રેને કહ્યું કે, તેમના ડ્રોન આગળ પણ ઉડતા રહેશે અને જવાબી કાર્યવાહી ચાલુ રાખશે.

Tags :