World

યુક્રેન સંઘર્ષ મોદીનું યુદ્ધ છે : ટ્રમ્પના સલાહકાર રશિયન તેલ ખરીદી માટે ભારત પર ભડકી ઉઠયા છે

By GS TEAM
28 Aug 20252 mins read
યુક્રેન સંઘર્ષ મોદીનું યુદ્ધ છે : ટ્રમ્પના સલાહકાર રશિયન તેલ ખરીદી માટે ભારત પર ભડકી ઉઠયા છે

- ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદે તો ટેરિફ 25% કરાશે

- રશિયન પાસેથી તેલ ખરીદી, ભારત રશિયાનો શસ્ત્રાગાર વધારે છે તેથી મોસ્કોના યુદ્ધ વિજયો આખરે અમેરિકન ટેક્ષ પેયર્સ પર બોજો વધારે છે

વોશિંગ્ટન, નવી દિલ્હી : યુક્રેન સંઘર્ષને મોદીનું યુદ્ધ કહી ટ્રમ્પના વ્યાપાર વિષયક સલાહકાર પીટર નેવેર્રોએ તીવ્ર વિવાદ ઊભો કર્યો છે. તેઓએ કહ્યું : રશિયા પાસેથી તેલ ખરીદી ભારત રશિયાનો શસ્ત્રાગાર વધારે છે. તેથી મોસ્કોના યુદ્ધ વિજયો આખરે તો અમેરિકાના ટેક્ષ પેયર્સ ઉપર જ બોજો વધારે છે.

બ્લુમ બર્મ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં નેવેર્રોએ કહ્યું : મોદી મહાન નેતા છે, ભારતની લોકશાહી મહાન લોકશાહી છે તે બુદ્ધિશાળી વ્યક્તિઓ ચલાવે છે. છતાં તે અમને ખાલી ખોપરીના જ માને છે. એક તરફ દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાડનારા દેશો પૈકીનો ભારત એક દેશ છે છતાં તે એ હકીકતનો સ્પષ્ટ ઇનકાર કરે છે.

ભારત રશિયા પાસેથી તદ્દન સસ્તા ભાવે ક્રૂડ ખરીદે છે પછી તે શુદ્ધ (રીફાઇન્ડ) કરી બીજા દેશોને પેટ્રોલ, ડીઝલ વગેરે વેચી ભારે નફો કરે છે.

આ સાથે તેઓએ કહ્યું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે તો અત્યારથી અમલી બનેલો ૫૦ ટકાનો ટેરિફ ૨૫% કરી નખાશે.

દરમિયાન ભારતના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયામાંથી કરાતી ઊર્જા ખરીદી તે કિંમતની દ્રષ્ટિએ અમને પોસાય તેમ છે અને તે રાષ્ટ્રીય હિતમાં પણ છે.

ભારતે વધુમાં તેવી દલીલ કરી હતી કે યુરોપીય સંઘ અને અમેરિકા પણ રશિયા સાથે સંબંધ ધરાવતી ચીજ વસ્તુઓ ખરીદે છે. તેથી ભારતને રશિયા પાસેથી તો ન ખરીદવાનું કહેવું તેમાં કોઈ નૈતિક આધાર જ નથી.