Get The App

યુક્રેને 1100 કિલો અંડર વોટર વિસ્ફોટકોથી ક્રીમિયા બ્રિજ ઊડાવ્યો

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેને 1100 કિલો અંડર વોટર વિસ્ફોટકોથી ક્રીમિયા બ્રિજ ઊડાવ્યો 1 - image

- 40 બોમ્બર ઉડાવ્યા પછી યુક્રેનનો રશિયાને વધુ એક ફટકો

- ઈસ્તંબુલમાં શાંતિ વાટાઘાટોના કલાકોમાં જ યુક્રેનના રશિયન સૈન્ય પર ડ્રોન હુમલાથી ખેરસોન-ઝાપોરિજ્જિયામાં બ્લેકઆઉટ

- અમે યુક્રેનનો સંપૂર્ણ ખાત્મો બોલાવીશું, પુતિન-ટ્રમ્પ-ઝેલેન્સ્કીની આમને-સામને બેઠકની હાલ કોઈ સંભાવના નથી : રશિયા

કીવ : તુર્કીયેના ઈસ્તંબુલમાં રશિયા સાથે શાંતિમંત્રણા થાય તે પહેલાં જ યુક્રેને રશિયાની છેક અંદર જઈને ડ્રોનથી ૪૦ બોમ્બર ઉડાવીને પુતિનને મોટો ફટકો પહોંચાડયો હતો. રશિયા આ ઘામાંથી હજુ બેઠું પણ નથી થયું ત્યાં ઈસ્તંબુલમાં શાંતિ મંત્રણાઓ પછી યુક્રેને મંગળવારે વધુ એક મોટું ઓપરેશન કરીને રશિયા અને ક્રિમિયાને જોડતા પુલ પર ત્રીજી વખત મોટો હુમલો કર્યો હતો. આ વખતે યુક્રેને અન્ડર વોટર સપોર્ટ્સ પર વિસ્ફોટકો લગાવી વિસ્ફોટ કર્યો હતો, જેથી પૂલને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનો યુક્રેને દાવો કર્યો છે.

યુક્રેનના મીડિયા મુજબ સ્થાનિક સમય મુજબ મંગળવારે વહેલી સવારે ૪.૪૪ કલાકે એસયુબીએ ૧,૧૦૦ કિલો ટીએનટી વિસ્ફોટકોથી ક્રિમિયા બ્રિજને ઉડાવી દીધો, જેમાં પુલને ગંભીર નુકસાન થયું છે. એસબીયુએ કહ્યું કે, આ વિશેષ ઓપરેશનમાં તેમને મહિનાઓની મહેનત લાગી છે. આ હુમલો ક્રિમિયાના પુલના પાયાને નબળા કરવાની રણનીતિનો ભાગ હતો. 

કેર્ચ બ્રિજ તરીકે પણ ઓળખાતો ક્રિમિયા બ્રિજ રશિયા અને ક્રિમિયાને જોડતો મહત્વનો રોડ અને રેલવે પુલ છે. વર્ષ ૨૦૧૪માં રશિયાએ ક્રિમિયા પર કબજો કર્યા પછી આ પુલ બનાવ્યો હતો, જે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનનો મહત્વનો પ્રોજેક્ટ મનાય છે. યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા માટે આ પુલ ખૂબ જ મહત્વનો છે. આ પુલ મારફત રશિયાએ અનેક વખત વિપુલ પ્રમાણમાં હથિયારો અને તેની સેના યુક્રેનમાં મોકલ્યા હતા. યુક્રેને અગાઉ ૮ ઑક્ટોબર ૨૦૨૨ અને જુલાઈ ૨૦૨૩માં બે વખત આ પુલને તોડી પાડવા માટે હુમલા કર્યા હતા. પરંતુ તેને આંશિક સફળતા મળી હતી. ક્રિમિયા બ્રિજ પર હુમલા અંગે રશિયાએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, આ પુલ પર આવતીકાલે સવારે ૯.૦૦ વાગ્યા સુધી ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવાયું છે.

ઈસ્તંબુલમાં યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણાઓ થઈ હતી, જે એક કલાક માંડ ચાલી હતી. આ શાંતિ મંત્રણામાં બંને દેશોએ એકબીજાના ઈજાગ્રસ્ત સૈનિકોને પરત સોંપવા સંમતિ દર્શાવી હતી. જોકે, આ બેઠકમાં યુદ્ધવિરામ અંગે કોઈ સહમતિ થઈ નહોતી. આ બેઠક પૂરી થયાના કલાકોમાં જ યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો હતો. 

જોકે, રશિયાએ છેલ્લા ત્રણ વર્ષમાં યુક્રેનના જે વિસ્તારો આંચકી લીધા છે તેના પર હુમલો કરાયો હતો. યુક્રેનના ડ્રોન હુમલાના કારણે રશિયામાં ચારે બાજુ અંધારપટ છવાઈ ગયો હતો. યુક્રેને રશિયાના કબજાવાળા યુક્રેનના ક્ષેત્રો ખેરસોન અને ઝાપોરિજ્જિયામાં વીજળી કેન્દ્રોને નિશાન બનાવાયા હતા.

દરમિયાન રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ ડીમિત્રી મેડવેડેવે મંગળવારે સંકેત આપ્યા હતા કે રશિયા યુક્રેન પરનું તેનું આક્રમણ નહીં રોકે. ઈસ્તંબુલની વાટાઘાટો બીજા કોઈની શરતો પર શાંતિ વાટાઘાટો માટે નથી. અમે યુક્રેન સરકારનો સંપૂર્ણ ખાત્મો બોલાવીશું. યુક્રેનના વિસ્તારોમાં અમારા સૈન્યની આગેકૂચ ચાલુ રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટે પુતિન, ટ્રમ્પ અને ઝેલેન્સ્કી આમને-સામને બેસીને બેઠક કરે તો કોઈ ઉકેલ નીકળશે તેવા સવાલના જવાબમાં ક્રેમલિનના પ્રવક્તા ડીમિત્રી પેસ્કોવે નજીકના ભવિષ્યમાં આવી કોઈપણ બેઠકની સંભાવનાને નકારી કાઢી હતી.