World

યુક્રેને રશિયાનાં ગેસ પ્લાન્ટ પર હુમલા કરતાં ભીષણ આગ લાગી

By GS TEAM
19 Oct 20252 mins read
યુક્રેને રશિયાનાં  ગેસ પ્લાન્ટ પર હુમલા કરતાં ભીષણ આગ લાગી

યુક્રેનના 45 ડ્રોન તોડી પાડવાનો રશિયાનો દાવો  

શિયાળો નજીક આવતા બંને દેશો એકબીજાના ઉર્જા પ્લાન્ટોને નિશાન બનાવી રહ્યાં છે

કીવ: રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ફરી એક વખત ઉર્જા એકમોને નિશાન બનાવવામાં આવ્યા છે. યુક્રેને દક્ષિણ રશિયાના ઓરેંબુર્ગ વિસ્તારમાં આવેલા એક પ્રમુખ ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો હતો જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી હતી. આ સંયંત્ર રશિયાની સરકારી ઉર્જા કંપની ગેઝપ્રોમનાં નિયંત્રણમાં છે. 

સ્થાનિક ગવર્નર યેવગેવી સોલનત્સેવના જણાવ્યા અનુસાર ડ્રોન હુમલાથી પ્લાન્ટના એક કાર્યશાળા વિભાગમાં આગ લાગી હતી જેના કારણે તેનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. 

આ પ્લાન્ટ રશિયા અને કઝાખિસ્તાનની સરહદની પાસે આવેલું છે અને વાર્ષિક ૪૫ અબજ ઘન મીટર ગેસ પ્રોસેસિંગ ક્ષમતાવાળા વિશ્વના સૌથી મોટા ગેસ પ્રોસેસિંગ કોમ્પ્લેક્ષ પૈકીનું એક છે. જો કે આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ હોવાના સમાચાર મળ્યા નથી.

રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે સમગ્ર રાતમાં યુક્રેનના ૪૫ ડ્રોનને તોડી પાડયા હતાં. મંત્રાલયે જણાવ્યું છે કે સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરીને મોટા નુકસાનને ટાળ્યું છે. 

આ હુમલા અંગે યુક્રેન તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. યુક્રેને રશિયાના ઉર્જા એકમો પર હુમલા વધારી દીધા છે. 

યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે રશિયાનું ઓઇલ અને ગેસ પ્લાન્ટ મોસ્કોને યુદ્ધમાં ઇંધણ અને નાણાકીય સહાયતા પ્રદાન કરતા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.