'ગુનો કર્યો તો પહેલા ડિપોર્ટ કરીશું પછી સુનાવણી થશે', યુકેના વડાપ્રધાનની ચેતવણી
British PM Keir Starmer warns Illegal Immigrants: યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે જાહેરાત કરી છે કે તેમની સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવશે. તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવશે, તો તેને કસ્ટડીમાં લેવામાં આવશે અને તેના મૂળ દેશમાં પાછો મોકલી દેવામાં આવશે.
કીર સ્ટાર્મરે ગેરકાયદેસર પ્રવાસીઓને આપી ચેતવણી
11 ઓગસ્ટના રોજ સ્ટાર્મરે 'X' પર એક પોસ્ટમાં કહ્યું છે કે, 'જો તમે આ દેશમાં ગેરકાયદેસર રીતે આવશો, તો તમને કસ્ટડીમાં લેવામાં આવશે અને પાછા મોકલી દેવામાં આવશે. જો તમે આ દેશમાં આવીને કોઈ ગુનો કરશો, તો પહેલા ડિપોર્ટ કરીશું પછી સુનાવણી થશે.'
કીર સ્ટાર્મરે વધુમાં કહ્યું કે, 'વિદેશી ગુનેગારો ઘણા સમયથી બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમનો લાભ ઉઠાવી રહ્યા છે. બ્રિટનમાં મહિનાઓ કે વર્ષો સુધી રહે છે, જ્યારે તેમની અપીલ પર કોર્ટમાં કાર્યવાહી ચાલુ રહે છે અને તેઓ મહિનાઓ કે વર્ષો સુધી બ્રિટનમાં રહે છે. હવે આ બધું પૂરું થઈ રહ્યું છે. જો વિદેશી નાગરિકો બ્રિટનમાં કાયદો તોડશે, તો તેમને જલદીથી જ દેશનિકાલ (deport) કરવામાં આવશે અને ત્યારબાદ મામલાની સુનાવણી થશે.'
ગેરકાયદેસર શ્રમિકોને સમર્થન નહીં મળે
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ પહેલા રવિવારે પણ ચેતવણી આપી હતી કે જો કોઈ વિદેશી નાગરિક ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશ કરે છે અથવા કોઈ પ્રવાસી અહીં ગુનો કરે છે, તો તેને અહીં રહેવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આવા પ્રવાસીઓને શક્ય તેટલી વહેલી તકે ડિપોર્ટ કરવામાં આવશે.
સ્ટાર્મરે કહ્યું કે તેઓ એવા ગેરકાયદેસર શ્રમિકોને સમર્થન નહીં આપે જેઓ બ્રિટનની ઇમિગ્રેશન સિસ્ટમને છેતરવાનો પ્રયાસ કરે છે. આવા લોકો પ્રત્યે નરમાઈ દાખવવી એવા લોકો સાથે અન્યાય હશે જેઓ નિયમોનું પાલન કરે છે.
આ પણ વાંચો: સોના પર ટેરિફ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ભાવ પર પડશે સીધી અસર
તેમણે એક X પોસ્ટમાં આગળ કહ્યું, 'અમે દેશભરમાં ગેરકાયદેસર રીતે કામ કરતા સેંકડો ડિલિવરી રાઇડર્સની ધરપકડ કરી છે. અમે અહીં અટકીશું નહીં - અમે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમને મજબૂત કરવા માટે 50 લાખ પાઉન્ડનું રોકાણ કર્યું છે.'