- આઠ વર્ષે બ્રિટિશ વડાપ્રધાન બેઈજિંગ પહોંચ્યા
- આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન નહીં થાય તો દુનિયા જંગલ રાજ તરફ પાછી ફરશે, ચીન કોઈ પર હુમલો નહીં કરે : જિનપિંગ
- ચીન-બ્રિટન વચ્ચે નવો સરહદ સુરક્ષા કરાર : ચીનમાં વીઝા મુક્ત પ્રવાસ, વ્હિસ્કી પરનો ટેરિફ ઘટાડવાના કરારની શક્યતા
બેઈજિંગ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી નીતિઓ અને ટેરિફ ધમકીઓના કારણે હવે પશ્ચિમના સાથી દેશો પણ અમેરિકાનો સાથ છોડી રહ્યા છે. ટ્રમ્પની ધમકીઓ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ગુરુવારે બંને દેશો વચ્ચે લાંબાગાળાની, સ્થિર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે તૈયાર થયા છે. કીર સ્ટાર્મર ૬૦ બ્રિટિશ ઉદ્યોગપતિઓ અને સાંસ્કૃતિક લીડર્સ સાથે ચીનના ચાર દિવસના પ્રવાસે બેઈજિંગ પહોંચ્યા છે ત્યારે આઠ વર્ષમાં બ્રિટનના કોઈ વડાપ્રધાનનો આ પહેલો ચીન પ્રવાસ છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓ અને ટેરિફની ધમકીઓ વચ્ચે યુરોપના એક પછી એક દેશો ચીન તરફ ઢળી રહ્યા છે. આ શ્રેણીમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પછી હવે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર ચીન પહોંચ્યા છે.
ઈંગ્લેન્ડના વડાપ્રધાન કીર સ્ટાર્મરે ગુરુવારે ગ્રેટ હોલ ઓફ પીપલમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે ૮૦ મિનિટ સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં બ્રિટન અને ચીને નવો સરહદ સુરક્ષા કરાર કર્યો હતો, જેમાં ગેરકાયદે વસાહતીઓને બ્રિટનમાં ઘૂસાડતી સંગઠિત ગેંગો દ્વારા ઉપયોગમાં લેવાતી ચીની બનાવટની નાની બોટના એન્જિનનો પ્રવાહ જિનપિંગ સરકાર રોકશે.
આ ઉપરાંત બ્રિટન અને ચીન વચ્ચે સ્કોચ વ્હિસ્કીની નિકાસ પરનો ટેરિફ ઘટાડવા અને બ્રિટિશ પ્રવાસીઓ માટે ચીનમાં વીઝા મુક્ત પ્રવાસની મંજૂરીનો કરાર થવાની સંભાવના છે.
આ બેઠક પછી સ્ટાર્મરે કહ્યું કે, તેઓ વિકાસ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાના આશયથી બંને દેશો વચ્ચે પરિપક્વ અને સંતુલિત સંબંધો ઈચ્છે છે. સ્ટાર્મરનું આ નિવેદન ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે અનેક વર્ષોના તણાવ પછી દ્વિપક્ષીય સંબંધોમાં સંભવિત સુધારનો સંકેત માનવામાં આવે છે. સ્ટાર્મરે જિનપિંગ સાથેની બેઠકને સકારાત્મક ગણાવી હતી.
તેમણે ઉમેર્યું કે, ચીન વૈશ્વિક પ્લેટફોર્મ પર એક મહત્વનો ખેલાડી છે અને બંને દેશ વધુ પરિપક્વ, લાંબાગાળાના અને વ્યૂહાત્મક સંબંધો બનાવે તે જરૂરી છે. સાથે જ બંને દેશો મતભેદોના ક્ષેત્રમાં પણ વાતચીત કરે.
બીજીબાજુ ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓ પર પરોક્ષ પ્રહાર કરતા જિનપિંગે કહ્યું કે, કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ઓર્ડર ખોરવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય કાયદા માત્ર ત્યારે જ અસરકારક બની શકે જ્યારે બધા જ દેશો વિશેષરૂપે મોટા દેશો તેનું પાલન કરે.
અન્યથા વિશ્વ પર ફરી જંગલના કાયદા તરફ પાછા ફરવાનું જોખમ રહેશે. વેનેઝુએલા સામે ટ્રમ્પની સૈન્ય કાર્યવાહી અને ગ્રીનલેન્ડ પચાવી પાડવાના અમેરિકન પ્રમુખના દાવાઓ વચ્ચે શી જિનપિંગે કહ્યું કે, ચીન ગમે તેટલો વિકાસ કરે તે ક્યારેય કોઈપણ દેશ માટે જોખમરૂપ નહીં બને.


