UAEનું પ્રથમ માર્સ મિશન 'હોપ પ્રોબ' થયું લોન્ચ, UNએ કરી પ્રશંસા
હોપ પ્રોબ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે અને લોન્ચિંગ બાદ સંકેતો પણ મોકલવા લાગ્યું
અબુ ધાબી, તા. 20 જુલાઈ 2020, સોમવાર
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના પ્રથમ માર્સ મિશન હોપ પ્રોબ એ આજે જાપાનના તનેગાશિમા સ્પેસ સેન્ટર ખાતેથી અંતરીક્ષ માટેની ઉડાન ભરી લીધી છે. યુએઈની સ્પેસ એજન્સી દ્વારા આપવામાં આવેલા અહેવાલ પ્રમાણે હોપ પ્રોબ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે અને લોન્ચિંગ બાદ સંકેતો પણ મોકલી રહ્યું છે. આ તરફ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ યુએઈના આ માર્સ મિશનની પ્રશંસા કરીને તેને સમગ્ર વિશ્વ માટેનું એક યોગદાન ગણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રના અંતરીક્ષ મામલાઓના કાર્યાલયના ડિરેક્ટર સિમોનિટા ડી પિપ્પોના કહેવા પ્રમાણે યુએઈ હંમેશા ભવિષ્ય માટે તત્પર રહ્યું છે અને તે યુએનનું અદ્બૂત સાથી છે. વિયના ખાતેથી સ્કાઈપ પર આપવામાં આવેલા એક ઈન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું કે, તેઓ હોપ પ્રોબને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. તેના લીધે યુએઈ વાસ્તવમાં અંતરીક્ષ ક્ષેત્રે એક મુખ્ય ખેલાડી બની રહ્યું છે તે સાબિત થાય છે.
હોપ પ્રોબના લોન્ચિંગ મામલે ડી પિપ્પોએ જણાવ્યું કે, આ ખૂબ જ દિલચસ્પ વાત છે કે એક દેશ જેના પાસે થોડા વર્ષો પહેલા સુધી એક અંતરીક્ષ કાર્યક્રમ કે એક અંતરીક્ષ એજન્સી પણ નહોતી તે હવે મંગળ ગ્રહની તપાસ શરૂ કરવા સક્ષમ છે.