અમેરિકી યુદ્ધવિમાન શાંઘાઈથી 76 કિલોમીટર સુધી નજીક આવતા તંગદિલી
- એકબીજાની કોન્સુલેટ ઓફિસો બંધ કરાવાની માથાકૂટ વચ્ચે
- અમેરિકી ડિસ્ટ્રોયર જહાજ પણ શાંઘાઈના કાંઠા પાસે જોવા મળ્યું : પી-8એ એન્ટિ-સબમરિન વિમાન છે
બિજીંગ, તા. 27 જુલાઇ, 2020, સોમવાર
અમેરિકા-ચીન વચ્ચેના સંઘર્ષે આજે નવું સ્વરૂપ ધારણ કર્યું હતું. અમેરિકાનું યુદ્ધવિમાન પી-8એ આજે ચીનના મહાનગર શાંઘાઈની સાવ નજીક પહોંચી ગયું હતું. ચીની થિન્કટેન્કના અહેવાલ પ્રમાણે આ વિમાન તથા ઈપી-3-ઈ પ્રકારનું જાસૂસી વિમાન શાંઘાઈથી માંડ 76 કિલોમીટર દૂર ઉડયાં હતા.
આ અંગે ચીની સરકાર અંધારામાં રહી હતી કે પછી ચીની સરકારે મૌન રહેવાનું પસંદ કર્યું છે એ અંગે સ્પષ્ટતા થઈ નથી. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં પ્રથમવાર અમેરિકી વિમાનો આ રીતે ચીની મુખ્યભૂમિ અને તેના મહત્ત્વના શહેર નજીક પહોંચ્યા હોવાની ઘટના નોંધાઈ છે.
જ્યારે બીજું એક જાસૂસી વિમાન આરસી-135ડબલ્યુ ગુઆંગડોંગના કાંઠા નજીકથી પસાર થયું હતું. વિમાનો ઉપરાંત અમેરિકી નૌકાદળનું ડિસ્ટ્રોયર જહાજ યુએસએસ રફાલ પ્રેરાલ્ટા પણ શાંઘાઈના કાંઠા નજીકથી પસાર થયું હતું.
જે વિમાન રવિવારે શાંઘાઈ પાસેથી પસાર થયું હતું એ પી-8એ એન્ટિ-સબમરિન વિમાન છે અને થોડા દિવસો પહેલા જ અમેરિકાએ તેને સાઉથ ચાઈના સમુદ્રમાં મોકલ્યા હતા. આ વિમાન તાઈવાનની ખાડીમાંથી પસાર થઈ શાંઘાઈ નજીક આવ્યું હતું. એ ઉપરાંત અમેરિકી કંપની લોકહીડ માર્ટિને બનાવેલું વિમાન ઈપી-3-ઈ આકાશી સર્વેલન્સ અર્થાત જાસૂસી માટે ઉપયોગી છે.
આકાશમાં પસાર થતું આ વિમાન જમીન પરની તસવીરો લેવાનું કામ કરે છે. અમેરિકાએ આ વિમાનો શાંઘાઈ પાસેથી ઉડાવીને સાઉથ ચાઈના સીમાં પોતાનો પગદંડો વધારે મજબૂત કર્યો છે. છેલ્લા બાર દિવસથી સતત અમેરિકી સૈન્ય ચીની સમુદ્રમાં હાજર રહીને ચીનને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરી રહ્યું છે.