ઇઝરાયલ પર હમાસના હુમલાને બે વર્ષે, ગાઝામાં 67000 લોકોના મોત, હવે શાંતિના પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તેલઅવીવ, 7 ઓકટોબર, 2025, મંગળવાર
7 ઓકટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર 5000 રોકેટ વડે હુમલો કર્યો તે ઘટનાને 2 વર્ષ પુરા થયા છે. ઇઝરાયલ આમ તો દાયકાઓથી અસ્તિત્વની લડાઇ લડતું રહયું છે પરંતુ પ્રથમ વાર આટલો મોટો હુમલો થયેલો જેમાં 1200 ઇઝરાયલી નાગરિકોના મુત્યુ થયા હતા, આ ઉપરાંત હમાસે 250થી વધુ લોકોના અપહરણ કર્યા હતા. બંધકોમાં મોટા ભાગના ઇઝરાયલી અને કેટલાક અન્ય દેશોના નાગરિકો હતા. હુમલા પછી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસનું નામોનિશાન મિટાવવા ઇઝરાયલ ઇન વૉરની જાહેરાત કરીને ગાઝામાં સૈન્ય અભિયાન શરુ કર્યુ હતું.
છેલ્લા બે વર્ષમાં હમાસ અને સહયોગી સંગઠનો વિરુધની કાર્યવાહીમાં 67000 લોકોના મુત્યુ થયા છે. હજુ પણ વૉર ચાલું હોવાના સંજોગોમાં મુત્યુઆંક વધે તેવી શકયતા છે. ઇઝરાયલની કાર્યવાહીમાં હમાસ સંગઠન અને સહયોગીઓની કમર તૂટી છે પરંતુ અનેક નિદોર્ષ નાગરિકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો પણ ભોગ બન્યા છે. ઇઝરાયલના સૈન્યએ ગાઝાપટ્ટી વિસ્તારને ખંડેરમાં ફેરવી નાખ્યું છે. એક અંદાજ મુજબ ગાઝામાં ઇમારતોનો 5 કરોડ ટન જેટલા કાટમાળ જમીનદોસ્ત થયો છે.
ગાઝાયુદ્ધમાં ઇઝરાયલની ક્રુરતા અને માનવ અધિકારને લઇને ટીકાઓ પણ થઇ છે તેમ છતાં ઇઝરાયલે હમાસના સફાયાની કામગીરી અવિરત ચાલુ રાખી છે. બે વર્ષ પછી સતત ચાલેલી કાર્યવાહીમાં ઇઝરાયલને કેટલી સફળતા મળી છે તે પણ મહત્વનું છે. હમાસની સરખામણીમાં ઇઝરાયલ ખૂબજ શકિતશાળી છે. ઇઝરાયલે ખૂબ મોટી સૈન્ય સિધ્ધિઓ મેળવી છે તેમ છતાં હમાસને જડમૂળથી ઉખાડવામાં સફળતા મળી નથી. ઇઝરાયલ હમાસ હુમલા પછી ઓકટોબર 2023માં 'ઓપરેશન સ્વોર્ડસ ઓફ આયરન' શરુ કર્યુ હતું.

શરુઆતમાં ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં ફાઇટર જેટથી ભીષણ બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયલે હમાસના આતંકીઓને છુપાવાના એક એક સ્થળને નિશાન બનાવ્યા હતા. જાન્યુઆરી 2024માં સૈન્ય ઉતારીને જમીન વિસ્તાર પર નિયંત્રણ શરુ કર્યુ હતું. ઇઝરાયલી ટેન્કે ગાઝામાં પ્રવેશીને હમાસના ટોચના નેતાઓનો સફાયો કર્યો હતો. જુલાઇ 2024માં ઇઝરાયલે હમાસની પોલિટિકલ વિંગના નેતા ઇસ્માઇલ હાનિયાની ઇરાનમાં હત્યા કરી હતી. હમાસના લડવૈયાઓ હજુ પણ ઇઝરાયલ સામે સરન્ડરના મૂડમાં નથી તેઓ ગેરિલા યુદ્ધ શૈલીથી લડી રહ્યા છે એટલે કે છુપાઇને અચાનક જ હુમલો કરી દે છે. અમેરિકી થિંક ટેંકનું માનવું છે કે ઇઝરાયલના 10 હજારથી 12 હજાર જેટલા લડવૈયાઓ સક્રિય છે જે દક્ષિણ ગાઝામાં ઇઝારાયેલી સૈનિકો પર નાના પાયે હુમલા કરે છે.
એક સમયે હમાસના કમાન્ડર હોતા તેના સ્થાને હવે નાની નાની ટુકડીઓ વિકેન્દ્રીત રીતે લડત આપે છે. હમાસ ઇઝરાયલ સામે લડવા માટે નવા લડવૈયાઓનું ભર્તી અભિયાન પણ ચલાવે છે. સમાચાર એજન્સી રોયટર્સની જાન્યુઆરી 2025ના રિપોર્ટ, અનુસાર હમાસે ઓક્ટોબર 2023 થી અત્યાર સુધી 15000 નવા સભ્યોને સંગઠનમાં સામેલ કર્યા છે. હમાસ જાણે છે કે સીધી લડાઇમાં ઇઝરાયલને જીતી શકાય તેમ નથી માટે છુપાઇને અંતિમ લડાઇમાં મરણીયા બન્યા છે. ઇઝરાયલમાં હમાસના વિચારુબીજ હજુ પણ જીવંત છે. ઇઝરાયલ હુમલો કરે પછી ગાઝાના લોકોમાં ગુસ્સો વધે છે અને બદલો લેવાની લાગણી જન્મે છે. છેવટે તેઓ હમાસ કેમ્પમાં જોડાય છે.

જો કે ગાઝામાં હમાસ વિરુદ્ધ પ્રદર્શન પણ થતા રહે છે. ઇઝરાયલ પર કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વિના હુમલો કરીને લાખો નિદોર્ષ લોકોને મોતના ખાડામાં ઉતારી દીધા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતી થાય તે માટે પ્રયાસ કરે છે. હમણાં 20 સુત્રીય ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી પરંતુ તેને પક્ષપાતી ગણીને હમાસે ફગાવી દીધી હતી. હમાસ નાના હુમલા કરતું રહેશે અને ઇઝરાયલ સૈન્ય કાર્યવાહી પણ કરતું રહેશે. આ એક એવો સિલસિલો છે જેનો નજીકના ભવિષ્યમાં અંત આવે તેવી શકયતા નહિવત જ છે.








