બે કૌભાંડીઓ લલિત મોદી અને માલ્યાની બ્રિટનમાં પાર્ટી !
- લલિત મોદીને બીસીસીઆઈએ સસ્પેન્ડ કર્યો છે
- માલ્યા પર 9,000 કરોડની બેન્ક લોન ન ચૂકવી વિદેશ ભાગી જવાનો આરોપ
લંડન : આઇપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલિત મોદીએ લંડનમાં યોજેલી પાર્ટી વિવાદમાં ઘેરાઈ છે. તેમા લલિત મોદી અને ભાગેડુ કારોબારી વિજય માલ્યા બંન મસ્ત થઈ ગીતો ગાતો જોવા મળ્યા હતા. તેઓ ફ્રેન્ક સિનાત્રાનું ગીત આઈ ડીડ ઇટ માય વે ગીત ગાતા નજરે પડયા છે.
લલિત મોદીએ પાછો તેની પાર્ટીનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે. તે ઝડપથી વાઇરલ પણ થઈ ગયો છે. બંને જણા કાયદાકીય વિવાદમાં ફસાયેલા હોવાથી તેમના આ વિડીયોને લઈને ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે.
લલિત મોદીના આ ભવ્ય સમારંભમાં ૩૧૦થી વધારે મહેમાન સામેલ થયા હતા. તેમા વિશ્વભરમાંથી આવેલા મિત્રો અને સગાસંબંધીઓ હતા. આ મહેમાનોમાં રોયલ ચેલેન્જના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ ગેઇલ પણ હતા. ગેઇલે મોદી અને માલ્યા સાથેની તસ્વીર શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે અમે મસ્તીમાં છીએ. શાનદાર સાંજ બદલ ધન્યવાદ.
લલિત મોદીને આઇપીએલ દ્વારા ભારતીય ક્રિકેટમાં ક્રાંતિ લાવવાનું શ્રેય આપવામાં આવે છે. જો કે તે ૨૦૧૦થી યુકેમાં જ વસેલા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. લલિત મોદી પર બોલીમાં હેરાફેરી, લાંચ લેવાનો, મની લોન્ડરિંગ અને ફેમાના નિયમોના ભંગનો આરોપ છે. તેમા કરોડો રૂપિયાની હેરાફેરીની ચર્ચા છે.
બીજી બાજુએ વિજય માલ્યા પર ૯ હજાર કરોડ રૂપિયાનું દેવુ ન ચૂકવવાન આરોપ છે. તેના પર પણ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે. ૨૦૧૭માં ભારતની પ્રત્યાર્પણની વિનંતી પર લંડનમાં પકડાયેલા માલ્યા હાલમાં જામીન પર છે અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. આમ બંનેએ કાયદાકીય વિવાદો વચ્ચે પણ ખૂબ મસ્તી કરી હતી.