World

ન્યૂયોર્કના એરપોર્ટ પર વિમાનની ટ્રક સાથે ભારે ટક્કર, બે પાયલટના મોત

By GS TEAM
24 Mar 20262 mins read
ન્યૂયોર્કના એરપોર્ટ પર વિમાનની ટ્રક સાથે ભારે ટક્કર, બે પાયલટના મોત

વિમાનના લેન્ડિંગ સમયે જ ટ્રક રનવે પર આવી જતા અકસ્માત

અકસ્માતમાં 39+ જેટલા મુસાફરો-ક્રૂ ઘાયલ, કેટલાકની સ્થિતિ ગંભીર, ટ્રકમાં સવાર બે લોકોને પણ ઇજા પહોંચી

ન્યૂયોર્ક: ન્યૂયોર્કના લા-ગાર્ડીયા એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો હતો, અહીંયા એર કેનેડા એરલાઇન્સનું એક વિમાન ફાયર ટ્રક સાથે ટકરાયું હતું, આ અકસ્માતમાં બે પાયલોટના મોત નિપજ્યા છે જ્યારે વિમાનને ભારે નુકસાન થયું છે. વિમાન જ્યારે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. રનવે પર ફાયર ટ્રક સાથે ભયાનક ટક્કરમાં અનેક મુસાફરો પણ ઘાયલ થયા છે.    

એર કેનેડાની સ્થાનિક ફ્લાઇટ મુસાફરો અને ક્રૂ સાથે ન્યૂયોર્કના લા-ગાર્ડિયા એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી ત્યારે એક ફાયર ટ્રક સાથે આગળનો હિસ્સો ટકરાયો હતો. આ ટક્કરમાં ૩૯ લોકો ઘાયલ થયા છે જ્યારે પાયલોટ અને કો-પાયલોટ બન્નેના મોત નિપજ્યા છે. જે પણ મુસાફરો ઘાયલ થયા છે તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. 

જ્યારે ફાયર ટ્રકમાં સવાર બે પોર્ટ ઓથોરિટી કર્મચારીઓ પણ ઘાયલ થયા છે, માર્યા ગયેલા બન્ને પાયલોટ કેનેડાના રહેવાસી છે. આ અકસ્માતને પગલે એરપોર્ટને સોમવારે બપોર સુધી બંધ રાખવુ પડયું હતું. એવા અહેવાલો છે કે આ એરપોર્ટ પર અન્ય એક ફ્લાઇટમાં કોઇ ઘટના બની હતી જેને પગલે ફાયર ટ્રક આ ઘટનાને પહોંચી વળવા માટે રનવે પર જઇ રહી હતી તે સમયે જ આ એર કેનેડાનું વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું, જેથી બન્નેની ભારે ટક્કર થઇ હતી જેની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ અકસ્માતને પગલે એરપોર્ટને બંધ રાખવુ પડયું જેથી અનેક મુસાફરો હેરાન થયા હતા.