દર પાંચ ભારતીય-અમેરિકનમાંથી બે નાણાકીય અસ્થિરતાથી ચિંતિતઃ સર્વે
- દર છમાંથી એક ભારતીય-અમેરિકન કોરોના પોઝિટિવ
- ૩૦ ટકા ભારતીય અમેરિકનો પર નોકરી અને ઇન્ટર્ન પર નાણાકીય સ્થિરતાનું જોખમ રહેલું હોવાનો અહેવાલ
(પીટીઆઇ) વોશિંગ્ટન,તા. 1 જુલાઈ 2020, બુધવાર
એવું નથી કો કોરોનાવાઇરસના કારણે માત્ર ભારતમાં જ લોકોને નાણાભીડ સતાવે છે, અમેરિકામાં વસતા દર પાંચ ભારતીયો પૈકી બેને નાણાકીય અસ્થિરતાની સમસ્યા સતાવતી હોવાથી તેમણે પોતાની લાઇફસ્ટાઇલ બદલી નાંખી હોવાનું કોરોનાવાઇરસની ભારતીય સમુદાય પર પડેલી અસર અંગે કરાયેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું હતું. એવી જ રીતે ૩૦ ટકા ભારતીયોની નોકરી અથવા ઇન્ટર્નશીપ પર પણ નાણાકીય અસર પડી હોવાનું ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝમાંથી જાણવા મળ્યું હતું.તાજેતરના કોવિડ-૧૯ના આધારે કરાયેલા અને શનિવારે પ્રસિધ્ધ કરેલા અહેવાલ અનુસાર, દર છ પૈકી એકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અથવા તો ભારતીય સમુદાયમાંથી કયા પરિવારમાંથી કોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેની જાણ હતી. જો કે જૂજ ભારતીય અમેરિકનોને કોરોનાની મહામારીના કારણે ઇમિગ્રેશનની અસર પડી હતી.
'ભારતીય સમુદાય પર કોરોનાવાઇરસની શું અસર પડી હતી અને સમુદાયનો પ્રતિભાવ કેવો હતો તે જાણવા આ સર્વે હાથ ધરાયો હતો'એમ આ સંસ્થાના ડાયરેકટર ખેંડેરાવ કાંડે કહ્યું હતું. ભારતીય અમેરિકન સમુદાયમાં કોરોનાવાઇરસની કેવી અસર પડી છે તે જાણવા માટે આ પ્રકારનો પહેલો સર્વે હાથ ધરાયો હતો.'અહીં વસેલા ભારતીય સમુદાયના વિવિધ સંગઠનો અને વ્યક્તિઓ પાસેથી અમને જાણવા મળ્યું હતું કે ભારતીયોએ મુખ્ય પ્રવાહના લોકોને માસ્ક, ભોજન, મેડિકલ સહાય અને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી હતી'એમ તેમણે કહ્યું હતું.છ પૈકી પાંચ ભારતીય અમેરિકનોને તેમના પરિવારના સબંધમાં ક્યારે પણ મતભેદ સર્જાયા ન હતા.દર ચાર પૈકી એકને જ નિરાશા અથવા તાણની સમસ્યા રહી હતી.
'કોરોનાવાઇરસના કારણે સહન કરવા પડતી નાણાકીય સમસ્યાના કારણે લગભગ દરેક ભારતીય અમેરિકનની જીવન જીવવાની પધ્ધતીમાં ફેરફાર થયા છે'એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
જોન હોપકિન્સ કોરોનાવાઇરસ રિસોર્સ સેન્ટર અનુસાર, આ મહામારીએ ૯૯ લાખ લોકોને સંક્રમિત કર્યા હતા અને આખા વિશ્વમાં લગભગ પાંચ લાખ લોકોના મૃત્ય થયા હતા. એકલા અમેરિકામાં જ ૨૫ લાખ સંક્રમિત કેસ નોંધાયા હતા અને ૧૨૫૦૦૦ લોકો માર્યા ગયા હતા. આ મહામારીની વેકસિન શોધવા વૈજ્ઞાાનિકો ભારે સંશોધન કરી રહ્યા છે.