ઇટાલીમાં બૈસાખી ઉત્સવમાં બે ભારતીયની ગોળી મારીને હત્યા, હુમલાખોર કાર લઈને ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Two Indians Killed in Italy: ઇટાલીના ઉત્તરમાં આવેલા બર્ગામો પ્રાંતમાં બૈસાખીના પવિત્ર તહેવાર દરમિયાન એક ફાયરિંગની ઘટના બની હતી. અહીં એક વેરહાઉસ પાસે અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને બે ભારતીય નાગરિકોની હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભારતીય સમુદાયમાં શોક અને ફફડાટ વ્યાપી ગયો છે.
આ લોહિયાળ ઘટના શુક્રવારે મોડી રાત્રે બર્ગામો પ્રાંતના કોવો વિસ્તારમાં બની હતી. જે સ્થળે આ હુમલો થયો તે ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની નજીક આવેલું એક વેરહાઉસ છે. બૈસાખીના તહેવાર નિમિત્તે આ વેરહાઉસનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ અને સભા માટે કરવામાં આવી રહ્યો હતો. જ્યારે બંને પીડિતો વેરહાઉસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ હુમલાખોરે તેમના પર હુમલો કર્યો હતો.
મૃતકોની ઓળખ થઈ
પોલીસ અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ 48 વર્ષીય રાગિન્દર સિંહ અને 48 વર્ષીય ગુરમીત સિંહ તરીકે થઈ છે. રાગિન્દર સિંહ કોવો વિસ્તારના જ રહેવાસી હતા, જ્યારે ગુરમીત સિંહ અગ્નાડેલોમાં રહેતા હતા. હુમલાખોરે અચાનક આવીને બંને પર ગોળીઓ ચલાવી હતી અને ત્યારબાદ પોતાની કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ સુનિયોજિત કાવતરું હોવાની પોલીસને આશંકા
સ્થાનિક પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ કોઈ આકસ્મિક ઝઘડાનું પરિણામ નથી, પરંતુ એક સુનિયોજિત હત્યા હોઈ શકે છે. હુમલાખોરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓની મદદ લેવામાં આવી રહી છે.
બૈસાખી જેવા ખુશીના તહેવારમાં બનેલી આ ઘટનાએ વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.









