ઝુકરબર્ગનો રેકોર્ડ તૂટ્યો, ભારતીય મૂળના 22 વર્ષના બે યુવાને સ્વબળે અબજોપતિ બની ઇતિહાસ રચ્યો

Indian Business News: ભારતીય મૂળના બે અમેરિકન અને એક અમેરિકન એમ ત્રણ મિત્રોએ માત્ર 22 વર્ષની વયે સ્વબળે અબજોપતિ બનીને સૌથી નાની વયે ધનકૂબેર બનવાનો ઈતિહાસ રચ્યો છે. આ પહેલાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે 23 વર્ષની વયે ફોર્બ્સના અબજોપતિઓની યાદીમાં સ્થાન મેળવી સૌથી નાની ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવવાનો રેકોર્ડ કર્યો હતો. ભારતીય મૂળના અમેરિકન આદર્શ હિરેમઠ અને સૂર્યા મિધા અને અમેરિકન બ્રેન્ડન ફૂડી કેલિફોર્નિયાના સાને હોસે વિસ્તારમાં ઉછરેલાં છે.
ત્રણેય મિત્રોએ સ્થાપેલા એઆઇ રિક્રૂટિંગ સ્ટાર્ટ અપ મર્કોરે 350 મિલિયન ડોલર્સનું ભંડોળ ઉભું કર્યું તે પછી તેની વેલ્યુ સતત વધવા સાથે ત્રણે પાર્ટનર્સ અબજોપતિ બની ગયા હતા. હિરેમઠે ફોર્બ્સને જણાવ્યું હતું કે જો હું મર્કોરમાં કામ ન કરતો હોત તો થોડા મહિના અગાઉ હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએટ થયો હોત. મર્કોર સ્ટાર્ટ અપના ત્રણે સ્થાપકો થિયલ ફેલો છે. પિટર થિયલ નામના અબજોપતિ ઇન્વેસ્ટર દર વર્ષે જે યુવાનો કોલેજમાં જવાનું પડતું મુકી બિઝનેસ કરે તેમને એક લાખ ડોલરની ગ્રાન્ટ દર વર્ષે આપે છે.
ઇન્ડિયન અમેરિકન હિરેમઠ અને મિધા સાને હોસેમાં આવેલી બેલારમાઇન કોલેજ પ્રિપેરેટરીમાં સાથે હતા. બેલારમાઇન કોલેજમાં તેઓ પોલિસી ડિબેટ ટીમમાં જોડાયા હતા. એક જ વર્ષમાં તમામ ત્રણ મુખ્ય પોલિસી ડિબેટ જીતનારા ઇતિહાસમાં પ્રથમ જોડી તે બન્યા હતા.હિરેમઠે બાદમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ ભણવા એડમિશન લીધું અને મૅક્રોઇકોનોમિક્સમાં લેરી સમર્સના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. આ દરમ્યાન જ તેણે તેની ડોર્મિટરીના રૂમમાં મર્કોરની સહસ્થાપના કરી. બાદમાં તેણે હાર્વર્ડમાં ભણવાનું પડતું મુકી સાન ફ્રાન્સિસ્કો જઇ થિયલ ફેલોશિપ મેળવી.
યુએસની કંપનીઓમાં કામ કરતાં ભારતીય એન્જિનિયર્સને ફ્રી લાન્સ કોડર્સ તરીકે સાંકળવા માટે એક પ્લેટફોર્મ તરીકે ૨૦૨૩માં મર્કોરની સ્થાપના કરાઇ હતી.રસપ્રદ બાબત એ છે કે આ કંપનીના સ્થાપકોમાંના એક સૂર્યા મિધાનો જન્મદિવસ જુનમાં હતો. તે સહસ્થાપકો કરતાં બે મહિના નાનો છે. મર્કોરને ટોચની 100 પ્રાઇવેટ ક્લાઉડ કંપનીઓની ફોર્બ્સની યાદીમાં સમાવવામાં આવી તે પછી સપ્ટેમ્બરમાં ફૂડીએ જાહેર કર્યું કે માર્ચમાં 100 મિલિયન વાર્ષિક રેવન્યુ રેટ હતો તે વધીને હવે 500 મિલિયન થઇ ગયો છે. આજે મર્કોર દસ અબજ અબજ ડોલર્સની વિરાટ કંપની બની ચૂકી છે. તેના ત્રણે સ્થાપકો તેમાં અંદાજે 22 ટકાનો હિસ્સો ધરાવે છે.
સૂર્યા મિધાના માતાપિતા નવી દિલ્હીથી યુએસમાં સ્થળાંતરીત થયા હતા. સૂર્યા મિધાએ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી ફોરીન સ્ટડીઝમાં બેચલરની ડિગ્રી મેળવી છે. બ્રેડન ફૂડી પણ એ સમયે જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ ભણતો હતો. રસપ્રદ બાબત એ છે કે ત્રણે અબજોપતિઓના માતાપિતા સોફ્ટવેર એન્જિનિયર્સ છે. ફૂડીની માતા મેટાની રિઅલ એસ્ટેટ કંપનીમાં કામ કરી ચૂકી છે તો તેના પિતાએ નેવુંના દાયકામાં ગ્રાફિક્સ ઇન્ટરફેસ કંપની સ્થાપી હતી. એ પછી તેમણે સ્ટાર્ટ અપ સલાહકાર તરીકે કામ શરૂ કર્યું હતું.

