World

આતંક મુદ્દે બે મોઢાની વાત નહીં ચાલે, જી-7 વૈશ્વિક પ્લેટફોર્મ બનાવેઃ મોદી

By GS TEAM
19 Jun 20253 mins read
આતંક મુદ્દે બે મોઢાની વાત નહીં ચાલે, જી-7 વૈશ્વિક પ્લેટફોર્મ બનાવેઃ મોદી

- એઆઇ અને તેના ભયસ્થાનો અંગે પણ ચર્ચા કરાઈ

- ટ્રમ્પ જી-7ની બેઠકમાંથી વહેલાં નીકળી જતાં સભ્ય દેશો વચ્ચે મહત્ત્વના કહી શકાય તેવા કોઈ કરાર ન થયા

કનાનાસ્કિસ : કેનેડામાં યોજાયેલી જી-૭ આઉટરિચમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે ભારતની આકરી નીતિનો પુનરોચ્ચાર કર્યો અને આ વૈશ્વિક ભય સામે એકત્રિત થઈ નિર્ણાયક કાર્યવાહી કરવાની માંગ કરી.  તેમણે જણાવ્યું હતું કે  વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે આપણી નીતિ સ્પષ્ટ હોવી જોઈએ,  જે પણ દેશ આતંકવાદને સમર્થન આપતો હશે તેણે કિંમત ચૂકવવી પડશે. 

તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમાજની કાર્યવાહીમાં બેવડા માપદંડ હોવા ન જોઈએ. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એકબાજુએ આપણે આપણી પસંદ મુજબ જુદાં-જુદાં પ્રકારના પ્રતિબંધ ઝડપથી લગાવી દઈએ છીએ. બીજી બાજુએ જે દેશ ખુલ્લેઆમ આતંકવાદનું સમર્થન કરે છે તેને ઇનામ આપવામાં આવે છે. આ બેવડી નીતિ બધ થવી જોઈએ. 

વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે પણ જણાવ્યું હતું કે વડાપ્રધાને આતંકવાદ સામેના આકરા વલણનો પુનરોચ્ચાર કર્યો છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ નેતાઓનો આભાર માન્યો. તેમણે આતંકવાદને સમર્થન આપવા માટે આકરી વૈશ્વિક કાર્યવાહી પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ જી-૭ નેતાઓ સાથેની વાતચીતને રચનાત્મક ગણાવી. તેમણે જણાવ્યું હતું કે જી-૭માં ચર્ચા મુખ્યત્વે વૈશ્વિક પડકારો અને સારા ભવિષ્યની આશાઓ તરફ કેન્દ્રિત રહી. 

મોદીએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી ટેકનોલોજી છે જેના માટે મોટા પાયા પર ઉર્જાની જરૂર પડે છે. હવે ટેકનોલોજી સંચાલિત સમાજની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ સ્વરૂપે પૂરી કરવાની કોઈ પદ્ધતિ છે તો તે રીન્યુએબલ એનર્જી કે અક્ષય ઉર્જા જ છે. તેમણે જણાવ્યું હતું કે ગઈ સદીમાં ઉર્જા માટે હરીફાઈ હતી. આ સદીમાં ટેકનોલોજી માટે સહયોગ કરવો પડશે. તેમણે ડીપફેકને ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેથી એઆઇની મદદથી બનાવવામાં આવેલી કોઈપણ વસ્તુ પર એઆઇની સ્પષ્ટ છાપ હોવાની બાબત પર તેમણે ભાર મૂક્યો હતો. 

જી-૭માં છ દેશોએ ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધ પર ચર્ચા કરી હતી. પરંતુ કોઈ મોટો કરાર કરી શક્યા ન હતા. આ સમિટમાં ફક્ત તે જ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે વિશ્વના ધનવાન દેશો કેવી રીતે વૈશ્વિક નીતિઓને આકાર આપે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના વહેલાં જવાના લીધે કોઈ મોટા કરાર કે સંયુક્ત નિવેદનો થઈ શક્યા ન હતા.  ફ્રાન્સના પ્રમુખે મેક્રોએ પણ જણાવ્યું હતું કે માઇક કાર્ની એક જ દિવસમાં વિશ્વની બધી મુશ્કેલીઓનો ઉકેલ આપી દે તેવી આશા આપણે ન રાખી શકીએ. ફ્રાન્સ આગામી વર્ષે જી-૭નું યજમાન બનવાનું છે. 


તમે શ્રેષ્ઠ છો, હું તમારા જેવી થવા પ્રયત્ન કરું છું : મેલોનીએ મોદીના વખાણ કર્યા 

કેનાનાસ્કિસ : કેનેડામાં જી-૭ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલિયન વડાપ્રધાન મેલોની મળ્યા હતા. બંને આગેવાનોએ હસ્તધૂનન કરી એકબીજાનું અભિવાદન કર્યુ હતુ. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇટાલી અને ભારતના સંબંધો વધુને વધુ મજબૂત થઈ રહ્યા છે. આ ઉષ્માસભર આદાનપ્રદાનમાં ઇટાલિયન વડાપ્રધાન મેલોનીએ પીએમ મોદીને જણાવ્યું હતું કે તમે શ્રેષ્ઠ છો. હું તમારા જેવી થવા પ્રયત્ન કરી રહી છું. ઇટાલિયન પીએમે સોશિયલ મીડિયા પર પણ બંનેની તસ્વીર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ઇટાલી અને ભારત બંને મૈત્રીથી જોડાયેલા છે. પીએમ મોદીએ પણ જણાવ્યું હતું કે હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. મેલોનીએ જણાવ્યું હતું કે ભારતની ઇટાલી સાથેની મિત્રતા વધુને વધુ મજબૂત બનતી જશે અને બંને દેશોના લોકોને તેનો ફાયદો થશે. જી-૭માં બંને વચ્ચે થોડી પળો માટે આદાનપ્રદાન થયું હતું. પીએમ મોદી અને મેલોની બંને અગાઉ દુબઈમાં કોપ૨૮ દરમિયાન મળ્યા હતા. ંબંનેએ સેલ્ફી લીધી હતી. મેલોનીએ કેપ્શન આપ્યું હતું કે ગૂડ ફ્રેન્ડ્સ એટ કોપ૨૮, મલોડી,